Atmadharma magazine - Ank 178
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 25

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ૧૭૮
જે સમ્યગ્દર્શનાદિ ભાવો પ્રગટયા છે તે જ અમારું ‘સ્વ’ છે ને તેના જ અમે સ્વામી છીએ,-આ રીતે માત્ર
પોતાના સ્વ-ભાવમાં જ સ્વ-સ્વામીપણું જાણે છે. આ સિવાય શરીર કે રાગાદિ સાથે સ્વ-સ્વામીપણું માનતા નથી.
આચાર્યદેવે તો કહ્યું કે જો તું અજીવને પોતાનું માનીને તે અજીવનો સ્વામી થવા જઈશ તો તું અજીવ
થઈ જઈશ!-એટલે કે જીવતત્ત્વ તારી શ્રદ્ધામાં નહિ રહે, માટે હે ભાઈ! જો તું તારી શ્રદ્ધામાં તારા
જીવતત્ત્વને જીવતું રાખવા માંગતો હો તો તારા આત્માને જ્ઞાયકસ્વભાવી જ જાણીને તેનો જ સ્વામી થા, ને
બીજાનું સ્વામીપણું છોડ.
પ્રશ્નઃ– મુનિઓએ ધન-મકાન-સ્ત્રી-વસ્ત્ર વગેરે છોડી દીધું છે એટલે તે તો તેનો સ્વામી નથી, પરંતુ અમારે
ગૃહસ્થોને તો તે બધુંય હોય એટલે અમે તો તેના સ્વામી ખરા ને?
ઉત્તરઃ– અરે ભાઈ! શું મુનિનો આત્મા ને તારો આત્મા જુદી જુદી જાતના છે? અહીં આત્માના
સ્વભાવની વાત છે; જગતનો કોઈપણ આત્મા પરદ્રવ્યનો તો સ્વામી છે જ નહિ. સિદ્ધભગવાન કે સંસારી
મૂઢ પ્રાણી, કેવળી ભગવાન કે અજ્ઞાની, મુનિ કે ગૃહસ્થી કોઈપણ આત્મા પરદ્રવ્યનો સ્વામી નથી. હવે
મુનિને સ્ત્રી-વસ્ત્રાદિનો રાગ છૂટી ગયો છે ને તને તે રાગ નથી છૂટયો; રાગ હોવા છતાં, આત્માનો સ્વભાવ
જ્ઞાયકમૂર્તિ છે, રાગનું સ્વામીપણું પણ મારા જ્ઞાયકસ્વભાવમાં નથી-એમ પહેલાં નિર્ણય તો કર. ધર્મીને રાગ
હોવા છતાં તેના અભિપ્રાયમાં ‘રાગ તે હું’ એવી રાગની પક્કડ નથી પણ ‘જ્ઞાયકસ્વભાવ જ હું’-એવી
સ્વભાવની પક્કડ છે. ચૈતન્યસ્વભાવને ચૂકીને દેહાદિ પરનું સ્વામીપણું માનવું તે તો મિથ્યાત્વ છે જ, અને
શુભાશુભ પરિણામનું સ્વામીત્વ તે પણ મિથ્યાત્વ જ છે.
પ્રશ્નઃ– શુભાશુભ પરિણામનો સ્વામી આત્મા નથી તો કોણ છે?
ઉત્તરઃ– શુભાશુભ પરિણામ આત્માની પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો આત્મા જ તેનો સ્વામી છે. પરંતુ
અહીં તો આત્માના સ્વભાવનું-આત્માની શક્તિનું વર્ણન ચાલે છે. શુભાશુભ પરિણામ તે આત્માનો સ્વભાવ નથી,
આત્મા તો જ્ઞાયકસ્વભાવી છે; તે જ્ઞાયકસ્વભાવના આશ્રયે શુભાશુભ ભાવરૂપ પરિણમન થતું જ નથી, માટે
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિવાળા ધર્માત્મા શુભાશુભ પરિણામના સ્વામી થતા નથી; જ્ઞાયકસ્વભાવના આશ્રયે જે
સમ્યગ્દર્શનાદિ વીતરાગી પરિણામ થયા તેના જ તે સ્વામી થાય છે. અજ્ઞાનીને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી તેથી તે
જ શુભાશુભ પરિણામનો સ્વામી થઈને-તેમાં એકત્વબુદ્ધિથી મિથ્યાત્વરૂપે પરિણમે છે.
ધર્મી જાણે છે કે હું તો મારા જ્ઞાન-આનંદ વગેરે અનંત ગુણોનો સ્વામી છું, ને તે જ મારા સ્વ-ભાવો છે.
મારું સ્વરૂપ એવું નથી કે હું વિકારનો સ્વામી થાઉં. વિકારનો સ્વામી તો વિકાર હોય, મારો શુદ્ધભાવ વિકારનો
સ્વામી કેમ હોય? મારા જ્ઞાયકસ્વભાવ સાથે એકત્વ થયેલો જે નિર્મળભાવ (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) તે જ મારું
સ્વ છે ને હું તેનો જ સ્વામી છું. મારા આ સ્વ-ધનને હું કદી છોડતો નથી. જે મારું સ્વ હોય તે મારાથી જુદું કેમ
પડે? સ્વભાવમાં એકાગ્ર થતાં રાગાદિ તો મારાથી છૂટા પડી જાય છે માટે તે મારું સ્વ નથી.
જે જેને પોતાનું માને તે તેને છોડવા માંગે નહિ. રાગને જે પોતાનું સ્વ માને છે તે રાગને છોડવા
માંગતો નથી. એટલે પોતાના સ્વભાવથી તે રાગને જુદો નથી જાણતો, તેથી તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે. જે
એમ જાણે કે હું તો જ્ઞાયક સ્વભાવ છું, રાગ તે મારા સ્વભાવથી જુદો ભાવ છે, આમ જાણીને જ્ઞાયક
સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ભાવ પ્રગટ કરે, પછી તેને જે અલ્પરાગ રહે તે અસ્થિરતા પૂરતો
ચારિત્રદોષ કહેવાય. તેને શ્રદ્ધામાં જ્ઞાયક ભાવનું જ સ્વામીપણું વર્તે છે, રાગનું સ્વામીપણું વર્તતું નથી
એટલે શ્રદ્ધાનો દોષ તેને છૂટી ગયો છે. પરંતુ જે જીવ જ્ઞાયકસ્વભાવને જ પોતાનો જાણીને તેની
સન્મુખતાથી સમ્યગ્દર્શનાદિ રૂપે પરિણમતો નથી, ને પરના તથા રાગના જ સ્વામીત્વપણે પરિણમે છે તેને
તો શ્રદ્ધા જ ખોટી છે; અને શ્રદ્ધાનો દોષ તે અનંત સંસારનું કારણ છે.
પ્રશ્નઃ– આ આત્મા પરનો સ્વામી નહિ, પરંતુ ઈશ્વરે આત્માને બનાવ્યો છે તેથી તે તો આ આત્માના
સ્વામી ખરા ને?
ઉત્તરઃ– એ તો વળી ઘણી મોટી મૂઢતા થઈ. આ આત્માને કોઈએ બનાવ્યો નથી. આત્મા સ્વયંસિદ્ધ વસ્તુ
છે, તેનો કોઈ બનાવનાર નથી. ઈશ્વરનું સ્વરૂપ પણ