ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૭૩
વાજિંત્રનાદપૂર્વક તે બંનેની ભારે પૂજા કરી. ભૂત નામના દેવોએ પૂજા કરી તેથી ધરસેનાચાર્યદેવે એકનું
નામ ‘ભૂતબલિ’ રાખ્યું, ને બીજા મુનિના દાંત દેવોએ સરખા કરી દીધા તેથી તેનું નામ ‘પુષ્પદંત’ રાખ્યું.
અને એ રીતે ધરસેનાચાર્યદેવે શ્રુતજ્ઞાન ભણાવીને તરત તે પુષ્પદંત અને ભૂતબલિ મુનિવરોને ત્યાંથી વિદાય
આપી.
ત્યારબાદ તે બંને મુનિવરોએ તે શ્રુતજ્ઞાનને षट्खंडागम રૂપે ગૂંથ્યું..ને એ રીતે શ્રુતજ્ઞાનનો પ્રવાહ વહેતો
રાખ્યો.
મહાવીર ભગવાને જે કહ્યું અને અત્યારે મહાવિદેહમાં સીમંધર ભગવાન જે કહી રહ્યા છે તેનો અંશ આ
શાસ્ત્રોમાં છે.
રાગ–દ્વેષ–મોહ રહિત વીતરાગી પુરુષોએ રચેલી આ વાણી છે. સર્વજ્ઞ ભગવાનની પરંપરાથી
ચાલ્યું આવેલું આવું શ્રુતજ્ઞાન ટકી રહ્યું તેથી ચતુર્વિધ સંઘે ભેગા થઈને અંકલેશ્વરમાં ઘણા જ મોટા
મહોત્સવપૂર્વક જેઠ સુદ પાંચમે શ્રુતજ્ઞાનનું બહુમાન કર્યું, ત્યારથી આ દિવસ ‘શ્રુતપંચમી’ તરીકે
પ્રસિદ્ધ થયો, અને દર વર્ષે તે ઉજવાય છે. અત્યારે તો તેનો વિશેષ પ્રચાર થતો જાય છે, ને ઘણે ઠેકાણે તો આઠ
દિવસ સુધી ઉત્સવ કરીને શ્રુતજ્ઞાનની પ્રભાવના થાય છે. આ શ્રુતપંચમીનો દિવસ ઘણો મહાન છે. અહો, સર્વજ્ઞ
ભગવાનની વાણી દિગંબર સંતોએ ટકાવી રાખી છે.
પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યભગવંતોએ જે ષટ્ખંડાગમ રચ્યા તેના ઉપર વીરસેનાચાર્યદેવે धवला
નામની મહાન્ ટીકા રચી છે. તે વીરસેનાચાર્ય પણ એવા સમર્થ હતા કે સર્વાર્થગામિની (–સકલ અર્થમાં
પારંગત) એવી તેમની નૈસર્ગિક પ્રજ્ઞાને દેખીને બુદ્ધિમાન લોકોને સર્વજ્ઞની સત્તામાં સંદેહ ન
રહેતો, અર્થાત્ તેમની અગાધ જ્ઞાનશક્તિને જોતાં જ બુદ્ધમાનોને સર્વજ્ઞની પ્રતીત થઈ જતી.
આવી અગાધ શક્તિવાળા આચાર્યદેવે ષટ્ખંડાગમની ટીકા રચી. આ પરમાગમ સિદ્ધાંતશાસ્ત્રો
સેંકડો વર્ષોથી તાડપત્ર ઉપર લખેલા મૂળબિદ્રીના શાસ્ત્રભંડારોમાં વિદ્યમાન છે. થોડાક વર્ષો
પહેલાં તો તેનાં દર્શન પણ દુર્લભ હતા..પણ પાત્ર જીવોના મહાભાગ્યે આજે તે બહાર પ્રસિદ્ધ
થઈ ગયા છે.
આચાર્યભગવંતોએ સર્વજ્ઞભગવાનની વાણીનો સીધો નમૂનો આ શાસ્ત્રોમાં ભર્યો છે. એ ઉપરાંત બીજા
પણ અનેક મહાસમર્થ આભના થોભ જેવા કુંદકુંદાચાર્યદેવ વગેરે સંતો જૈનશાસનમાં પાકયા, ને તેમણે
સમયસારાદિ અલૌકિક મહાશાસ્ત્રો રચ્યાં.. તેનો એકેક અક્ષર આત્માના અનુભવમાં કલમ
બોળીબોળીને લખાયો છે. એ સંતોની વાણીનાં ઊંડા રહસ્યો ગુરુગમ વગર સાધારણ જીવો સમજી
શકે તેમ નથી. મહાવીર ભગવાનની પરંપરાથી કેટલુંક જ્ઞાન મળ્યું તથા પોતે સીમંધર ભગવાનના ઉપદેશનું
સાક્ષાત્ શ્રવણ કર્યું તે બંનેને આત્માના અનુભવ સાથે મેળવીને આચાર્ય ભગવાને શ્રી સમયસારમાં ભરી દીધું
છે. આ સમાધિશતકનાં બીજડાં પણ સમયસારમાં જ ભર્યા છે. પૂજ્યપાદસ્વામી પણ મહાસમર્થ સંત હતા, તેમણે
આ સમાધિશતકમાં ટૂંકામાં અધ્યાત્મ ભાવના ભરી દીધી છે. તેમાંથી પંદર ગાથાઓ વંચાણી છે, હવે સોળમી
ગાથા વંચાય છે.
* * *
આ આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, તે આત્માને જાણીને જેણે આત્મામાં જ આત્મબુદ્ધિ કરી તે અંતરાત્મા થયો,
અને પૂર્વે કદી નહિ થયેલો એવો અપૂર્વ લાભ તેને થયો. જ્યાં ‘અલબ્ધલાભ’ થયો એટલે પૂર્વે કદી જે નહોતો પામ્યો
તેની પ્રાપ્તિ થઈ, ત્યાં ધર્મીને એમ થાય છે કે અહો! મારો આવો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે તેને મેં પૂર્વે કદી ન જાણ્યો..
ને બહિરાત્મબુદ્ધિથી અત્યાર સુધી હું રખડયો. હવે મને મારા અપૂર્વ આત્મસ્વભાવનું ભાન થયું. આ રીતે અલબ્ધ
આત્માની પ્રાપ્તિનો સંતોષ થયો કે અહો! મને અપૂર્વ લાભ મળ્યો, પૂર્વે મને કદી આવા આત્માની પ્રાપ્તિ નહોતી થઈ.
પૂર્વે હું આવા આત્માથી ચ્યુત થઈને બાહ્યવિષયોમાં જ વર્ત્યો,–પણ હવે આત્માના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિથી સંતુષ્ટ
થયો.–એ વાત ૧૬ મી ગાથામાં કહે છે–