મોક્ષમાર્ગની સિદ્ધિ માટે મુમુક્ષુએ શું કરવું?
પ્રશ્ન:–ધર્મ શું છે?–અર્થાત્ સાક્ષાત્ મોક્ષમાર્ગ શું છે?
ઉત્તર:–चरितं खलु धम्मो અર્થાત્ ચારિત્ર તે
ખરેખર ધર્મ છે, તે જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે.
પ્રશ્ન:–ચારિત્ર એટલે શું ?
ઉત્તર:–શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મામાં ચરવું–
પ્રવર્તવું તે ચારિત્ર છે.
પ્રશ્ન:–આવા ચારિત્ર માટે પહેલાં શું હોવું જોઈએ?
ઉત્તર:–ચારિત્ર માટે પ્રથમ તો સ્વ–પરના
યથાર્થ સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ; કેમ કે જેમાં
એકાગ્ર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કર્યા
વગર તેમાં સ્થિર ક્યાંથી થાય? માટે પ્રથમ જેમાં સ્થિર
થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ.
પ્રશ્ન:–વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કયા પ્રકારે કરવો?
ઉત્તર:–વસ્તુના સ્વરૂપનો આ પ્રમાણે નિશ્ચય
કરવો કે–આ જગતમાં હું સ્વભાવથી જ્ઞાયક જ છું; અને
મારાથી ભિન્ન આ જગતના જડ–ચેતન સમસ્ત પદાર્થો
તે મારાં જ્ઞેયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર
જ્ઞેયજ્ઞાયકસંબંધથી વિશેષ કંઈ પણ સંબંધ મારે નથી.
કોઈ પણ પદાર્થ મારો નથી, ને હું કોઈનાં કાર્યનો કર્તા
નથી. દરેક પદાર્થ પોતાના સ્વભાવસામર્થ્યથી જ
ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યસ્વરૂપે પરિણમી રહ્યો છે, તેની સાથે
મારે કાંઈ જ સંબંધ નથી.
જે જીવ આવો નિર્ણય કરે તે જ પર સાથેનો
સંબંધ તોડીને નિજસ્વરૂપમાં ઉપયોગને જોડે, એટલે તેને
જ સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર
માટે પહેલાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ.
પ્રશ્ન:–જે જીવ વસ્તુસ્વરૂપનો યથાર્થ નિશ્ચય નથી કરતો
તેને શું થાય છે?
ઉત્તર:–જે જીવ વસ્તુસ્વરૂપનો નિશ્ચય નથી કરતો તેનું
ચિત્ત ‘વસ્તુસ્વરૂપ કઈ રીતે હશે!’ એવા સંદેહથી સદાય
ડામાડોળ–અસ્થિર રહ્યા કરે છે. વળી સ્વ–પરના
ભિન્નભિન્ન સ્વરૂપનો તેને નિશ્ચય નહિ હોવાથી
પરદ્રવ્યને કરવાની ઈચ્છાથી તેનું ચિત્ત સદાય આકુળ
રહ્યા કરે છે, તેમજ પરદ્રવ્યને ભોગવવાની બુદ્ધિથી તેમાં
રાગ–દ્વેષ કરીને તેનું ચિત્ત સદાય કલુષિત રહ્યા કરે છે.–
આ રીતે, વસ્તુસ્વરૂપના નિશ્ચય વગર જીવનું ચિત્ત
સદાય ડામાડોળ અને કલુષિત વર્તતું હોવાથી, તેને
સ્વદ્રવ્યમાં સ્થિરતા
થઈ શકતી નથી. જેનું ચિત્ત ડામાડોળ અને કલુષિતપણે
પરદ્રવ્યમાં જ ભમતું હોય તેને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિરૂપ
ચારિત્ર કયાંથી થાય?–ન જ થાય, માટે જેને પદાર્થના
સ્વરૂપનો નિશ્ચય નથી તેને ચારિત્ર હોતું નથી.
પ્રશ્ન:–પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરનાર જીવ
કેવો હોય છે?
ઉત્તર:–તે જીવ પોતાના આત્માને કૃતનિશ્ચય,
નિષ્ક્રિય અને નિર્ભોગ દેખે છે. સ્વ–પરના સ્વરૂપ
સંબંધી તેને સંદેહ ટળી ગયો છે, પરદ્રવ્યની કોઈ પણ
ક્રિયાને તે આત્માની માનતો નથી તેમજ પોતાના
આત્માને પરદ્રવ્યમાં પ્રવૃત્તિરૂપ ક્રિયાથી રહિત–નિષ્ક્રિય
દેખે છે, અને પરદ્રવ્યના ભોગવટા રહિત નિર્ભોગ દેખે
છે. આવા પોતાના સ્વરૂપને દેખતો થકો તે જીવ, સંદેહ
અને વ્યગ્રતાથી રહિત થયો થકો નિજસ્વરૂપમાં એકાગ્ર
થાય છે, નિજસ્વરૂપની ધૂનનો ધૂની થઈને તેમાં તે ઠરે
છે. આ રીતે વસ્તુસ્વરૂપનો નિશ્ચય કરનારને જ
ચારિત્ર હોય છે.
પ્રશ્ન:– મોક્ષમાર્ગને સાધનારી મુનિદશા કોને હોય છે?
ઉત્તર:–ઉપર મુજબ વસ્તુસ્વરૂપનો નિશ્ચય
કરીને તેમાં જે એકાગ્ર થાય છે તેને જ શ્રામણ્ય એટલે
કે મુનિપણું હોય છે.
પ્રશ્ન:–શ્રામણ્યનું (મુનિપણાનું) બીજું નામ શું છે?
ઉત્તર:–શ્રામણ્યનું બીજું નામ મોક્ષમાર્ગ છે.
જ્યાં મોક્ષમાર્ગ છે ત્યાં જ શ્રામણ્ય છે; જેને મોક્ષમાર્ગ
નથી તેને શ્રામણ્ય પણ નથી.
પ્રશ્ન:–શ્રામણ્ય કેવું છે?
ઉત્તર:–શ્રામણ્ય શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ છે.
સ્વ–પરની ભિન્નતાનો નિશ્ચય કરીને, સ્વરૂપમાં
એકાગ્રતાવડે શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિ કરવી તે શ્રામણ્ય
છે; તે જ મોક્ષમાર્ગ છે.
પ્રશ્ન:–આવા મોક્ષમાર્ગને સર્વ પ્રકારે સિદ્ધ કરવા માટે
મુમુક્ષુએ શું કરવું?
ઉત્તર:–મોક્ષમાર્ગની સર્વ પ્રકારે સિદ્ધિ કરવા માટે
મુમુક્ષુએ, ભગવાન સર્વજ્ઞદેવે સ્વયં જાણીને કહેલા
અનેકાંતમય શબ્દબ્રહ્મમાં (અર્થાત્ આગમના
અભ્યાસમાં) નિષ્ણાત થવું, એટલે કે આગમમાં જે
પ્રમાણે વસ્તુસ્વરૂપ કહ્યું છે તે પ્રમાણે નિશ્ચય કરવો..
આવો નિશ્ચય કરીને પછી સ્વદ્રવ્યને એકને જ અગ્ર
કરીને એકાગ્રપણે તેમાં પ્રવર્તવું.–આ મોક્ષમાર્ગની
સિદ્ધિનો ઉપાય છે.(પ્રવચનસાર ગા. ૨૩૨ના
પ્રવચનમાંથી)