Atmadharma magazine - Ank 143a
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
છે; તે કોને ન જાને? બધાને જાણવાનો સ્વભાવ છે, કોઈના પ્રત્યે રાગ દ્વેષની વૃત્તિ કરવાનો જ્ઞાનનો સ્વભાવ નથી.
માટે જ્ઞાન સ્વભાવમાં જેણે ઉપયોગને જોડયો છે તેને કોઈ પ્રત્યે રાગ–દ્વેષ થતા નથી. આનું નામ સર્વ જીવોમાં
સમભાવ, ને કોઈ સાથે વેર નહિ.
મુનિઓને રાગ–દ્વેષરહિત આવી સહજ વૈરાગ્યપરિણતિ હોય છે, તેથી કોઈપણ આશા વર્તતી નથી. આ ચીજ
આમ હોય તો ઠીક ને આ ચીજ આમ ન હોય તો ઠીક એવી કોઈ પરપદાર્થની આશા મુનિઓને નથી કેમકે ચૈતન્યની
પરિણતિમાં સહજ વૈરાગ્ય વર્તે છે. ભગવાનનો સાક્ષાત્ ભેટો થાય તો ઠીક, ને શત્રુઓ દૂર થાય તો ઠીક આવી આશા
મુનિવરોને સહજ વૈરાગ્ય પરિણમતિમાં હોતી નથી, તેમને તો પરમ સમરસીભાવનાં વેદનમાં પરમસમાધિનો જ
આશ્રય વર્તે છે. સમકિતને હજી અલ્પ રાગદ્વેષ પરિણતિ થતી હોવા છતાં તેની અંર્તદ્રષ્ટિમાં તો ચૈતન્યસ્વભાવનો
આશ્રય વર્તે છે, ને પરપ્રત્યે રાગદ્વેષનો અભિપ્રાય તેને છૂટી ગયો છે. અહીં તો સમ્યગ્દર્શન ઉપરાંત મુનિદશામાં શુદ્ધ
પરિણતિ થતાં કેવી સમાધિ વર્તે છે તેની આ વાત છે. આવા મુનિવરોને અને ધર્માત્માઓને મૃત્યુ પણ મહોત્સવ છે....
ચૈતન્યની સમાધિનો ત્યાં મહોત્સવ મંડાય છે; તેમને મૃત્યુનો ભય નથી. જગતના મૂઢ જીવોને મરણની બીક છે, પણ
હું તો જ્ઞાનાનંદસ્વભાવ છું–એવા સ્વભાવના ભાનમાં ધર્માત્માને મૃત્યુ વખતે પણ શાંતિ અને સમાધિનો મહોત્સવ
છે; એને મરણનો ભય નથી. જુઓ, આ સુકોશલ મુનિના શરીરને વાઘ ફાડી ખાય છે, પણ એ મુનિરાજને કોઈ પ્રત્યે
વેરભાવ નથી, આત્માના સ્વભાવમાં લીન થઈને તેને પરમસમરસીભાવ ઝરે છે, તેમાં સર્વ જીવો પ્રત્યે સમભાવરૂપ
પરમસમાધિ વર્તે છે, આવી સહજ વૈરાગ્યપરિણતિમાં કોઈ મિત્ર કે શત્રુ છે જ નહીં. આત્માની સમાધિમાં મુનિવરોને
અનાકુળ આનંદનું જ વેદન છે; બીજો કોઈ વિકલ્પ કે ચિંતાની આકુળતા તેમાં નથી. શરીરને ફાડી ખાનાર સિંહ–વાઘ
ઉપર દ્વેષ નથી, આ મારો શત્રુ એવી દ્વેષની વૃત્તિ પણ ઊઠતી નથી. અરે! એવી આત્માના આનંદમાં લીનતા જામી
ગઈ છે કે ‘આ સિંહ છે ને શરીરને ખાય છે’ એટલું જ પણ પરલક્ષ જ્યાં થતું નથી,–આવી ઉત્તમ સમાધિ છે, ને તેનું
ફળ મોક્ષ છે. આનું નામ–‘શત્રુ મિત્ર પ્રત્યે વરતે સમદર્શિતા.’
*
બધા આત્મા જ્ઞાનસ્વભાવી જ છે–એવી દ્રષ્ટિમાં કોના ઉપર રાગ કે કોના ઉપર દ્વેષ? બધાય આત્મા
જ્ઞાનસ્વભાવે પરિપૂર્ણ ભગવાન છે, કોણ કોની સાથે વેર કરે? ને કોણ કોની સાથે મિત્રતા કરે? યોગીન્દ્ર મુનિરાજ
કહે છે કે–
કોણ કોની મૈત્રી કરે, કોની સાથે કલેશ,
જ્યાં દેખું ત્યાં સર્વ જીવ, શુદ્ધબુદ્ધ જ્ઞાનેશ.
અહો, શુદ્ધસ્વભાવની દ્રષ્ટિથી જોતાં બધાય આત્મા શુદ્ધ જ્ઞાનની જ મૂર્તિ છે; સ્વભાવમાં નાના મોટાપણું છે
જ નહિ; આવા શુદ્ધઆત્મસ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાનીને રાગદ્વેષ અભિપ્રાય નથી. ચોથા ગુણસ્થાને પણ સમકીતિને
આવો વીતરાગી અભિપ્રાય તો થઈ ગયો છે, છતાં હજી રાગદ્વેષની અલ્પવૃત્તિ અસ્થિરતાને લીધે થાય છે. અને
મુનિઓને તો અભિપ્રાય ઉપરાંત રાગરહિત એવી સ્થિરતા થઈ ગઈ છે કે કોઈ પ્રત્યે શત્રુ–મિત્રપણાની વૃત્તિ જ
ઊઠતી નથી. તેમની સમીપમાં બીજા જીવો તો વેરભાવ છોડે કે ન છોડે, પણ તેમને પોતાને કોઈના પ્રત્યે વેરભાવ
થતો જ નથી. આનું નામ વીતરાગી અહિંસા છે, તેનું ફળ બહારમાં નથી આવતું, પણ અંતરમાં પોતાને અનાકુળ
શાંતિનું વેદન થાય છે–એ જ તેનું ફળ છે. પછી ત્યાં સમીપમાં બીજા જીવો હિંસાના પરિણામ કરે તો તેથી કાંઈ આ
મુનિરાજની વીતરાગી અહિંસામાં દોષ નથી.
શરીરને ફાડી ખાનાર સિંહ ઉપર દ્વેષ નથી, આ મારો શત્રુ–એવી દ્વેષની વૃત્તિ પણ ઊઠતી નથી; અરે!
સમાધિમાં સ્થિત મુનિઓને, આ સિંહ છે ને શરીરને ખાય છે–એટલું પણ પરલક્ષ ક્યાં છે? તેમ જ ચક્રવર્તીરાજા
આવીને ચરણમાં નમસ્કાર કરતા હોય ત્યાં રાગની વૃત્તિ પણ થતી નથી; આવી વીતરાગપરિણતિનું નામ સમાધિ છે.
આ સિવાય આત્માના ભાન વગર હઠજોગ લ્યે કે જીવતો જમીનમાં ડટાય તે કાંઈ સમાધિ નથી, તેમાં તો આત્માની
અનંતી અસમાધિ છે. અહીં તો જ્ઞાનમાં એકાગ્ર થઈને આનંદના વેદનમાં પડયા છે એવા મુનિવરોની સમાધિની વાત
છે. આવી પરિણતિમાં મુનિઓને કોઈ આશા નથી, પણ પરમ ઉદાસીનતારૂપ સમાધિ એટલે કે આત્માના શાંતરસમાં
લીનતા વર્તે છે.
બીજો ભાદરવો ઃ ૨૭પઃ