આત્મધર્મ માસિકનો બીજો સૈકો
૨૦૦
આત્મિક શોર્યને ઉછાળનારી પૂ. ગુરુદેવની વાણી
આ અંકની સાથે “આત્મધર્મ” ના અંકોનો બીજો સૈકો પૂર્ણ થાય છે. વીર સં. ૨૪૬૯ના
માગશર સુદ બીજે પ્રસિદ્ધ થયેલા પ્રથમ અંકથી શરૂ કરીને આજ સુધીના ૨૦૦ અંકોમાં જે કાંઈપણ
પીરસાયું છે તે બધુંય પરમકૃપાળુ પૂ. ગુરુદેવની અમૃતવાણીનો જ નીચોડ છે. જેમ ગુરુદેવની પવિત્ર
મુદ્રા ઉપર ચૈતન્યતેજની ચમક છે, તેમ તેઓશ્રીની અપૂર્વવાણીમાં આત્મિક શોર્યનો ઉલ્લાસ છે.
તેઓશ્રી વારંવાર કહે છે કે અરે જીવ! આત્મામાં જ રહેલી પરમાત્મશક્તિની પ્રતીત કરીને તારા
આત્મિક શોર્યને ઉછાળ! તારો આત્મા નમાલો કે તુચ્છ નથી પણ સિદ્ધપરમાત્મા જેવા પૂર્ણ
સામર્થ્યવાળો પ્રભુ છે, માટે તે પૂર્ણતાના લક્ષે તારા આત્મવીર્યને ઉપાડ.
અહો! પોતાની અપૂર્વ વાણીદ્વારા પાત્ર જીવોને પ્રભુતા આપનાર ગુરુદેવનો ઉપકાર અહીં કઈ
રીતે વ્યક્ત કરીએ? પૂ. ગુરુદેવની પ્રત્યક્ષ વાણીએ જેમ અનેક સુપાત્ર શ્રોતાઓને સન્માર્ગમાં સ્થાપ્યા
છે તેમ આ “આત્મધર્મ” દ્વારા પણ તેઓશ્રીની વાણીએ અનેક સુપાત્ર જીવોને સન્માર્ગમાં આકર્ષ્યા છે.
પૂ. ગુરુદેવની વાણીમાં ઝરતા જૈનશાસનના મૂળભૂત કલ્યાણકારી વિષયો ચૂટી ચૂંટીને આત્મધર્મમાં
અપાય છે. આત્માર્થી જીવોને અપૂર્વ કલ્યાણના દાતાર એવા પૂ. ગુરુદેવને અને સ્વરૂપબોધક
તેઓશ્રીની વાણીને આવી ભાવનાપૂર્વક નમસ્કાર કરીએ છીએ કે–તેઓશ્રીની કૃપાદ્રષ્ટિ નીચે
‘આત્મધર્મ’ ની વધુ ને વધુ પ્રભાવના થાઓ.