Atmadharma magazine - Ank 143a
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
જો વાણી હોય તો તેમાં યથાર્થ પ્રરૂપણા જ આવે, પ્રયોજનભૂત તત્ત્વોની વિપરીત પ્રરૂપણા આવે જ નહિ–એવો
નિયમ છે. પ્રગટપણે જેની વાણીમાં મૂળતત્ત્વોની વિપરીત પ્રરૂપણા આવે છે તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે એમ જાણવું.
અજ્ઞાનીને જ્ઞાનનો ઉઘાડ ગમે તેટલો હોય તો પણ તેનું બધું જ્ઞાન મિથ્યા જ છે કેમ કે તેણે મૂળવસ્તુને જાણી નથી;
અને જ્ઞાનીને જ્ઞાનનો ઉઘાડ કદાચ ઓછો હોય તોપણ તેનું બધું જ્ઞાન સમ્યક્ છે કેમ કે મૂળભૂત ચૈતન્યવસ્તુને યથાર્થ
પણે સ્વાનુભવથી તેણે જાણી છે. માટે અંતરમાં આનંદસ્વભાવથી ભરેલી ચૈતન્યવસ્તુને જ્ઞાનમાં લેવાનો મૂળભૂત
પ્રયત્ન કરવો તે જ કર્તવ્ય છે.
અહીં આચાર્યદેવ જિજ્ઞાસુ જીવને આત્માનું સ્વરૂપ સમજાવે છે. જેને આત્માનું સ્વરૂપ સમજવાની ખરી
જિજ્ઞાસા જાગી છે એવા આત્માર્થીને આ વાત ન સમજાય–એમ બને નહિ. આત્મામાં અનંતા ધર્મો છે તે બધાય
ચૈતન્ય સામાન્ય વડે વ્યાપ્ત છે, એટલે તેના કોઈપણ ધર્મને જાણતી વખતે ચૈતન્ય સામાન્યનું ભાન રહેવું જ જોઈએ.
એક સમયમાં અનંતધર્મોવાળો આત્મા છે તે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત છે, એટલે આત્મા જાગૃત સ્વભાવવાળો છે.
નય હો કે પ્રમાણ હો, તે બંનેમાં આવી જાગૃત ચૈતન્યસત્તાને દેખવી તે જ પ્રયોજન છે. સ્વાનુભવપ્રમાણ વડે
અનંતધર્મવાળા આત્માને જાણ્યા પછી તેના એકેક ધર્મનું જ્ઞાન કરવું તે નય છે. નયથી એકેક ધર્મનું જ્ઞાન કરીને પછી
તે બધા નયોનું જ્ઞાન એકઠું થઈને પ્રમાણ થાય છે–એમ નથી, પણ અનંત ધર્મથી અભેદરૂપ એવી ચૈતન્યવસ્તુને
જાણતાં જે પ્રમાણજ્ઞાન થયું, તે પ્રમાણપૂર્વક વસ્તુના એક ધર્મને પ્રધાન કરીને જાણે તે નય છે. ક્ષણિકપર્યાયનો વિકાર,
અને તે જ વખતે અનંતધર્મસ્વરૂપ એવું શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય–એમ બંનેનો અસ્તિત્વ જાણતાં પ્રમાણજ્ઞાન થઈને
આત્માનો સ્વાનુભવ થાય છે. જે જ્ઞાને ક્ષણિકરાગને અને ત્રિકાળી શુદ્ધદ્રવ્યને–બંનેને જાણ્યા તે જ્ઞાન ત્રિકાળી
શુદ્ધદ્રવ્યનો જ મહિમા કરીને તેની સન્મુખ એકાગ્ર થઈ જાય છે એટલે શુદ્ધઆત્માનો સ્વાનુભવ થાય છે.
પ્રમાણજ્ઞાનપૂર્વક આવો સ્વાનુભવ થાય ત્યારે જ ખરેખર આત્માને જાણ્યો કહેવાય, અને પછી જ તેને સાચા નય
હોય. પ્રમાણથી આત્માને જાણ્યા વગર એકલા રાગને જાણવા જાય તો તે રાગ સાથે એકત્વબુદ્ધિ થઈને એકાંત થઈ
જાય છે, તે મિથ્યાત્વ છે. ધર્મીને આખી આત્મવસ્તુનું જ્ઞાન હોવાથી રાગને જાણતી વખતે રાગ સાથે એકત્વબુદ્ધિ થતી
નથી, પણ અનંતધર્મના પિંડરૂપશુદ્ધચૈતન્ય સાથે જ એકત્વબુદ્ધિ રહે છે.
ધર્મી જાણે છે કે ક્રિયાનયથી જોતાં અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવો આત્મા છે. હજી પોતાની
પર્યાયમાં વ્યવહારરત્નત્રય વગેરેનો શુભરાગ વર્તે છે,–શુદ્ધચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે તો સાથે છે જ, તે
દ્રષ્ટિપૂર્વક ઘણો રાગ તો ટળી ગયો છે, ને બાકી રહેલો રાગ પણ ક્રમે ક્રમે ટળીને શુદ્ધતા થઈ જશે, તેથી ધર્મીના તે
શુભઅનુષ્ઠાનને નિમિત્ત ગણીને તેની પ્રધાનતાથી સિદ્ધ થવાનું કહ્યું છે. આવો પણ આત્માનો એક ધર્મ છે–એમ, શુદ્ધ
ઉપાદાન ઉપર દ્રષ્ટિ રાખીને ધર્મીજીવ જાણે છે. સામાન્યચૈતન્યસ્વભાવ ઉપરની દ્રષ્ટિને કાયમ રાખીને ધર્મીજીવ નયમાં
ધર્મોને મુખ્ય–ગૌણ કરીને જાણે છે, અને એ જાણીને પણ વસ્તુની શુદ્ધતાને જ સાધે છે.
સાધકને શુભરાગ છે તે પણ આત્માની પર્યાયનો અંશ છે, અશુદ્ધનિશ્ચયથી તે રાગ આત્માનો છે.
શુદ્ધનિશ્ચયરૂપ દ્રવ્યના આશ્રયે સાધક પોતાનું કલ્યાણ સાધી રહ્યો છે, ત્યાં અશુદ્ધનિશ્ચયરૂપ શુભ રાગને જાણતાં તેની
પ્રધાનતાથી સિદ્ધિ થવાનું ઉપચારથી કહેવાય છે, કેમ કે વીતરાગીદ્રષ્ટિપૂર્વક તે શુભ વખતે અશુભરાગ ટળ્‌યો તે
અપેક્ષાએ શુભને પણ સાધન કહી દીધું.–એવું નયવિવક્ષાનું કથન છે. પરંતુ–અંતરના શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ વગર
એકલા શુભરાગથી સિદ્ધિ થઈ જાય–એમ કદી બનતું નથી, એ મુખ્ય વાત ભૂલવી ન જોઈએ.
આત્માના પરમાર્થસ્વભાવનો આશ્રય લેવો તે જ સિદ્ધિનું સાધન છે, પણ સાધકને રાગ વખતે અશુભથી
બચવા (અર્થાત્ અશુભવંચનાર્થે) વ્યવહારરત્નત્રય વગેરેનો શુભરાગ હોય છે, તેથી ક્રિયાનયમાં વ્યવહાર
પ્રધાનતાથી એમ પણ કહેવાય કે વ્યવહારરત્નત્રય તે સાધન ને નિશ્ચયરત્નત્રય તે સાધ્ય; ક્રિયાનયથી આવા ધર્મને
જાણતી વખતે શુદ્ધચૈતન્યદ્રવ્યના અવલંબને નિશ્ચય સાધનનું પરિણમન પણ ભેગું જ વર્તી રહ્યું છે. આ રીતે ક્રિયાનય,
સાધકદશામાં નિશ્ચયસહિત વ્યવહારરત્નત્રય વર્તે છે તેનું જ્ઞાન કરે છે. હવે પછીના બોલમાં જ્ઞાનનયથી વર્ણન કરશે.
ઃ ૨૮૪ઃ
આત્મધર્મ ખાસ અંક