Atmadharma magazine - Ank 203
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 25

background image
ભાદ્રપદ : ૨૪૮૬ : પ :
બધા અવયવો હોય તો પણ તે અવયવોને તે પોતાનું સ્વરૂપ માનતા નથી, તેને પોતાનું સાધન માનતા
નથી; એ રીતે તેમાંથી સાધનપણાની દ્રષ્ટિ છૂટી ગઈ હોવાથી તેની દ્રષ્ટિમાં (શ્રદ્ધામાં) તો સંથારો જ થઈ
ગયો છે. તે જાણે છે કે મારા અવયવો તો જ્ઞાનાદિ અનંત ગુણો જ છે. ને તે જ મારા સુખના સાધન છે.
આવા જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખાવવા માટે અહીં તેની શક્તિઓનું વર્ણન કરે છે.
સમયસારમાં આત્માને “જ્ઞાનસ્વરૂપ” કહીને ઓળખાવ્યો છે; જો કે જ્ઞાન સાથે તેના અવિનાભાવી
બીજા અનંત ધર્મો પણ છે તેથી જ્ઞાનમાત્ર આત્માને “અનેકાંતપણું” સ્વયમેવ પ્રકાશે છે. આ વાત
સાંભળીને જિજ્ઞાસુ શિષ્યને પ્રશ્ન ઊઠે છે કે પ્રભો! અનંતધર્મોવાળા આત્માને ‘જ્ઞાનમાત્રપણું’ કઈ રીતે
છે? જે જીવ આત્માને લક્ષમાં લઈને તેનો અનુભવ કરવા માંગે છે તેને પ્રસિદ્ધરૂપ જ્ઞાનલક્ષણદ્વારા
આત્માની પ્રસિદ્ધિ કરાવવામાં આવે છે. ખરેખર કાંઈ લક્ષણ અને લક્ષ્ય જુદા નથી, જ્ઞાન અંતરમાં વળ્‌યું
ત્યાં તેણે પોતે લક્ષણરૂપ થઈને લક્ષ્યને પ્રસિદ્ધ કર્યું. જે જીવ આવા આત્માને અનુભવે છે તેને તો કાંઈ
લક્ષ્ય–લક્ષણના ભેદ પાડીને કહેવાની જરૂર નથી. પણ જે અનુભવ કરવા માંગે છે તેને ‘જ્ઞાનમાત્ર
આત્મા’ એમ કહીને ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરાવે છે. અનંતગુણનો નિધાન આત્મા છે, તે નિધિને
પોતાના અંતરમાં દેખીને જ્ઞાની તેને ભોગવે છે. જેમ કોઈ મનુષ્ય મોટું નિધાન પ્રાપ્ત કરીને પછી
એકાંતમાં તેને ભોગવે છે, તેમ ધર્માત્મા પોતાના અંતરમાં ચૈતન્યનિધાન પ્રાપ્ત કરીને પછી એકાંતમાં
એટલે અંતર્મુખ થઈને તેને આનંદથી ભોગવે છે–વારંવાર અનુભવે છે.
–આવા આનંદના અનુભવની જે જીવને જિજ્ઞાસા જાગી છે તે જીવ પાત્ર થઈને જિજ્ઞાસાથી પૂછે
છે કે પ્રભો! આત્મામાં અનંતધર્મો છે, છતાં તેને જ્ઞાનમાત્ર જ કેમ કહો છો? એવા જિજ્ઞાસુ શિષ્યને
સમજાવવા આચાર્યદેવ કહે છે કે ભાઈ, સાંભળ! આત્માની જે જ્ઞપ્તિક્રિયા થાય છે તેમાં અનંતધર્મોનો
સમુદાય ભેગો જ પરિણમે છે. એકલું જ્ઞાન જુદું નથી પરિણમતું પરંતુ તે જ્ઞાનની સાથે સાથે જ આનંદ,
શ્રદ્ધા, જીવત્વ વગેરે અનંત ગુણોનું પરિણમન ભેગું જ છે. એક જ્ઞાનગુણને જુદો લક્ષમાં લઈને ધર્મી
નથી પરિણમતો પરંતુ જ્ઞાન સાથેના અનંત ધર્મોને અભેદપણે લક્ષમાં લઈને ધર્મીજીવ એક જ્ઞપ્તિમાત્ર
ભાવરૂપે પરિણમે છે. અનંતધર્મોને પોતામાં સમાવીને એક જ્ઞપ્તિક્રિયાપણે પરિણમતો હોવાથી આત્માને
સ્વયમેેવ જ્ઞાનમાત્રપણું છે. આવી જ્ઞાનક્રિયાપણે આત્મા પ્રકાશે છે. શરૂઆતમાં જ “नमो
समयसाराय દ્વારા શુદ્ધાત્માને નમસ્કાર કરતાં કહ્યું હતું કે તે શુદ્ધાત્મા સ્વાનુભૂતિરૂપ ક્રિયા વડે
પ્રકાશમાન છે; રાગવડે કે વાણીવડે આત્મા પ્રકાશમાન થતો નથી,–પ્રસિદ્ધ થતો નથી, પણ અંતર્મુખ
સ્વાનુભૂતિવડે એટલે કે જ્ઞપ્તિક્રિયા વડે જ ભગવાન આત્મા પ્રકાશમાન થાય છે, પ્રસિદ્ધ થાય છે,
અનુભવમાં આવે છે.
આત્માની જ્ઞપ્તિક્રિયામાં સ્વયમેવ અનંતશક્તિઓ ઊછળે છે, આત્માના અનુભવમાં એકસાથે
અનંતશક્તિઓ પરિણમે છે, નિર્મળપણે ઊછળે છે.–કેવી કેવી શક્તિઓ ઊછળે છે તેનું વર્ણન હવે કરશે.
ગુરુદેવનું શાંતરસઝરતું અદ્ભુત પ્રવચન
સાંભળીને સૌ શ્રોતાજનો આનંદવિભોર બન્યા
હતા...અમૃતરસની વર્ષાથી સૌનાં હૃદય તૃપ્ત અને
પ્રસન્ન હતા...પ્રવચન પૂરું થતાં જ હર્ષભર્યા જય
જયકારપૂર્વક પૂ. બેનશ્રીબેને નીચેની ભક્તિ ગવડાવી
હતી–
આજ મંગળમય દિન ઊગ્યો
આજ અમૃત વરસ્યા મેહરે...ગુરુજીની વાણી છૂટી રે