ધ....ર્મા....ત્મા....નો યો....ગ
વૈશાખ સુદ બીજ....એ આત્માર્થી જીવોને માટે ધન્ય દિવસ છે. એ દિવસે ગુરુદેવનો મંગલ
અવતાર થયો....અને, તેમના પ્રતાપે, આ જગતમાં મહાન દુર્લભ એવો ધર્માત્માનો યોગ જિજ્ઞાસુ
જીવોને સંપ્રાપ્ત થયો. આ જગતમાં બધી વસ્તુનો યોગ સુગમ છે પરંતુ ધર્માત્માનો યોગ બહુ દુર્લભ છે.
એમાંય આ હળહળતા વિષમ કાળમાં ધર્માત્માનો યોગ મળવો તે તો ખરેખર રણમાં તૃષાતુરને અમૃત
મળવા જેવું છે. જેમ માબાપની હાજરી પણ બાળકને પ્રસન્નકારી ને હિતકારી છે તેમ ધર્માત્માનો યોગ
મુમુક્ષુ જીવને પ્રસન્નકારી ને હિતકારી છે.
હે ગુરુદેવ! બલિહારી છે આપની....કે જેણે અમને આ કાળે ધર્માત્માનો યોગ આપ્યો!
અનેકવિધ આધિ–વ્યાધિ–ઉપાધિથી ભરેલા આ અસાર સંસારમાં પણ જ્યાં આપશ્રી જેવા ધર્માત્માનો
યોગ છે ત્યાં આત્માર્થી જીવોને કોઈ ચિંતા કે મુંઝવણ કેમ હોય? સંસારથી રક્ષણ કરનારી ને સદા
સન્માર્ગે દોરનારી આપની મંગળ છાયામાં અમને સદાય આનંદ છે કેમકે આપના પાવન જીવનને
ધ્યેયરૂપે રાખીને જ અમે અમારું જીવન જીવી રહ્યા છીએ. આપશ્રીની નીડરતા માત્રથી જીવનના બધા
દુઃખો ભુંસાઈ જાય છે ને ભક્તિ–પુષ્પોની સૌરભથી અમારું જીવન મહેકી ઊઠે છે.....એમાંય જ્યારે
આપની મીઠી નજર અને મધુરી વાણી અમારા ઉપર વરસે છે ત્યારે અમારા આત્મામાં અનુભવાતો
આહ્લાદ.....તે તો જાણે આપશ્રીના અતીન્દ્રિય આનંદની પ્રસાદી જ હોય–એમ અમને લાગે છે. અને
આપશ્રીના ઉપકારનું સ્મરણ કરતાં જ આત્માના અસંખ્ય–પ્રદેશોરૂપી સીતાર ઝણઝણીને તેમાંથી
ભક્તિનું એવું સંગીત ઊઠે છે કે–
હે નાથ! આ બાલકશિરે તુજ છત્રછાયા અમર હો.....
છૂટે ન કદીય સુયોગ તુજનો, સિદ્ધપદનો સાથ હો....
તારી અમીદ્રષ્ટિ ઝીલી તુજ ચરણભક્તિથકી ભજી.....
આનંદમય જીવું જીવન...સંસારની માયા તજી......
(બ્ર. હરિલાલ જૈન)