સંસારથી સંતપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક–માસિક
સમ્યગ્દ્રષ્ટિ વૈરાગી છે.
સમ્યગ્જ્ઞાનપૂર્વક જ સાચો વૈરાગ્ય હોય છે; કેમકે વૈરાગ્યનું ખરું સ્વરૂપ એ છે કે સમસ્ત રાગથી વિરક્ત
થઈને ચૈતન્યસ્વભાવની સન્મુખ પરિણમવું–આવો વૈરાગ્ય જ્ઞાનીને જ હોય છે, ને તેઓ કર્મથી મુક્ત થાય છે.
જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે,
એ જિનતણો ઉપદેશ તેથી, ન રાચ તું કર્મો વિષે. ૧૫૦.
જે જીવ રાગમાં રક્ત છે,–તેમાં જ રાચી રહ્યો છે તે કર્મોથી બંધાય છે, અને જે જીવ રાગથી ભિન્ન
પોતાના જ્ઞાયકસ્વભાવને જાણીને તે સ્વભાવસન્મુખ પરિણમ્યો છે તે જીવ રાગથી વિરક્ત છે, એટલે કે વૈરાગ્ય
પ્રાપ્ત છે; તેથી તે કર્મોથી છૂટે છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થપણામાં હોય તો પણ આવા વૈરાગ્યનું પરિણમન તેના
અંતરમાં સદાય વર્તી જ રહ્યું છે.
સ્વભાવમાં એકતા તે મોક્ષનું કારણ છે ને રાગમાં એકતા તે બંધનું કારણ છે,–આવો જિનવરદેવનો
ઉપદેશ જાણીને હે જીવ! તું રાગની રુચિ છોડ ને સ્વભાવમાં ઉપયોગ જોડ, જેથી તારી મુક્તિ થાય.
–પ્રવચનમાંથી : : આસો વદ ચોથ