ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૭૮
આ ભગવાન આત્મા પોતાની જ્ઞાનક્રિયામાં અનંત શક્તિથી ઉલ્લસી રહ્યો છે, તેના જ્ઞાનમાત્ર ભાવમાં
અનંત ધર્મો એક સાથે પરિણમી રહ્યા છે, તેથી આત્મા અનેકાન્તમૂર્તિ છે. આવા અનેકાન્તમૂર્તિ આત્માની ૪૭
શક્તિઓનું અમૃતચંદ્ર આચાર્યદેવે અદ્ભુત વર્ણન કર્યું છે. તેમાંથી ૪૬ શક્તિઓનું ઘણું સરસ વિવેચન થઈ ગયું,
હવે છેલ્લી સંબંધશક્તિ છે. “સ્વભાવમાત્ર સ્વ-સ્વામીત્વમયી સંબંધશક્તિ આત્મા છે.”
સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદરૂપ જે પોતાનો ભાવ છે તે જ આત્માનું સ્વ-ધન છે, ને તેનો જ આત્મા સ્વામી
છે; એ સિવાય બીજું કાંઈ આત્માનું સ્વ નથી ને આત્મા તેનો સ્વામી નથી. જુઓ, આ સંબંધશક્તિ! સંબંધશક્તિ
પણ આત્માનો પર સાથે સંબંધ નથી બતાવતી, પણ પર સાથેનો સંબંધ તોડાવીને સ્વમાં એક્તા કરાવે છે; આ
રીતે આત્માના એકત્વવિભક્ત સ્વરૂપને બતાવે છે. સમકિતી ધર્માત્મા એમ અનુભવે છે કે-
હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!
આ એક શુદ્ધ જ્ઞાનદર્શનમય સદા અરૂપી આત્મા જ હું છું, એ જ મારું સ્વ છે, એ સિવાય જગતમાં બીજું
કાંઈ એક પરમાણુમાત્ર પણ મારું નથી. પોતે પોતાના આત્મસ્વભાવમાં વળીને સ્વમાં એક્તારૂપે પરિણમ્યો ત્યાં
કોઈ પણ પરદ્રવ્ય સાથે જરા પણ સંબંધ ભાસતો નથી.
આવા પરના સંબંધ વગરના શુદ્ધ આત્માને દેખવો તે જ ધર્મ છે, તે જ જૈનશાસન છે. આચાર્ય કુંદકુંદપ્રભુ
કહે છે કે-જે પુરુષ આત્માને અબદ્ધસ્પૃષ્ટ (એટલે કે કર્મના બંધન રહિત અને સંબંધ રહિત), અનન્ય, અવિશેષ
તથા નિયત અને અસંયુક્ત દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે; जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं...पस्सदि
जिणसासणं सव्वं..” જે આ અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવોસ્વરૂપ
આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે...જુઓ, આચાર્યભગવાન સ્પષ્ટ કહે છે કે
પરના સંબંધ વગરના શુદ્ધ આત્માની અનુભૂતિ તે જ જૈનધર્મ છે. ખરેખર આત્માનો સ્વભાવ રાગના પણ સંબંધ
વગરનો છે. જે જીવ પોતાના આત્માને કર્મના સંબંધવાળો ને વિકારી જ દેખે છે પણ કર્મના સંબંધ રહિત અને
રાગાદિ રહિત એવા પોતાના શુદ્ધ સ્વભાવને નથી દેખતો તેણે જિનશાસનને જાણ્યું નથી, ને તેના આત્મામાં
જૈનધર્મ પ્રગટયો નથી. જ્ઞાનદર્શનસ્વભાવ જ હું છું, ને જ્ઞાનદર્શન સ્વભાવથી જુદા બીજા જે કોઈ ભાવો છે તે હું
નથી, તે બધાય મારા સ્વરૂપથી બાહ્ય છે.-આ પ્રમાણે જ્ઞાનદર્શનસ્વભાવમાં એકત્વપણે ને બીજા સમસ્ત પદાર્થોથી
વિભક્તપણે પોતાના આત્માને અનુભવવો તે જૈનધર્મ છે, આવા આત્માને જાણ્યા વગર ખરેખર જૈનપણું થાય
નહિ.
આ જગતમાં મારું શું છે ને કોની સાથે મારે પરમાર્થસંબંધ છે તેના ભાન વગર, પરને જ પોતાનું માની-
માનીને જીવ સંસારમાં રખડી રહ્યો છે. પરદ્રવ્ય કદી પોતાનું થઈ શકતું જ નથી, છતાં પરને પોતાનું માને તે જીવ
મોહને લીધે દુઃખી જ થાય. જો પરને પરરૂપે જાણે ને સ્વને જ સ્વ-રૂપે જાણે તે નિઃશંકપણે પોતાના સ્વરૂપમાં
એકાગ્રતાથી સુખી જ થાય.
દુઃખનું મૂળ શું?–કે પરદ્રવ્યને પોતાનું માનવું તે.
સુખનું મૂળ શું?–કે સ્વ–પરનું ભેદજ્ઞાન કરવું તે,
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
तस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।
જે કોઈ જીવો સિદ્ધ થયા છે તેઓ ભેદજ્ઞાનથી જ સિદ્ધ થયા છે; જે કોઈ જીવો બંધાયા છે તેઓ ભેદજ્ઞાનના
અભાવથી જ બંધાયા છે.
ભેદજ્ઞાન શું છે તેનું આ વર્ણન ચાલે છે. આત્માના જ્ઞાનદર્શનસ્વભાવ સિવાય બીજે ક્યાંય પણ સ્વામીપણું
માને તો તે જીવને ભેદજ્ઞાન નથી પણ અજ્ઞાન છે. ધર્મી પોતાના આત્માને કેવો ધ્યાવે છે તે પ્રવચનસારમાં કહે
છે-
‘હું પરતણો નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું
–જે એમ ધ્યાવે, ધ્યાનકાળે જીવ તે ધ્યાતા બને.’ ૧૯૧
“જે આત્મા..‘હું પરનો નથી, પર મારાં નથી’ એમ સ્વ-પરના પરસ્પર સ્વ-સ્વામીસંબંધને ખંખેરી
નાખીને, ‘શુદ્ધ જ્ઞાન જ એક હું છું’ એમ અનાત્માને છોડીને, આત્માને જ આત્માપણે ગ્રહીને, પરદ્રવ્ય-