Atmadharma magazine - Ank 180
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 34

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૮૦
પરિણતિથી પાછો વળે છે તે જીવ દુઃખથી છૂટીને પરમ આનંદને પામે છે.
* * * *
આ એક ગાથામાં આચાર્યદેવે ઘણી વાત બતાવી છે, આત્માર્થીતાથી માંડીને ઠેઠ મોક્ષ સુધીની વાત આમાં
સમજાવી છે. પ્રથમ તો જેમાં કાળ સહિત પાંચ અસ્તિકાયનું વર્ણન હોય તે જ જિન પ્રવચન છે; મોક્ષાર્થી જીવ તે
જિન પ્રવચનમાં કહેલા દ્રવ્યોને જાણે છે; ‘અર્થી થઈને જાણે છે,’ એટલે કે આત્માનું હિત પ્રાપ્ત કરવાની ખરેખરી
દરકાર કરીને જાણે છેઃ ‘અર્થતઃ જાણે છે’ એટલે કે માત્ર શબ્દોની ધારણાથી નહિ પણ તેના ભાવભાસનપૂર્વક
જાણે છે. બધા પદાર્થોને જાણીને તેમાં રહેલાં પોતાના આત્માને જુદો તારવીને એમ નિશ્ચય કરે છે કે આ શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ સ્વવસ્તુ છે તે જ હું છું. આવો નિશ્ચય કરીને પોતાના આત્મા તરફ ઢળે છે. પોતાના આત્મામાં પણ
રાગાદિ અશુદ્ધ પડખાંને ન આદરતાં, શુદ્ધસ્વરૂપને આદરે છે. પર્યાયમાં વિકાર હોવા છતાં, તે જ વખતે
વિવેકજ્યોતિના બળે શુદ્ધસ્વરૂપમાં ઢળે છે ને રાગાદિ પરિણતિને છોડે છે; નિજસ્વભાવને છોડતો નથી ને
પરભાવોને ગ્રહતો નથી. રાગના કાળે ભેદજ્ઞાન વર્તે છે, પણ કાંઈ રાગને લીધે તે ભેદજ્ઞાન નથી. રાગની સાથે જ
વર્તતા ભેદજ્ઞાનને લીધે સાધક જીવ તે રાગમાં અભેદતા ન કરતાં, શુદ્ધસ્વભાવમાં અભેદતા કરતો જાય છે ને
રાગને છોડતો જાય છે. રાગરૂપી ચીકાસ છૂટતાં કર્મો પણ છૂટી જાય છે. જેમ પરમાણુમાં સ્પર્શની ચીકાસ વગેરે
જઘન્ય થઈ જતાં એ પરમાણુ સ્કંધમાંથી છૂટો પડી જાય છે, તેમ સ્વભાવ તરફ ઝૂકેલા જીવને રાગાદિ ચીકાસ
છૂટી જતાં તે જીવ કર્મબંધનથી છૂટી જાય છે.
શ્રોતા શા માટે સાંભળે છે?–કે સાંભળીને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવાના હેતુથી સાંભળે છે, જેવું આત્મસ્વરૂપ
સાંભળે છે તેવું જ શ્રદ્ધા–જ્ઞાન–અનુભવમાં લેવાનો ઉદ્યમ કરે છે; ઉદ્યમપૂર્વક અંર્તસ્વરૂપમાં જોડાણ કરીને કર્મ સાથેનું
જોડાણ તોડી નાંખે છે. રાગદ્વેષપરિણતિવડે કર્મબંધની પરંપરા ચાલતી હતી પણ જ્યાં અંતર્મુખ થઈને રાગદ્વેષપરિણતિને
તોડી નાંખી ત્યાં જૂનાં અને નવા કર્મ વચ્ચેની સંધિ તૂટી ગઈ એટલે કે કર્મની પરંપરા અટકી ગઈ, ને તે જીવ ફદફદતા
પાણી જેવા દુઃખથી પરિમુક્ત થઈ ગયો.
સ્વભાવ સાથેના સંબંધથી કર્મ સાથેનું જોડાણ તોડીને તેની પરંપરાને જીવ છેદી નાંખે છે; એમ નથી કે જૂનાં
કર્મો નવા કર્મોના બંધનું કારણ થયા જ કરે. જીવ જો રાગદ્વેષપરિણતિવડે કર્મ સાથે જોડાય તો જ કર્મની પરંપરા ચાલુ
રહે છે પણ જો પોતાની પરિણતિને સ્વભાવ સાથે જોડીને રાગદ્વેષને છોડે તો કર્મની પરંપરા તૂટી જાય છે. જેમ પરમાણુ
પોતાના સ્વરૂપમાં એકાકીપણે વર્તે છે તેમ સ્વરૂપમાં એકત્વપણે જોડાયેલો જીવ પણ રાગદ્વેષરહિત થયો થકો
કર્મબંધરહિત એકાકીપણે–મુક્તપણે પરિણમે છે.
નિયમસારમાં કહે છે કેઃ જડસ્વરૂપ પુદ્ગલની સ્થિતિ પુદ્ગલમાં જ છે એમ જાણીને તે સિદ્ધ ભગવંતો
પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે? (વળી કહે છે કે–) જો પરમાણુ એક વર્ણાદિરૂપ પ્રકાશતા
નિજગુણસમૂહમાં છે તો તેમાં મારી કાંઈ કાર્યસિદ્ધિ નથી;– આમ નિજહૃદયમાં માનીને પરમ સુખપદનો અર્થી
ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. જેમ પરમાણુ જઘન્યસ્નેહરૂપ પરિણમે ત્યારે સ્કંધરૂપ બંધનથી તે છૂટો પડી
જાય છે, તેમ આત્મા પરમાત્મભાવનાની ઉગ્રતાવડે એકત્વસ્વરૂપમાં પરિણમતો થકો કર્મબંધનથી છૂટો પડી જાય
છે. આ રીતે એક પરમાણુ અને સિદ્ધ પરમાત્માની જેમ જે જીવ પોતાના એકત્વ સ્વરૂપમાં વર્તે છે તેને નવું બંધન
થતું નથી અને જૂનાં બંધાયેલાં કર્મો પણ છૂટી જાય છે, એટલે અશાંત–ફદફદતા દુઃખોથી તે મુક્ત થઈ જાય છે.
જેમ ઠંડું જળ તો શાંત હોય પણ તે ઊકળતાં તેમાં ફદફદીયા પડીને તે અશાંત થાય છે; તેમ શાંત જળથી ભરેલું
આ ચૈતન્ય–સરોવર, તેમાં રાગદ્વેષનો ઉકળાટ થતાં દુઃખના ફદફદીયા ઉપડે છે, અશાંતિ થાય છે;
ચૈતન્યસ્વભાવની ભાવનાવડે રાગદ્વેષ ઉપશમી જતાં તે ફદફદતા અશાંત દુઃખોથી જીવ મુક્ત થાય છે ને અતીન્દ્રિય
શાંતિને–આનંદને અનુભવે છે.
–આ પંચાસ્તિકાયના અવબોધનું ફળ છે.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મસ્વભાવનો નિર્ણય કરીને તેની સન્મુખ જે વર્તે છે તે જીવ બંધનરહિત થઈને, દુઃખથી
મુક્ત થઈને, પરમ આનંદને પામે છે. સ્વરૂપની સન્મુખતા વગર અનાદિથી જીવો મહાદુઃખમાં સેકાઈ રહ્યા છે, કળકળતા
તેલમાં સકરકંદ સેકાય તેમ ઘોર દુઃખના ખાડામાં રાગદ્વેષમોહથી જીવો ખદખદી