Atmadharma magazine - Ank 145
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
ભગવાન આત્માનું અપૂર્વ સ્વાગત
[સૌરાષ્ટ્રમાં પુનિત વિહાર દરમિયાન જિનબિંબ
પ્રતિષ્ઠાના અનેક મંગલ કાર્યો કરીને પૂ. ગુરુદેવ જેઠ સુદ
છઠ્ઠના રોજ સુવર્ણધામમાં પધાર્યા. તે પ્રસંગે સુવર્ણધામમાં પૂ.
ગુરુદેવનું પ્રથમ પ્રવચન
]
આ સમયસારના નિર્જરા અધિકારનો ૧૪૮ મો શ્લોક વંચાય છે–
(સ્વાગતા)
ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्ततयैति ।
रंगयुक्तिरकषायितवस्त्रे स्वीकृतैव हि बाहिर्लूठतीह ।। १४८।।
જે વસ્ત્ર ઉપર લોધર–ફટકડી વગેરે ન હોય તે વસ્ત્ર ઉપર રંગ ચડતો નથી, તેમ જ્ઞાનીને ચૈતન્ય સ્વભાવની
અંર્તદ્રષ્ટિમાં રાગનો અત્યંત અભાવ છે તેથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી. આ આત્માને ધર્મ અને નિર્જરા
કેમ થયા તેની આ વાત છે. અનાદિથી રાગ–દ્વેષાદિ વિકારીભાવો તે હું એવી સ્વભાવ અને વિભાવ વચ્ચેની
એકત્વબુદ્ધિ છે તે બંધનનું કારણ છે. આત્માને પોતાના આત્માના જ અવલંબને બંધન ટળે ને શુદ્ધતા પ્રગટે છે; આનું
નામ ધર્મ છે, આ સિવાય બહારના બીજા કોઈ સાધનથી ધર્મ થતો નથી.
આ સ્વાગતનો કલશ છે, આત્માનું સ્વાગત કેમ થાય તે કહે છે. હે ભગવાન આત્મા! તમારામાં નિર્મળ
શક્તિ પડી છે તે વ્યક્ત થઈને પર્યાયમાં પધારો! આત્માના સ્વભાવનું સ્વાગત કરીને તેમાં એકાગ્રતા કરતાં
નિર્મળપર્યાય પ્રગટે છે. ધર્મીને પોતાના ચિદાનંદ આત્મસ્વભાવનો જ રંગ લાગ્યો છે એટલે તેને રાગાદિભાવોનો રંગ
લાગતો નથી, તેમ જ બાહ્ય દેહાદિની ક્રિયાનો પક્કડભાવ તેને નથી, જેમ વસ્ત્ર ઉપર ફટકડી વગેરે ન હોય તો તેને
રંગ લાગતો નથી તેમ જ્ઞાનીધર્માત્માને રાગાદિની રુચિ છૂટી ગઈ છે, તે જાણે છે કે મારું જ્ઞાનસ્વરૂપ રાગ સાથે
ભેળસેળ નથી પણ રાગથી જુદું જ છે; આવા ભાનમાં જ્ઞાનીને ચૈતન્યથી રુચિનો રંગ લાગ્યો છે ને રાગનો રંગ છૂટી
ગયો છે, તેથી તેને બંધન થતું નથી પણ નિર્જરા જ થાય છે. રાગમાં એકાગ્ર થઈને આત્માના શાંત જ્ઞાનાનંદ
સ્વરૂપના રસને જે ચૂકી જાય છે તેને રાગનો રસ છે, પણ ચૈતન્યનો રસ નથી; હું રાગથી ભિન્ન જ્ઞાતાદ્રષ્ટા છું–એવી
સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ છે ત્યાં જ્ઞાનીને રાગનો રસ ઊડી ગયો છે. એક સમયમાં પૂર્ણ જ્ઞાનનો પિંડ મારો
ચૈતન્યસ્વભાવ છે–એવી રુચિ થતાં સ્વભાવની શુભતા તરફ જ્ઞાન વળ્‌યું; અનાદિથી જ્ઞાનને પરસન્મુખ જ કરીને
પરને જ જાણવામાં રોકાતો અને જ્ઞાનને રાગમાં જ એકાગ્ર કરતો, તેને બદલે હવે ભેદજ્ઞાન થયું કે પરથી ને રાગથી
ભિન્ન હું તો જ્ઞાનાનંદ સ્વરૂપ છું.–આવું ભેદજ્ઞાન થતાં જ્ઞાનસ્વભાવમાં જ જ્ઞાન એકાગ્ર થયું, ને રાગાદિનો રસ છૂટી
ગયો, તેને ક્ષણેક્ષણે નિર્જરા થાય છે એટલે કે ક્ષણેક્ષણે આત્માની શુદ્ધતા વધતી જાય છે. જુઓ, જ્ઞાનીનું જ્ઞાન એકલા
પરને કે રાગને જ જાણવામાં એકાગ્ર નથી; રાગથી લાભ માનવાની વાત તો દૂર રહી, પણ એકલા રાગને જ
જાણવામાં રોકાય ને શુદ્ધસ્વભાવને ચૂકી જાય તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે; તેણે જ્ઞાનને જ્ઞાનપણે ન રાખતાં વચ્ચે
કારતકઃ ૨૪૮૨
ઃ ૭ઃ