મુમુક્ષુ નો માર્ગ
નિયમસારના ૧૬૫મા શ્લોકમાં ટીકાકાર મુનિરાજ કહે છે કે:
હું મુમુક્ષુંમાર્ગે જાઉં છું... મુમુક્ષુઓ જે માર્ગે ચાલીને મુક્તિ પામ્યા તે માર્ગે હું જાઉં છું. મારા સ્વભાવરૂપ
કારણ પરમાત્માનો આશ્રય કરીને... સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને હું મોક્ષમાર્ગે જાઉં છું–કે જે માર્ગે
મુમુક્ષુઓ ચાલ્યા છે. પૂર્વે જે સિદ્ધભગવંતો થયા તેઓ આ માર્ગે ચાલીને જ મુક્ત થયા છે, હું પણ હવે તે જ માર્ગે
જાઉં છું, વિભાવના માર્ગે હું જતો નથી. અનાદિનો પુણ્ય–પાપરૂપી જે સંસારમાર્ગ તેને છોડીને હવે હું જ્ઞાનાનંદ
સ્વભાવમાં વળું છું... હવે હું વીતરાગી મોક્ષમાર્ગે જાઉં છું. બધાય મુમુક્ષુઓને આ એક જ મોક્ષમાર્ગ છે. મુમુક્ષુઓ
તે માર્ગનું અનુસરણ કરો.
“શ્રમણો જિનો તીર્થંકરો આ રીત સેવી માર્ગને
સિદ્ધિ વર્યા, નમું તેમને, નિર્વાણના તે માર્ગને.”
આત્મધર્મના ગ્રાહકોને
આ અંકથી “આત્મધર્મ”નું પ્રકાશન આનંદ પ્રેસ–ભાવનગરથી થાય છે. અત્યાર સુધી તેનું પ્રકાશન
વલ્લભવિદ્યાનગરથી થતું તેને બદલે હવેથી ભાવનગરથી થશે. અને વ્યવસ્થા પણ ત્યાંથી જ થશે, માટે વ્યવસ્થા
બાબતનો પત્રવ્યવહાર હવેથી નીચેના સરનામે કરવો:– આનંદ પ્રેસ–ભાવનગર
– સર્વજ્ઞદેવે જે કહ્યું તે ઝીલીને –
સંતો સર્વજ્ઞના માર્ગે ચાલ્યા જાય છે
શ્રી પંચાસ્તિકાયની ૧૦મી ગાથામાં...‘भण्णंति सव्वण्हू’ એમ કહીને કુંદકુંદાચાર્યદેવ જાહેર કરે છે કે
સર્વજ્ઞ ભગવાને જે કહ્યું છે તે અમે ઝીલ્યું છે.
અહો, સર્વજ્ઞનાથ! આપે સર્વજ્ઞતાથી જગતના સર્વ પદાર્થોને એક ક્ષણમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યાત્મક જોયા,
અને જેવા જોયા તેવા જ કહ્યા. હે દેવ! પદાર્થોનું આવું સ્વરૂપ આપના સિવાય બીજા કોઈએ પ્રત્યક્ષ જોયું નથી
ને બીજે ક્યાંય કહ્યું નથી. અને આપના શાસનના ભક્ત સિવાય બીજો કોઈ તેની યથાર્થ પ્રતીત કરી શકતો
નથી.
હે સર્વજ્ઞ ભગવાન! આપ કહેનારા, અને અમે તે સાંભળનારા! આપે જે કહ્યું તે અમે ઝીલ્યું.......તે
ઝીલીને અમે પણ આપના માર્ગે ચાલ્યા આવીએ છીએ...તેથી અમે પણ હવે અલ્પકાળે આપના જેવા સર્વજ્ઞ
થવાના છીએ. [કા. સુદ ૧૪: વિહાર પહેલાંના સોનગઢના છેલ્લા પ્રવચનમાંથી]
‘અમે હવે પ્રભુના માર્ગમાં ભળ્યા છીએ.’
જેને અંર્તપલટો થાય તેને કોઈને પૂછવા જવું ન પડે, તેનું અંતર બેધડક પડકાર મારતું સાક્ષી આપે કે
અમે હવે પ્રભુના માર્ગમાં ભળ્યા છીએ, સિદ્ધના સંદેશા આવી ચૂકયા છે, હવે ટૂંકા કાળે સિદ્ધ થયે છૂટકો, તેમાં
બીજું કાંઈ થાય નહિ, ફેર પડે નહિ.
સમ્યગ્દર્શન પ્રગટ થતાં આત્માનો અનુભવ થાય છે. જેવો સિદ્ધભગવાનને અનુભવ હોય છે તેવો ચોથે
ગુણસ્થાને સમકિતી જીવને અનુભવ હોય છે; સિદ્ધને પૂર્ણ અનુભવ હોય છે ને સમકિતીને અંશે અનુભવ હોય
છે,–પણ જાત તો તે જ. સમકિતી આનંદસાગરના અમૃતનો અપૂર્વ સ્વાદ લઈ રહ્યો છે, આનંદના ઝરણામાં મોજ
માણી રહ્યો છે.
જેને સાચી શ્રદ્ધા પ્રગટે તેનું આખું અંતર ફરી જાય, હૃદયપલટો થઈ જાય, અંતરમાં ઊથલપાથલ થઈ
જાય, આંધળામાંથી દેખતો થાય; અંતરમાં જ્યોત જાગે તેની દશાની દિશા આખી ફરી જાય.
–પૂ. બેનશ્રીબેન લિખિત સમયસાર–પ્રવચનોમાંથી
વાર્ષિક લવાજમ રૂપિયા ત્રણ : : : છૂટક નકલ ચાર આના