: ૨૮ : આત્મધર્મ: ૨૦૦
પ્રતીતિના પ્રતાપે પરમાત્મા
પ્રતીતિના અભાવે પરિભ્રમણ
(૧) આત્મા જ્ઞાનસ્વભાવી છે, તેના જ્ઞાનમાં સર્વજ્ઞ થવાની તાકાત છે.
(૨) જ્ઞાન પોતે પોતાના આવા પરિપૂર્ણ સામર્થ્યની પ્રતીત જ્યાંંસુધી ન કરે
ત્યાંસુધી આત્માની સમ્યક્ પ્રતીતિ થાય નહીં.
(૩) ‘હું જ્ઞાનસ્વભાવ છું’ એવી પ્રતીતિના પ્રતાપે આત્મા સર્વજ્ઞ થાય છે; ને તે
પ્રતીતિના અભાવે આત્મા સંસારમાં રખડે છે.
(૪) ‘હું જ્ઞાનસ્વભાવ છું’ એવી પ્રતીત કરીને જ્યારે આત્મા તેને ધ્યાવે છે,
એટલે કે ધ્યાનમાં તે જ્ઞાનસ્વભાવને જ કારણપણે ગ્રહીને તેમાં તન્મયપણે
લીન થાય છે ત્યારે તુરત જ પરમ આનંદમય કેવળજ્ઞાન પ્રગટે છે.
(પ) તે કેવળજ્ઞાની ભગવાન સંપૂર્ણ અતીન્દ્રિય થયા છે, તેમને ઈંદ્રિયો સાથે
સંબંધનો અભાવ હોવાથી તેઓ ઈંદ્રિયોથી પાર છે.
(૬) સર્વજ્ઞનું જ્ઞાન સર્વ આત્મપ્રદેશે સોળ કળાએ ખીલી ગયું છે, કોઈ આવરણ
તેને નથી રહ્યું કે જે કોઈ પણ જ્ઞેયને જાણતાં તેને રોકે. તેઓ નિર્વિઘ્ન
ખીલેલી નિજશક્તિથી સર્વ જ્ઞેયોને એક સાથે પ્રત્યક્ષ જાણે છે.
(૭) જ્ઞાનની જેમ ભગવાનના સુખનું પણ એ જ પ્રમાણે સમજી લેવું.
અતીન્દ્રિય થયેલા તે સર્વજ્ઞ ભગવાન ભોજનાદિ ઈંદ્રિયવિષયો વગર જ
પોતાના અતીન્દ્રિય પરમસુખને અનુભવે છે. સુખના અનુભવમાં વિઘ્ન
કરનાર કોઈ કર્મ તેમને નથી રહ્યું; સ્વાધીનપણે જ તેઓ પૂર્ણ સુખરૂપે
પરિણમી ગયા છે, તેથી સુખ માટે બીજા કોઈ વિષયોની અપેક્ષા તે
સ્વયંભૂ–પરમાત્માને નથી.
(૮) સર્વજ્ઞતાની પ્રતીતિનો એવો પ્રતાપ છે કે તે પ્રતીતિ કરવા જતાં
સ્વસન્મુખતા થઈને આત્મપ્રતીતિ થઈ જાય છે....ને સમ્યગ્દર્શન થાય છે.
તે પ્રતીતિનો પ્રતાપ તેને અલ્પકાળમાં સર્વજ્ઞ પરમાત્મા બનાવી દે છે.
(૯) સર્વજ્ઞતાની પ્રતીતિના અભાવે આત્મા પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને,
રાગાદિ વિભાવનો જ કર્તા થઈને સંસારમાં રખડે છે.
(૧૦) આ રીતે પ્રતીતિના પ્રતાપે પરમાત્મા થવાય છે અને પ્રતીતિના
અભાવે પરિભ્રમણ થાય છે.
માટે હે જીવો!
સર્વજ્ઞસ્વભાવી આત્માની પ્રતીતિ કરો.... ને તેનો અચિંત્ય મહિમા જાણીને તેમાં ઠરો....
એમ શ્રી સન્તોને ઉપદેશ છે.