Atmadharma magazine - Ank 179
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 27

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૭૯
પાર થઈ જાય. ચૈતન્યસ્વભાવનું બહુમાન કરતાં અલ્પ કાળમાં જ તેનું સ્વસંવેદન થઈને મુક્તિ થયા વિના રહે
નહિ. વસ્તુમાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદની શક્તિ પડી જ છે, તેને ઓળખીને, તેની સન્મુખ થઈને, પર્યાયમાં તે
પ્રગટ કરવાની છે. અરે જીવ! એક વાર બીજું બધું ભૂલી જા, ને તારી નિજશક્તિને સંભાળ! પર્યાયમાં સંસાર છે
એ ભૂલી જા. ને નિજશક્તિની સન્મુખ જો, તો તેમાં સંસાર છે જ નહિ. ચૈતન્ય શક્તિમાં સંસાર હતો જ નહિ, છે
જ નહિ, ને થશે પણ નહિ.–લ્યો આ મોક્ષ! આહા સ્વભાવની દ્રષ્ટિથી આત્મા મુક્ત જ છે. માટે એકવાર બીજું
બધુંય લક્ષમાંથી છોડી દે, ને આવા ચિદાનંદસ્વભાવમાં લક્ષને એકાગ્ર કર તો તને મોક્ષની શંકા રહેશે નહિ,
અલ્પકાળમાં અવશ્ય મુક્તિ થઈ જશે.
આત્મામાં એટલી બધી અનંત શક્તિઓ છે કે રાગથી ગણતાં (ચિંતવતાં) તેનો પાર ન પમાય...પણ જ્ઞાનને
અંતરમાં વાળતાં અનંત શક્તિ સહિત આત્મા અનુભવમાં આવી જાય...તે શક્તિઓ નિર્મળપણે પરિણમી જાય. એ રીતે
નિર્મળપણે પરિણમતાં કેવળજ્ઞાન થાય ત્યારે અનંત શક્તિઓને તેમજ અસંખ્ય પ્રદેશોને સર્વ પ્રકારે પ્રત્યક્ષ જાણે, માટે હે
ભાઈ! તારે તારા આત્માનો પત્તો મેળવવો હોય...તારી અનંત શક્તિની રિદ્ધિને સાક્ષાત્ દેખવી હોય તો તારા જ્ઞાનને
રાગથી છૂટું કરીને અંર્ત સ્વભાવ તરફ વાળ.
‘સર્વાર્થસિદ્ધિ’ તે ઉત્કૃષ્ટ દેવલોક છે, ત્યાં અસંખ્ય દેવો છે, તે બધા સમ્યગ્દ્રષ્ટિ છે, ને તેમનું આયુષ્ય ૩૩
સાગરોપમનું (અસંખ્ય અબજો વર્ષનું) છે. તે બધાય દેવો ભેગા થઈને અસંખ્ય વર્ષો સુધી અતૂટપણે ગણ્યા કરે તોય
આત્માની શક્તિનો પાર ન આવે એવી અનંત શક્તિનો ધણી આ દરેક આત્મા છે. તે સમ્યગ્દ્રષ્ટિ દેવોએ અનંત
શક્તિસંપન્ન આત્માનો સ્વાદ સ્વસંવેદનથી ચાખી લીધો છે. જ્ઞાનને અંતરમાં લીન કરતાં ક્ષણમાત્રમાં આત્માની સર્વ
શક્તિનો પાર પામી જવાય છે. શક્તિઓને ક્રમે ક્રમે જાણવા જાય તો કદી પૂરું પડે તેમ નથી, પણ અક્રમ–અભેદ
સ્વભાવમાં લીન થઈને જાણતાં બધી શક્તિઓ એક સાથે અક્રમે જણાઈ જાય છે. આત્મા એક સાથે અનંતશક્તિઓથી
પ્રતિષ્ઠિત છે, તેમાં રાગ પ્રતિષ્ઠા પામતો નથી.
પ્રશ્નઃ– અમારે અનંત શક્તિને જાણવી કે એક આત્માને જાણવો?
ઉત્તરઃ– અનંતશક્તિથી અભેદરૂપ એવા એક આત્માને જાણવો. અનંતશક્તિથી કંઈ આત્મા જુદો નથી, એટલે
શક્તિને બરાબર જાણવા જતાં પણ શક્તિમાન એવો આત્મા જ લક્ષમાં આવે છે; અને એક આત્માને લક્ષમાં લેતાં પણ
તે પોતાની અનંતશક્તિ સહિત જ અનુભવમાં આવે છે. જો આત્માને જુદો રાખીને તેની શક્તિઓને જાણવા જાય, કે
શક્તિઓને લક્ષમાં લીધા વગર આત્માને જાણવા જાય, તો તે જાણી શકાય નહિ, કેમકે તેણે ગુણગુણીને જુદા જ માન્યા,
એટલે અનેકાન્ત–સ્વરૂપને ન જાણ્યું, ને અનેકાન્ત વગર ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય નહિ. અનેકાન્ત જ ભગવાન
આત્માને યથાર્થ–સ્વરૂપે પ્રસિદ્ધ કરે છે...તે ‘અનેકાન્ત’ સર્વજ્ઞ ભગવાનનું અલંઘ્ય–કોઈથી તોડી ન શકાય એવું શાસન
છે. એકાન્ત માન્યતાઓને તોડી પાડતું ને અનેકાન્ત–સ્વરૂપે ભગવાન આત્માને પ્રસિદ્ધ કરતું તે અનેકાન્ત શાસન
જયવંત વર્તે છે.
આ અનેકાન્તસ્વરૂપ આત્મવસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે તેઓ જ્ઞાનસ્વરૂપ થાય છે–એમ
કહીને (૨૬પ મા કળશમાં) આચાર્યદેવ અનેકાન્તનું ફળ બતાવે છે. ને એ રીતે ફળ બતાવીને આ અનેકાન્ત અધિકાર
પૂરો કરે છે.
જે રીતે અનેકાન્તમય વસ્તુસ્વરૂપ કહ્યું તે પ્રમાણે વસ્તુતત્ત્વની વ્યવસ્થાને અનેકાંત–સંગતદ્રષ્ટિવડે જ્ઞાની
સત્પુરુષો સ્વયમેવ દેખે છે...અને એ રીતે સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, જિનનીતિને નહિ ઉલ્લંઘતા થકા તે સંતો
જ્ઞાનસ્વરૂપ થાય છે.
જુઓ, આ જ્ઞાનસ્વરૂપ થવું તે અનેકાન્તનું ફળ છે, ને તે જ જિનનીતિ છે–તે જ જિનેશ્વર દેવનો માર્ગ છે.
આથી વિરૂદ્ધ વસ્તુસ્વરૂપ માનવું તે જિનનીતિ નથી પણ અનીતિ છે; જિનનીતિને જે ઉલ્લંઘે છે તે મિથ્યાદ્રષ્ટિ થાય છે ને
ઘોર સંસારમાં રખડે છે. અનેકાન્ત–સ્વરૂપ પાવન જિનનીતિને સંતો કદી ઉલ્લંઘતા નથી, એટલે તેઓ પરમ અમૃતમય
મોક્ષપદને પામે છે.
આ અનેકાન્તનું ફળ છે.
આ રીતે જ્ઞાનલક્ષણથી પ્રસિદ્ધ થતા અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માનું વર્ણન પૂરું થયું.
અનેકાન્તસ્વરૂપ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરનારા
સાધક સંતોને નમસ્કાર હો.