––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
મોક્ષના કારણરૂપ આત્મઅનુભવ તો પૂર્વે અનેક ભવ પહેલાં પ્રગટ કર્યો હતો....પછી તેમાં
આગળ વધતાં વધતાં આજે પરોઢિયે પૂર્ણ મોક્ષદશા પ્રગટ કરી. તેના બહુમાનમાં હજારો
દીપકોની માળાથી લોકોએ નિર્વાણમહોત્સવ ઊજવ્યો. તે નિર્વાણનું આજે બેસતું વર્ષ છે.
આજે ૨૪૮૬ મું વર્ષ બેઠું.
મહામંગળ દિવસ છે. એટલે ખરેખર તો, તે ભગવંતોએ કઈ રીતે મોક્ષની આરાધના કરી તે
ઓળખીને તેવી આરાધના પ્રગટ કરવાનો આ દિવસ છે. અંતરમાં આત્માની સન્મુખ
થઈને જેણે આરાધના પ્રગટ કરી તેણે રત્નત્રયરૂપ દીવડાથી મોક્ષનો મહોત્સવ ઊજવ્યો..
તેણે ખરી દીપાવલી ઊજવી.. તેના આત્મામાં આનંદમય સુપ્રભાત ખીલ્યું. તે મંગળ છે.
અને દરેક જીવે તેની ભાવના તથા આરાધના કરવા જેવી છે.