Atmadharma magazine - Ank 163
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 25

background image
હિ.ત.વ.ચ.નો
(૧) જીવને સુખ વહાલું છે, દુઃખ વહાલું નથી.
(૨) મોક્ષપદ જ આત્માને પરમ સુખરૂપ છે; બાહ્યમાં સુખ નથી.
(૩) જો સંયોગોમાં સુખ હોત તો, તીર્થંકર–ચક્રવર્તી વગેરે મહાપુરુષો, રાજ્યાદિ વૈભવને છોડીને કેમ ચાલ્યા
ગયા? અને આત્મસાધનામાં કેમ એકાગ્ર થયા?
(૪) તે મહાપુરુષોએ એમ જોયું કે આત્મામાં જ સુખ છે, સંયોગોમાં સુખ નથી; તેથી સંયોગ તરફનું વલણ
છોડીને તેઓ સ્વભાવમાં એકાગ્ર થયા.
(પ) સ્વભાવ તરફની એકાગ્રતા તે સુખની જનેતા છે, સંયોગ તરફની તૃષ્ણા તે દુઃખની જનેતા છે.
(૬) હે જીવ! એક વાર એમ દ્રઢ વિશ્વાસ કર... કે અંતર્મુખ થયે જ મારું હિત છે; બહિર્મુખપણામાં મારું હિત
નથી––આવો દ્રઢ વિશ્વાસ કરીશ તો અંતર્મુખ થવાનો અવસર આવશે... ને તારું હિત થશે.
(૭) કાળકૂટ સર્પનું ઝેર તો એક વાર મરણ કરે (–અને તે પણ આયુષ્ય ખૂટ્યું હોય તો), પરંતુ ઊંધી દ્રષ્ટિરૂપ
મિથ્યાત્વનું ઝેર તો સંસારમાં અનંત જન્મ–મરણ કરાવે છે; માટે હે જીવ! અનંત ચૈતન્યશક્તિથી ભરેલા
તારા અમૃતસ્વરૂપ આત્માને ઓળખીને તેના અનુભવનો ઉદ્યમ કર, તે જ અનંત જન્મ–મરણથી તારા
આત્માને ઉગારનાર છે.
(૮) હે જીવ! તું તારી આત્મશક્તિનો વિશ્વાસ કર; તારી શક્તિ નાની (–ક્ષણિક વિકાર જેવડી) નથી, તારી
શક્તિ તો મોટી છે, અનંત શક્તિથી તારો આત્મા મહાન છે. સિદ્ધભગવાન જેટલી મહાન શક્તિ તારામાં
છે, તો તારે બીજાની શી જરૂર છે? માટે તું તારી શક્તિનો વિશ્વાસ કર. તારી શક્તિના અવિશ્વાસને લીધે
જ, બહારમાં ભટકી ભટકીને તું દુઃખી થઈ રહ્યો છે.
(૯) બહારના સંયોગ–વિયોગમાં હર્ષ–શોક કરીને તેના વેદનમાં અજ્ઞાની એવો મૂર્છાઈ જાય છે કે તેનાથી ભિન્ન
આત્માનું અસ્તિત્વ જ ભૂલી જાય છે. જરાક પ્રતિકૂળતાની ભીંસ આવે ત્યાં તો એવો ભીંસાઈ જાય કે જાણે
આત્મા ખોવાઈ જ ગયો, પણ અરે ભાઈ! એવા સંયોગ–વિયોગ સંસારીને ન આવે તો શું સિદ્ધને આવે!!
સંયોગ–વિયોગ કે હર્ષ–શોક સિદ્ધ ભગવાનને ન હોય, નીચલી દશામાં તો તે હોય. ––પરંતુ તે હોવા છતાં, હું
તો તેનાથી ભિન્ન જ્ઞાન–સ્વભાવી સિદ્ધ સમાન છું––એમ શુદ્ધ આત્માને ધ્યેયરૂપે રાખીને તેના તરફ વલણ કર
તો તારું પરિણમન સિદ્ધદશા તરફ થયા કરે ને સિદ્ધ ભગવાન જેવા અતીન્દ્રિય આનંદનું વેદન ખીલતું જાય.
સુવર્ણપુરી–સમાચાર
પરમ પૂજ્ય ગુરુદેવ સુખશાંતિમા બિરાજે છે.
તીર્થધામ સોનગઢમાં બધા કાર્યક્રમો પૂર્વવત્ વ્યવસ્થિત ચાલે છે. સવારે પ્રવચનમાં શ્રી ગુજરાતી
પંચાસ્તિકાય પહેલેથી વંચાય છે, ને બપોરે શ્રી સમયસાર–સંવરઅધિકાર વંચાય છે. સાંજે ભક્તિ તથા રાત્રે
તત્ત્વચર્ચા વિગેરે કાર્યક્રમો પૂર્વવત્ નિયમિત ચાલે છે.
પૂ. ગુરુદેવનો ૬૮ મો જન્મોત્સવ આ વખતે અમદાવાદ શહેરમાં ઊજવાયો હતો. આ પ્રસંગે ગુરુદેવને
અભિનંદનરૂપે મુમુક્ષુ ભક્તજનોના પ્રવચન થયા હતા, તે ઉપરાંત દેશોદેશના મંગલસંદેશ આવેલા તે
સંભળાવવામાં આવ્યા હતા; અને ૬૮ ની રકમનું ફંડ થયું હતું. આ ફંડમાં અત્યાર સુધી લગભગ આઠ હજાર રૂા.
થયા છે. (આ ફંડનો ઉપયોગ જિનમંદિરના કાર્યમાં કરવાનું નક્કી થયું છે.)
નવા પ્રકાશનમાં ગુજરાતી પંચાસ્તિકાયનું છાપકામ ચાલી રહ્યું છે.
ભક્તિ માટે ઉપયોગી પુસ્તક
ભારતવર્ષના સર્વ તીર્થક્ષેત્રો તથા અતિશય ક્ષેત્રોમાં પૂજા સમયે ઉપયોગી ઉત્તમ પુસ્તક ‘શ્રી જૈન
તીર્થપૂજા પાઠસંગ્રહ’ છપાઈને બહાર પડ્યું છે. આ પુસ્તક ઊંચી જાતના કાગળ પર છપાયું છે અને કપડાના
પૂંઠાથી બંધાયેલું છે; લગભગ ૩૦૦ પૃષ્ઠો છતાં કિંમત ફક્ત ૧–૭–૦
આત્મધર્મના ગ્રાહકોને
આ અંકથી “આત્મધર્મ”નું પ્રકાશન આનંદ પ્રેસ–ભાવનગરથી થાય છે. અત્યાર સુધી તેનું પ્રકાશન
વલ્લભવિદ્યાનગરથી થતું તેને બદલે હવેથી ભાવનગરથી થશે. અને વ્યવસ્થા પણ ત્યાંથી જ થશે; માટે વ્યવસ્થા
બાબતનો પત્રવ્યવહાર હવેથી નીચેના સરનામે કરવો :–
આનંદ પ્રેસ–ભાવનગર
વાર્ષિક લવાજમ રૂપિયા ત્રણ : : : છૂટક નકલ ચાર આના