Atmadharma magazine - Ank 175
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 25

background image
આત્મધર્મ
વર્ષ પંદરમું સંપાદક વૈશાખ
અંક સાતમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૪
મોક્ષના કારણરૂપ સામાયિક
મુનિઓને નિશ્ચયથી કરવા યોગ્ય જે છ આવશ્યક તેમાં પહેલું સામાયિક છે.
જે અન્યવશ નથી એટલે કે રાગને વશ નથી પણ સ્વવશ છે એટલે કે માત્ર નિજ
આત્માને જ અવલંબે છે એવું જે અવશ–કાર્ય, સ્વાધીન કાર્ય તે સામાયિકાદિ આવશ્યક છે.
સ્વભાવમાંથી ખસીને પરાશ્રયે જે રાગાદિ થાય તે તો પરવશપણું છે, તે સામાયિક નથી,
આવશ્યક નથી, નિશ્ચયથી કરવા જેવું તે કાર્ય નથી. ચૈતન્યસ્વરૂપ આત્મામાં એકાગ્રતાથી
સ્વવશપણે ઉત્પન્ન થતું જે વીતરાગી સામાયિક તે મોક્ષનું કારણ છે, તે મુનિઓનું આવશ્યક
કર્મ છે. આત્મસ્વભાવમાં સ્થિરતારૂપ આ સામાયિકધર્મ તે સકળ કર્મનો ક્ષય કરવામાં કુશળ
છે, ને તે જ નિર્વાણનો પ્રસિદ્ધ માર્ગ છે. શુદ્ધચૈતન્યપદના નિર્દોષ આસન ઉપર આરૂઢ થઈને જે
જીવ આવું સામાયિક કરે છે તેને નિર્વિકલ્પ આત્મસુખનું વેદન થાય છે, તે સાક્ષાત્ ધર્મ છે...આ
સિવાય બહારના પાથરણામાં, દેહની સ્થિરતામાં, વચનમાં કે શુભરાગમાં ક્યાંય સામાયિક
રહેતી નથી. સામાયિક તો જૈનજ્યોતિ છે, ચૈતન્યજ્યોતમાં સ્થિરતા વગર એ વીતરાગી
જૈનજ્યોતિ (સામાયિક) પ્રગટે નહિ, ને એવી સામાયિક વગર મુક્તિ થાય નહિ. મોક્ષનો માર્ગ
“સામાયિક” છે,–તે આત્માના જ આશ્રયે રચાયેલું છે એટલે કે સ્વવશ છે, અન્યવશ નથી.
શું પાથરણાંને વશ સામાયિક છે? ના. શું શરીર સ્થિર બેઠું તેને વશ સામાયિક છે? ના.
શું વચનની ક્રિયાને વશ સામાયિક છે? ના.
તો શું શુભરાગને વશ સામાયિક છે?–તેની પણ ના.
તો સામાયિક કોને વશ છે? સામાયિક સ્વવશ છે, એટલે કે પોતાના આત્મસ્વભાવને
આધીન જ સામાયિક છે, એ સિવાય અન્ય કોઈને વશ સામાયિક નથી.
સંપૂર્ણપણે શુદ્ધ આત્માને જ વશ વર્તતા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે વીતરાગી
સામાયિક છે તે જ કર્મક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરવામાં કુશળ છે, તેનામાં જ નિર્વિઘ્નપણે મોક્ષ
પમાડવાની તાકાત છે, વચ્ચે વ્યવહારમાર્ગ (રાગ) આવે તે કાંઈ કર્મક્ષય કરવામાં કે મોક્ષ
પ્રાપ્ત કરવામાં કુશળ નથી, તે તો કર્મનું બંધન કરનાર છે; તેનામાં કર્મનો ક્ષય કરીને મોક્ષ
પમાડવાની તાકાત નથી. માટે શુદ્ધ આત્માને આશ્રયે વર્તતું સ્વવશ સામાયિક જ આવશ્યક છે–
તે જ મોક્ષને માટે અવશ્ય કરવા જેવું કાર્ય છે; તેને જ જિનશાસનના સંતોએ નિર્વાણનો માર્ગ
કહ્યો છે. – (નિયમસાર કળશ ૨૩૮ના પ્રવચનમાંથી)