Atmadharma magazine - Ank 180
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 34

background image
મુંબઈ શહેરમાં
દશલક્ષણી
પર્વનો ઉત્સવ
મુંબઈમાં દિ. જૈન મુમુક્ષુમંડળ તરફથી ભવ્ય દિ. જિનમંદિર મુમ્માદેવી
રોડ (નં. ૧૭૩–૭પ) ઉપર લગભગ ચાર લાખ રૂા. ના ખર્ચે તૈયાર થઈ
ગયું છે અને શ્રી સીમંધરાદિ જિનેન્દ્ર ભગવંતો પણ તેમાં બિરાજે છે. આ વર્ષે
આ ભવ્ય જિનમંદિરમાં અને જિનેન્દ્ર ભગવંતોની મંગલ છાયામાં પહેલી જ
વાર દસલક્ષણી પર્વ ઊજવાતા હોવાથી મુંબઈના ભક્તજનોને ઘણો ઉત્સાહ
હતો. ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને વદ એકમ સુધી ઉલ્લાસ અને
ધામધૂમપૂર્વક આ ઉત્સવ ઊજવાયો હતો. વાંચન માટે રાજકોટના ભાઈશ્રી
લાલચંદભાઈને તેડાવવામાં આવ્યા હતા.
દસલક્ષણ, સોલહકારણ, પંચમેરુ વગેરેના મંડલ કરીને, હંમેશા
જિનમંદિરમાં સમૂહપૂજન થતું હતું, તેમજ અભિષેક તથા ભક્તિ થતા હતા.
ત્યાર બાદ શાસ્ત્રસભા થતી; આ ઉપરાંત નવ તત્ત્વ સંબંધી બાળકોની
નિબંધ હરિફાઈ યોજવામાં આવી હતી. ભાદરવા વદ એકમના રોજ શ્રી
જિનેન્દ્ર ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી; ભજન–ગાન વગેરે અનેક
વિવિધતા સહિત અતિ ઉલ્લાસભરી આ રથયાત્રા જોઈને લોકો પ્રભાવિત
થયા હતા; મુંબઈના ભૂલેશ્વર તથા ગુલાલવાડીના દિ. જિનમંદિરોએ પણ આ
રથયાત્રામાં સારો સહકાર આપ્યો હતો. આ ઉપરાંત મુમુક્ષુઓમાં
શાસ્ત્રસ્વાધ્યાયનો પ્રચાર વધે તે માટે, જિનમંદિરમાં શાસ્ત્રો વસાવવા
નિમિત્તે રૂા. પ૦૦૦) નું ફંડ થયું હતું. છેલ્લે વાત્સલ્યભોજન પણ થયું હતું.
સુગંધદસમીનો દિવસ વિશેષ હર્ષથી ઊજવાયો હતો; આ દિવસે
મંડળના ભાઈ–બહેનો એકત્રિત થઈને, વાજતેગાજતે ધામધૂમથી શહેરના
પાંચે દિ. જિનમંદિરોના દર્શનાર્થે ગયા હતા અને દરેક મંદિરમાં ભક્તિપૂર્વક
ધૂપક્ષેપણ કર્યું હતું. ચોપાટી ઉપર શેઠ શ્રી માણેકચંદ પાનાચંદના કાચના
જિનમંદિરમાં એક દિવસ ખાસ આમંત્રણથી ભક્તિનો પ્રોગ્રામ રાખવામાં
આવ્યો હતો.
આમ અનેક પ્રકારે ઉત્સાહપૂર્વક દસલક્ષણી પર્વનો ઉત્સવ ઊજવાયો
હતો, અને બધા કાર્યક્રમો ખૂબ વ્યવસ્થિત રીતે થયા હતા.
આ જિનમંદિરમાં બિરાજમાન સીમંધરાદિ ભગવંતોની પાવન મુદ્રા
અતિશય ઉપશાંત અને ભાવવાહી છે, એ ભવ્ય મુદ્રા દર્શકને પોતાના તરફ
આકર્ષી લ્યે છે; તેથી, મંડળના ભાઈ–બહેનો ઉપરાંત શહેરની જૈન તેમજ
જૈનેતર જનતા પણ હજારોની સંખ્યામાં ભગવાનના દર્શનનો લાભ લ્યે છે.
આ રીતે પૂ. ગુરુદેવના પ્રતાપે થયેલું મુંબઈ શહેરનું આ જિનમંદિર મહાન
પ્રભાવનાનું અને ઉત્સાહનું કારણ બન્યું છે; તથા મુંબઈનગરીના મુમુક્ષુઓ
અને મુમુક્ષુમંડળના પ્રમુખશ્રી ધન્યવાદને પાત્ર છે.