: શ્રાવણ: ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૯૧ :
ધર્માત્માનું સ્વરૂપ – સંચેતન
હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!
જે અનાદિથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો, ને વિરક્ત જ્ઞાની ગુરુવડે
નિરંતર પરમ અનુગ્રહપૂર્વક શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવવામાં
આવતાં, પરમ ઉદ્યમવડે સમજીને જે જ્ઞાની થયો તે શિષ્ય પોતાના
આત્માનો કેવો અનુભવ કરે છે તેનું આ વર્ણન છે. [તેમાં તે
પવિત્રાત્મા ગુરુના ઉપકારને ભૂલતો નથી.]
[શ્રી સમયસાર ગા. ૩૮ ઉપર પૂ. ગુરુદેવનું સુંદર પ્રવચન]
જેવું આત્માનું સ્વરૂપ છે તેવું ગુરુના ઉપદેશથી જાણીને અનુભવ્યું, તે અનુભવ કેવો થયો? તેનું વર્ણન
કરતાં શિષ્ય કહે છે કે–પહેલાંં તો અનાદિથી મોહરૂપ અજ્ઞાનથી હું અત્યંત અપ્રતિબુદ્ધ હતો, તદ્ન અજ્ઞાની હતો.
પછી વિરક્ત ગુરુઓએ પરમકૃપા કરીને મને નિરંતર આત્માનું સ્વરૂપ સમજાવ્યું. જેમણે પોતે આત્માના
આનંદનો અનુભવ કર્યો છે... જેઓનો સંસાર શાંત થઈ ગયો છે... જેઓ શાંત થઈને અંતરમાં ઠરી ગયા છે...
એવા પરમ વૈરાગી વિરક્ત ગુરુએ મહા અનુગ્રહ કરીને શુદ્ધઆત્મસ્વરૂપ મને વારંવાર સમજાવ્યું. જે સમજવાની
મને નિરંતર ધૂન હતી તે જ ગુરુએ સમજાવ્યું.
શ્રી ગુરુએ અનુગ્રહ કરીને જેવો મારો સ્વભાવ કહ્યો તેવો ઝીલીને મેં વારંવાર તે સમજવાનો ઉદ્યમ
કર્યો... ‘અહો હું તો જ્ઞાન છું, આનંદ જ મારો સ્વભાવ છે’ એમ મારા ગુરુએ મને કહ્યું, તે મેં સર્વ પ્રકારના
ઉદ્યમથી અંતર્મથન કરીને નિર્ણય કર્યો... મારો ઉદ્યમ થતાં કાળલબ્ધિ પણ ભેગી જ આવી ગઈ... કર્મો પણ ખસી
ગયાં... સર્વ પ્રકારના ઉદ્યમથી સાવધાન થઈને હું મારું સ્વરૂપ સમજ્યો. હું મારું શુદ્ધસ્વરૂપ જેવું સમજ્યો તેવું જ
સર્વજ્ઞ પરમાત્માએ અને શ્રીગુરુએ મને કહ્યું હતું; આ રીતે દેવ–ગુરુ–શાસ્ત્રોએ શું સ્વરૂપ સમજાવ્યું તેનો પણ
યથાર્થ નિર્ણય થયો.
જેમ પોતાની મૂઠીમાં રાખેલું સોનું ભૂલી ગયો હોય ને ફરી યાદ કરે; તેમ મારા પરમેશ્વરસ્વરૂપ આત્માને
હું ભૂલી ગયો હતો તેનું હવે મને ભાન થયું; મારામાં જ મારા પરમેશ્વરઆત્માને મેં દેખ્યો... અનાદિથી મારા
આવા આત્માને હું ભૂલી ગયો હતો, મને કોઈ બીજાએ ભૂલાવ્યો ન હતો, પણ મારા અજ્ઞાનને લીધે હું જ ભૂલી
ગયો હતો; મારા આત્માનો મહિમા ચૂકીને હું સંયોગનો મહિમા કરતો, તેથી હું મારા આત્માને ભૂલી ગયો હતો;
પણ શ્રીગુરુના અનુગ્રહપૂર્વક ઉપદેશથી સર્વ પ્રકારના ઉદ્યમ વડે હવે મને મારા પરમેશ્વર આત્માનું ભાન થયું.
શ્રીગુરુએ જેવો આત્મા કહ્યો હતો તેવો હવે મેં જાણ્યો.
એ પ્રમાણે જ્ઞાનસ્વરૂપ પરમેશ્વર આત્માને જાણીને, તેની શ્રદ્ધા કરીને તથા તેનું આચરણ હું સમ્યક્ પ્રકારે