PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA Regd. No. B. 4787
વૈરાગ્ય – સમાચાર
મુરબ્બી શ્રી જેઠાલાલ બાપા (પૂ. બેનશ્રી ચંપાબેન તથા પં. હિમતલાલભાઈ વગેરેના પિતાજી)
ચૈત્ર વદ ૧રના રોજ ૮૩ વર્ષની વયે વાંકાનેરમાં તેમના પુત્ર વૃજલાલભાઈને ઘેર સ્વર્ગવાસ પામ્યા છે.
ઘણા વખતથી તેઓ સોનગઢમાં જ રહેતા. તેમને સમ્યક્ત્વનું ઘણું બહુમાન હતું અને તેની ઊંડી ઝંખના
હતી. સમકીતની વાત સાંભળતાં પણ તેઓ આનંદમાં આવી જતા. સોનગઢમાં તેમની અસ્વસ્થ તબિયત
વખતે એકવાર પૂ. ગુરુદેવ દર્શન દેવા પધારેલા, ત્યારે તેમને પૂછયું: ‘કેમ બાપા! સમકીત જોઈએ છે ને?’
બાપાએ અંતરના ઉમળકાથી જવાબ આપ્યો––‘હા...હા મારે સમકીત જોઈ છી...’ પછી પૂછયું કે ‘સમકીત
થતાં શું થાય?’ ત્યારે તેમણે જવાબ આપ્યો કે– “આત્મામાં આ...નં...દ...નો...સા...ગ...ર..ઝૂ...લ...તો
હોય!” આ રીતે અસ્વસ્થ તબિયત વખતે પણ સમકીતની વાર્તા સાંભળતાં તેઓ હોંસમાં આવી જતા.
થોડા દિવસ પહેલાં સોનગઢથી વાંકાનેર જવાનું થયું ત્યારે તેઓ પૂ. ગુરુદેવના દર્શન કરવા
આવેલા, તે વખતે ભક્તિપૂર્વક તેમણે કહ્યું કે “મહારાજસાહેબની મારા ઉપર પાકી મહેરબાની છે’...
વાંકાનેર ગયા બાદ છેલ્લા દિવસ સુધી તેઓ હરતા ફરતા હતા... છેલ્લે દિવસે માત્ર થોડી જ મિનિટોમાં
હૃદય બંધ પડી જતાં તેમનો સ્વર્ગવાસ થઈ ગયો.
જીવનમાં ભેદજ્ઞાનની ભાવના માટે પ. બેનશ્રી બેને તેમને એક ટૂંકું લખાણ લખી આપેલું, છેલ્લા
કેટલાક વખતથી તેઓ તે ભાવનાનું રટણ કર્યા કરતા.
આ રીતે મુરબ્બી શ્રી જેઠાલાલ બાપા સમકીતનું બહુમાન અને ઝંખના સાથે લઈને ગયા છે...
સમકીત માટે ઝંખતો તેમનો આત્મા, સમ્યક્ત્વના મહિમાના બળે, સમકીત માટેની પોતાની ઊગ્ર ઝંખના
ઝટ પૂરી કરો...એ જ ભાવના..
“જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ
લહે.” ૧૦૧
ભેદજ્ઞાની ભાવના
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એટલે શરીરમાં જે રોગ કે પીડા થાય તેનો જાણનાર જ છે, આત્માને પીડા
થતી નથી,–તેનું લક્ષ બરાબર વારંવાર રાખવું ને ખૂબ દ્રઢ કરવું.
શરીરમાં ગમે તેવી પીડા થાય તોપણ ‘હું જાણનાર આત્મા છું’ એવા લક્ષે રોગમાં શાંતિ રાખવી તો
તે શાંતિ સાચા ફળને આપે છે. પરમ પૂજ્ય મહારાજ સાહેબ પરમ પુરુષ છે, તેમનું બહુમાનથી હૃદયમાં
સ્મરણ કરવું. દેહને જો છૂટવાનો પ્રસંગ હોય તો, તે દેહ આત્માથી જુદો છે–તેવા ઉપયોગની બરાબર
સાવધાની રાખવી. દેહમાં ભીંસ થતાં આત્માને ભીંસ થતી નથી, માટે ભીંસમાં ભીંસાવું નહિ,
જુદા આત્માની સાવચેતી રાખવી.
આત્મા જાણનાર છું, શરીર હું નથી, રાગદ્વેષ હું નથી, મન હું નથી, ધન હું નથી, હું અનંત ગુણોનો
પિંડ છું. (મુરબ્બી શ્રી જેઠાલાલ બાપાને ભાવના કરવા માટે ઉપર્યુક્ત ચિઠ્ઠી પૂ. બેનશ્રીબેને લખી આપેલી;
જિજ્ઞાસુઓને ઉપયોગી હોવાથી તે અહીં પ્રસિદ્ધ કરી છે.)
મુદ્રક:–જમનાદાસ માણેકચંદ રવાણી અનેકાન્ત મુદ્રણાલય : વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશક:–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)