Atmadharma magazine - Ank 161
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page  


PDF/HTML Page 25 of 25

background image
ATMADHARMA Regd. No. B. 4787
હે જીવ! તું આનંદનો ભોક્તા બન!
પોતાના સ્વભાવમાં અતંર્મુખ થઈને આનંદને ભોગવવાનો આત્માનો સ્વભાવ છે, પણ
હર્ષ કે શોકરૂપ વિકારને ભોગવવાનો આત્માનો સ્વભાવ નથી. જરાક પ્રતિકૂળતા આવે કે ચિંતા
થાય ત્યાં તો, અરેરે! મારો આત્મા ચિંતાના ગંજથી ઘેરાઈ ગયો–એમ અજ્ઞાનીને લાગે છે.....તેને
જ્ઞાનીઓ કહે છે કે–અરે ભાઈ! ચિંતાથી ઘેરાઈ જાય એવો તારા આત્માનો સ્વભાવ નથી. તારા
આત્માનો એવો અભોક્તા સ્વભાવ છે કે ચિંતાના પરિણામને તે ન ભોગવે.....માટે તું મુંઝા
નહીં.....ચિંતાના અભોક્તા એવા તારા જ્ઞાયક સ્વભાવને લક્ષમાં લે. જ્ઞાનસ્વભાવના લક્ષે તને
જ્ઞાતા પરિણામના અનાકુળ આનંદનું વેદન થશે, તે આનંદના જ ભોક્તા થવાનો તારો સ્વભાવ છે.
જ્ઞાનીનેય કોઈ વાર ચિંતા–પરિણામ થાય, પણ આવા આનંદ–સ્વભાવના વેદનની અધિકતામાં
તેમને ચિંતાની અધિકતા કદી થતી નથી એટલે તેમને મૂંઝવણ થતી નથી, શંકા થતી નથી; માટે
ખરેખર તે જ્ઞાની ચિંતાના કે હર્ષના ભોક્તા નથી, તેનું ભોક્તાપણું તેમને વિરમી ગયું છે; તેમને તો
આનંદનું જ ભોક્તાપણું છે. આમ સમજીને હે જીવ! તું પણ અંતર્મુખ થઈને આનંદનો ભોક્તા બન.
લક્ષપૂર્વક પક્ષ
એકલો શાંત નિર્દોષ જ્ઞાનસ્વરૂપી આત્મા છે તેની દ્રષ્ટિ વગર બીજા લાખ પ્રકારે પણ
કલ્યાણ થતું નથી.
જેનાથી કલ્યાણ થાય છે એવા પોતાના આત્મસ્વભાવનું લક્ષ કરીને તેનો પક્ષ જીવે કદી
કર્યો નથી.....અને જેના આશ્રયે કલ્યાણ નથી એવા રાગાદિ વ્યવહારનો પક્ષ કદી છોડયો નથી.
માટે સંતો કહે છે કે–
હે ભવ્ય! જો તારે તારું હિત કરવું હોય તો એ વ્યવહારનો પક્ષ છોડી દે.....ને તારા
આત્મસ્વભાવને લક્ષમાં લઈને તેનો પક્ષ કર.....તેના આશ્રયે તારું કલ્યાણ થશે.
આત્માર્થીને તો આ સાંભળતા જ અંદર આત્માનો મહિમા ગરી જાય કે અહો! મારે આવી
ચૈતન્ય વસ્તુનું અવલંબન જ કરવા જેવું છે.....અંતરમાં આવું લક્ષ બંધાઈ જાય–એટલે કે જ્ઞાનના
નિર્ણયમાં એક જ પ્રકાર આવી જાય કે અહા! આ એક જ મારું અવલંબન છે. જ્યાં અંતરના
લક્ષપૂર્વક આવો પક્ષ થાય ત્યાં પ્રયત્નની દિશા સ્વભાવ તરફ વળ્‌યા વિના રહે જ નહિ.....એટલે કે
આત્માના આશ્રયે અલ્પકાળમાં તેને સમ્યગ્દર્શન થાય જ. (સ. ગા. ૧૧ ઉપરના પ્રવચનમાંથી)
મુદ્રકઃ હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પે્રસ, ભાવનગર (સૌરાષ્ટ્ર)
પ્રકાશકઃ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી હરિલાલ દેવચંદ શેઠ–ભાવનગર (સૌરાષ્ટ્ર)