Atmadharma magazine - Ank 172
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 25

background image
માહઃ ૨૪૮૪ઃ પઃ
હું ફરીને વિદેશ ચાલ્યો જઈશ..ને મૃગોની જેમ વનમાં રહીશ. હું તો રાવણને જીતીને તારા દર્શન માટે આવ્યો હતો, માટે
તું આ રાજ્ય કર. પછી તારી સાથે હું પણ મુનિપણું અંગીકાર કરીશ.
–પણ ભરત તો મહાનિઃસ્પૃહ છે, વિષયોથી તેનું ચિત્ત અત્યંત વિરક્ત થઈ ગયું છે; તે કહે છે કે હે દેવ! આ
રાજસંપદાને હું તુરત જ છોડવા માંગું છું; એને તજીને શૂરવીર પુરુષો મોક્ષ પામ્યા છે. હું પણ એને તજીને, મુનિ થઈને,
શીઘ્ર મોક્ષને સાધવા માગું છું. સ્વર્ગસમાન આ ભોગોમાં કે રાજસંપદામાં મને ક્યાંય રુચિ નથી. રત્નત્રયરૂપ જહાજમાં
બેસીને હવે હું આ સંસારસમુદ્રને તરવા ચાહું છું. અનંતકાળના જન્મ–મરણોથી આ આત્મા ખેદખિન્ન થયો–
તેનાથી હવે બસ થાઓ..
ભરતની આ વૈરાગ્યવાણી સાંભળીને મોટા મોટા અનેક રાજાઓની આંખમાંથી આંસુની ધારા ચાલી જાય છે.
તેઓ ગદગદવાણીથી કહે છેઃ હે મહારાજ! પિતાના વચન અનુસાર થોડા દિવસ રાજ્ય કરો.. પછી મુનિ થાજો..
ત્યારે ભરત કહે છેઃ પિતાજી વચન અનુસાર મેં ઘણા દિવસ રાજ્ય કર્યું ને રાજસંપદા ભોગવી; હવે તો હું
પિતાજીએ જે કર્યું તે કરવા ચાહું છું. અરે! તમે પણ આ વસ્તુની અનુમોદના કેમ નથી કરતા? પ્રશંસાયોગ્ય વસ્તુમાં
વિવાદ શો? હે શ્રીરામ! હે લક્ષ્મણ! તમે બળદેવ–વાસુદેવનો મહાન વૈભવ પ્રાપ્ત કર્યો છે તો પણ મને હવે તેમાં
રુચિ નથી. કેમ કે–જેમ સમુદ્ર નદીઓનાં પાણીથી કદી તૃપ્ત થતો નથી તેમ બાહ્ય વિષયો વડે આત્માને કદી તૃપ્તિ
થતી નથી. માટે હવે
તો હું તત્ત્વજ્ઞાનના માર્ગમાં (–મુનિમાર્ગમાં) પ્રવર્તીશ.
–એમ કહીને, અત્યંત વિરક્ત એવો તે ભરત, રામ–લક્ષ્મણને પૂછયા વગર જ વૈરાગ્યપૂર્વક ઊઠયો જેમ અગાઉ
ભરત ચક્રવર્તી ઊઠયા હતા તેમ; ભરત ગંભીર ચાલથી ચાલતો મુનિરાજ પાસે જવા કટિબદ્ધ થયો..ત્યારે ઘણા
સ્નેહપૂર્વક લક્ષ્મણે તેનો હાથ ઝાલીને રોકયો..માતા કૈકેયી પણ આંસુ સારતી આવી...રામ–લક્ષ્મણની રાણીઓ (સીતા,
વિશલ્યા, વગેરે) એ પણ ભરતને ઘણો વિનવ્યો..અને જલક્રીડા માટે સરોવર કિનારે લઈ ગઈ..પણ આ તો અત્યંત
વિરક્ત છે..બધા જલક્રીડા કરે છે ત્યારે આ તો સરોવરના કાંઠે ઊભો છે..ને બાજુમાં આવેલા જિનમંદિરમાં જઈને
ભગવાનની પૂજા–ભક્તિ કરે છે...
હવે આ તરફ બરાબર એ જ વખતે એવું બન્યું કે–ત્રિલોકમંડન હાથી–કે જે રાવણનો પટ્ટ હાથી હતો અને
જેને રામચંદ્રજી લંકાથી અયોધ્યા લાવ્યા હતા તે–ગજબંધન તોડીને ગર્જના કરતો ભાગ્યો. લોકો ભયભીત થયા.
હાથી નગરનો દરવાજો તોડીને, ભરત જ્યાં પૂજા કરતો હતો ત્યાં આવ્યો..સીતા વગેરે રાણીઓ ભયભીત થઈને
ભરતના શરણે આવી. હાથીને ભરત તરફ જતો દેખીને તેની માતા હાહાકાર કરવા લાગી...સીતા વગેરેને
બચાવવા માટે ભરત તેમની આગળ આવીને ઊભો રહ્યો. ભરતને દેખતાં જ હાથીને જાતિસ્મરણ થયું..તે
પોતાનો પૂર્વભવ વિચારીને શાંતચિત્ત થઈ ગયો ને સૂંઢ નરમ કરીને વિનયપૂર્વક ભરતની પાસે ઊભો.
ભરતે મધુર વાણીથી કહ્યુંઃ અહો ગજરાજ! કયા કારણથી તું ક્રોધિત થયો! ભરતના વચન સાંભળતાં અત્યંત
શાંત અને સૌમ્ય થઈને ત્રિલોકમંડન હાથી ભરતની સામે જોઈ રહ્યો અને મનમાં વિચારવા લાગ્યોઃ અહા! આ
ભરત મારો પરમ મિત્ર છે, છઠ્ઠા સ્વર્ગમાં અમે બંને સાથે હતા; ત્યાંથી આ તો ઉત્તમપુરુષ થયો ને હું મહાનિંદ્ય
પશુયોનિ પામ્યો! ધિક્કાર આ જન્મને! હવે શોચ કરવો વૃથા છે, હવે તો એવો ઉપાય કરું કે જેથી આત્માનું
કલ્યાણ થાય, ને સંસાર ભ્રમણમાં ન ભમું. શોચ કરવાથી શું? હવે સર્વ પ્રકારનો ઉદ્યમ કરીને ભવદુઃખથી
છૂટવાનો ઉપાય કરું–આ રીતે, જેને પૂર્વ ભવનું ભાન થયું છે એવો તે ગજેન્દ્ર અત્યંત વિરક્ત થઈને
હિતચિંતન કરવા લાગ્યો.
હાથીને નગરમાં લાવ્યા પછી ચોથા દિવસે તેના મહાવતોએ રામ–લક્ષ્મણ પાસે આવીને કહ્યુંઃ હે દેવ! આ
ગજરાજનો આજે ચોથો દિવસ છે, તે કાંઈ ખાતો નથી, પીતો નથી, સૂતો નથી. જ્યારથી તે ક્રોધિત થયો અને પાછો
શાંત થયો ત્યારથી બધી ચેષ્ઠા છોડીને,