Atmadharma magazine - Ank 197
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page  


PDF/HTML Page 19 of 19

background image
ATMADHARMA Reg. No. B. 4787
____________________________________________________________________________
ચૈતન્યમાં ભરેલો ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી
ચૈતન્યસ્વરૂપ આત્મામાં કેવળજ્ઞાન અને સિદ્ધપદનાં સામર્થ્ય ભર્યાં છે, તે ચૈતન્યના ગુપ્ત
ચમત્કારને જીવો લક્ષમાં લેતા નથી...જો ચૈતન્યને લક્ષમાં લ્યે તો તેનો અચિંત્ય ચમત્કાર પ્રગટ થાય.
કેવળજ્ઞાનનો મહાઆર્શ્ચયકારી ચમત્કાર જગતને આનંદ પમાડનારો છે, અને તે ચમત્કાર ચૈતન્યમાં જ
રહેલો છે. ધ્રુવ ચૈતન્યસ્વભાવને લક્ષમાં લઈને તેના અવલંબને જેણે કેવળજ્ઞાનરૂપ પૂર્ણ ચૈતન્યચમત્કાર
પ્રગટ કર્યો તેનું આ વર્ણન છે. તે ચૈતન્ય ચમત્કાર પૂર્ણ જ્ઞાન ને આનંદથી ભરેલો છે. જગતના ત્રણ
કાળ ત્રણ લોકના સમસ્ત પદાર્થોનો એક સમયમાં રાગ વગર જે તાગ મેળવી લ્યે છે, –આવી તાકાત
જેનામાંથી સાદિ અનંત પ્રગટ્યા કરે તેના બેહદ સામર્થ્યની શી વાત? જે જ્ઞાનમાં આવું ચૈતન્યનું બેહદ
સામર્થ્ય બેઠું તે જ્ઞાન પણ સ્વભાવ તરફ વળીને સમ્યક્ થયું; એ સમ્યગ્જ્ઞાન તે મોક્ષમાર્ગનો એક
અવયવ છે. તેની પણ બેહદ તાકાત છે કે અચિંત્ય કેવળજ્ઞાનને તે પોતાના નિર્ણયમાં લઈ લ્યે છે, અને
તે કેવળજ્ઞાનનું સામર્થ્ય જેમાં ગુપ્તપણે ભર્યું છે એવા ધુ્રવ ચૈતન્યના ચમત્કારે પણ તે જાણી લ્યે છે.
અરિહંતના કેવળજ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય છે, તેનું જ્ઞાન કરતાં આત્માનું જ્ઞાન થાય છે.
પ્રવચનસારની ૮૦મી ગાથામાં એ વાત કરી છે. અહા! અંદરમાં ચૈતન્યચમત્કાર ભર્યાં છે.....તેને નહિ
દેખનારા જીવો બહારના મહિમામાં અટવાય છે....અરે ચેતન! તારા ભંડારમાં શી ખામી છે કે તું બહાર
શોધે છે? આખો લોક ને અલોક તો તારા જ્ઞાનમાં ઝળકી રહ્યો છે. તે જ્ઞાનમાં તન્મય રહીને તું
લોકાલોકને તારાથી ભિન્નપણે જાણ. કેવળજ્ઞાની પરમાત્મા પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં તે તન્મય થઈને
તેને નિશ્ચયથી જાણે છે, ને લોકાલોકને વ્યવહારથી એટલે કે તેમાં તન્મય થયા વગર, પોતાના
સામર્થ્યથી જાણે છે. –જિનનાથના તત્ત્વવિચારમાં નિપુણ જીવ કેવળજ્ઞાનનો આ રીતે નિર્ણય કરે છે.
કેવળજ્ઞાન તો જિનનાથે કહેલા તત્ત્વોમાં મૂળ વસ્તુ છે; તેના સ્વરૂપમાં જેને સન્દેહ છે તે જીવ
તત્ત્વવિચારમાં નિપુણ નથી.
ભગવાનની સર્વજ્ઞતાનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરીને, સ્તુતિ કરતાં શ્રી સમન્તભદ્રસ્વામી
‘સ્વયંભૂ–સ્તોત્ર’ માં કહે છે કે હે જિનેન્દ્ર! તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે; ‘ચરાચર જગત પ્રતિક્ષણ ઉત્પાદ–
વ્યય–ધ્રૌવ્યલક્ષણવાળું છે.’ એવું આ તારું વચન તારી સર્વજ્ઞતાનું ચિહ્ન છે. પ્રભો! તારી શ્રેષ્ઠ વાણીથી
વસ્તુસ્વરૂપનો અને તારી સર્વજ્ઞતાનો નિર્ણય કરીને હું તારી સ્તુતિ કરું છું.
જુઓ, આ રીતે સર્વજ્ઞની ઓળખાણપૂર્વક જ સર્વજ્ઞની સ્તુતિ થાય છે. સર્વજ્ઞની નિશ્ચયસ્તુતિનું
વર્ણન કરતાં સમયસારની ૩૧મી ગાથામાં ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવે પણ અલૌકિક વાત કરી છે કે
રાગાદિથી ભિન્ન એવા જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને જે પોતાના જ્ઞાયકસ્વરૂપ આત્માને અનુભવે છે
તેને જ સર્વજ્ઞભગવાનની નિશ્ચયસ્તુતિ છે. આમાં સર્વજ્ઞનો નિર્ણય પણ ભેગો જ છે. આવા નિર્ણયમાં
પણ ચૈતન્યચમત્કારી પ્રગટતાનો અપૂર્વ આનંદ અનુભવાય છે.
(નિયમસાર ગા. ૧૬૯ ઉપરના પ્રવચનમાંથી)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશક હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રી પ્રેસ ભાવનગર