તે બહેનોના જીવનમાં, પરમ પૂજ્ય ગુરુદેવના આત્મસ્પર્શી ઉપદેશ ઉપરાંત, પૂ.
બેનશ્રીબેનનો પણ મહાન આધાર છે, તેથી અહીં આ પ્રસંગે તેઓશ્રીનો સંક્ષિપ્ત
પરિચય આપવામાં આવ્યો છે.
પૂજ્ય બેનશ્રી ચંપાબેન
તેમનો જન્મ સં. ૧૯૭૦ના શ્રાવણ વદી બીજે વઢવાણ શહેરમાં થયો.......પિતાશ્રીનું નામ
જેઠાલાલભાઈ ને માતુશ્રીનું નામ તેજબા. તે વખતે એ બાળકીના તેજની તેજબાને ખબર ન હતી કે ‘આ બાળકી
માત્ર મારી પુત્રી તરીકે જ નહિ પરંતુ ભારતના હજારો ભક્ત–બાળકોની ધર્મમાતા થવા માટે અવતરેલી છે.’
કેટલોક વખત તેઓ કરાંચીમાં રહ્યા......ત્યારબાદ ૧૯૮૬ની સાલમાં માત્ર સોળ વર્ષની વયે તેઓ પૂ.
ગુરુદેવના પહેલવહેલા પરિચયમાં (વઢવાણ તથા ભાવનગર મુકામે) આવ્યા......ને પૂજ્ય ગુરુદેવની
આત્મસ્પર્શી વાણી સાંભળતાં જ એ વૈરાગી આત્માના સંસ્કારો ઝણઝણી ઊઠયા. પૂ. ગુરુદેવની વાણીમાં
આત્માના આનંદસ્વભાવની અદ્ભુત મહિમાભરેલી વાત સાંભળતાં તેમને એમ થતું કે ‘અહો! આવો સ્વભાવ
મારે પ્રાપ્ત કરવો જ છે’......અને......એ દ્રઢનિશ્ચયી આત્માએ, આત્મમંથનની સતત ધૂન જગાવીને અલ્પકાળમાં
જ પોતાના મનોરથ પૂરા કર્યા. માત્ર ૧૯ વર્ષની વયમાં અપૂર્વ આત્મદશા પ્રાપ્ત કરી........
પૂજ્ય બેન શાંતાબેન
તેમનો જન્મ સં. ૧૯૬૭ના ફાગણ સુદ અગીઆરસે ઢસા–ઢોલરવા ગામે થયો. પિતાજી મણીલાલભાઈ ને
માતાજી દીવાળીબા. સં. ૧૯૮૩થી તેઓ પૂ. ગુરુદેવના પરિચયમાં (લાઠી મુકામે) આવ્યા. આત્માની પ્રાપ્તિ માટે
એ વૈરાગી આત્મા રાતદિન ઝંખતો હતો......
સં. ૧૯૮૯માં પરમપૂજ્ય ગુરુદેવના ચાતુર્માસ વખતે રાજકોટમાં જ્યારે બેનશ્રી ચંપાબેન આવ્યા ને
અમુક વાતચીત થઈ........ત્યારે આધ્યાત્મિક ઝવેરી ગુરુદેવે એ ચૈતન્યરત્નના તેજ પારખી લીધાં..... ને
શાંતાબેનને ભલામણ કરી કે તમારે આ બેનનો પરિચય કરવા જેવો છે.
બસ, એક તો સંસ્કારી આત્માની તૈયારી ને વળી ગુરુદેવની આજ્ઞા!–પછી શું કહેવાનું હોય!! શાંતાબેને
મહાન આત્મ–અર્પણતાપૂર્વક પૂ. ચંપાબેનનો પરિચય કર્યો......પૂ. ચંપાબેને હૃદયના ઊંડા ઊંડા ભાવો ખોલ્યા ને
આત્મિક ઉલ્લાસ આપી આપીને છેવટે તેમને ‘આપ સમાન બનાવ્યા.’.....એ રીતે આત્મપ્રાપ્તિ માટે ઝુરતા એ
આત્માએ પણ આત્મપ્રાપ્તિ કરી લીધી.