માગશર : ર૪૮૭ : ૧૭ :
હેય સમજીને આચાર્યદેવ કહે છે કે અરે, ખેદ છે કે આ વ્યવહાર વચ્ચે આવી પડે છે. તે
વ્યવહારના વિકલ્પને ઓળંગીને ચિદાનંદસ્વરૂપને શુદ્ધનયથી અનુભવવું–તે જ મોક્ષમાર્ગ છે.
વચ્ચે વ્યવહારનું અવલંબન આવી પડે છે તે કાંઈ મોક્ષમાર્ગ નથી. અહા, જ્યાં નિશ્ચય સાથે
વર્તતા વ્યવહારનું અવલંબન પણ મોક્ષમાર્ગ નથી તો પછી નિશ્ચય વગરના એકલા વ્યવહારનું
અવલંબન તો મોક્ષમાર્ગ ક્યાંથી હોય? એવા વ્યવહારના અવલંબનમાં અટકેલો વ્યવહારમૂઢ
જીવ મોક્ષમાર્ગને સાધી શકતો નથી. જે જીવ તે વ્યવહારને હેય સમજીને શુદ્ધ આત્મસ્વભાવને
પકડે છે–તે જ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને સાધે છે.
(પ) * ઘણા જીવો એમ માને છે કે આપણે વ્રત–પૂજા વગેરે જે શુભક્રિયા કરીએ છીએ તે જ કર્યા કરો,
તે શુભ કરતાં કરતાં મોક્ષ થઈ જશે, અથવા શુભની પરંપરા તે શુદ્ધતાનું કારણ થશે.–આ
પ્રકારની માન્યતાવાળા જીવો પણ વ્યવહારમૂઢતામાં જ રહેલા છે. ભાઈ, શુભ અને શુદ્ધ–
બંનેની જાત જ જુદી, એક રાગ અને બીજી વીતરાગતા, એક બંધનું કારણ અને બીજું મોક્ષનું
કારણ; આ રીતે શુભ અને શુદ્ધ બંને ભાવોની જાત જ એકબીજાથી વિરુદ્ધ છે તોપછી શુભ તે
કઈ રીતે શુદ્ધનું કારણ થાય?–કોઈ રીતે ન થાય. આમ છતાં જે વ્યવહારમૂઢ જીવો શુભને
શુદ્ધતાનું કારણ થવાનું માનીને તે શુભક્રિયામાં જ ધર્મબુદ્ધિથી અટકી રહ્યા છે તેઓ
શુદ્ધભાવરૂપ ધર્મને એટલે કે મોક્ષમાર્ગને કદી પામી શકતા નથી. મોક્ષમાર્ગના ખરા સ્વરૂપની
તેમને ખબર પણ નથી. આવા જીવોને મોક્ષમાર્ગસાધનમાં કઈ રીતે ભૂલ છે–તે વાત મોક્ષમાર્ગ
પ્રકાશકમાં ઘણી સરસ સમજાવી છે; ત્યાં કહે છે કે–
આ જીવને વ્રત–શીળ–સંયમાદિકનો અંગીકાર હોય છે, તેને ‘વ્યવહારથી આ પણ મોક્ષમાર્ગનું
કારણ છે’ એવું માની તે ઉપાદેય માને છે,–એ તો જેમ પહેલાં કેવળ વ્યવહારાવલંબી જીવને
અયથાર્થપણું કહ્યું હતું તેમ આને પણ અયથાર્થપણું જ જાણવું. ×× એ શુભોપયોગને બંધનું જ
કારણ જાણવું પણ મોક્ષનું કારણ ન જાણવું; કારણ કે બંધ અને મોક્ષને તો પ્રતિપક્ષપણું છે, તેથી
એક જ ભાવ પુણ્યબંધનું પણ કારણ થાય તથા મોક્ષનું પણ કારણ થાય એમ માનવું એ ભ્રમ
છે. વ્રત–અવ્રત એ બંને વિકલ્પ રહિત જ્યાં પરદ્રવ્યના ગ્રહણત્યાગનું કાંઈ પ્રયોજન નથી એવો
ઉદાસીન વીતરાગશુદ્ધોપયોગ છે તે જ મોક્ષમાર્ગ છે. નીચલી દશામાં કોઈ જીવોને શુભોપયોગ
અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો
છે પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે; આ રીતે જે બંધનું કારણ છે તે
જ મોક્ષનું ઘાતક છે–એવું શ્રદ્ધાન કરવું. શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા
શુભોપયોગ–અશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો. ××
વળી, કોઈ એમ માને છે કે શુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે;– હવે ત્યાં જેમ
અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય છે,–એમ જ
જો કારણ–કાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ પણ ઠરે; અથવા દ્રવ્યલિંગીને
શુભોપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે ત્યારે શુદ્ધોપયોગ હોતો જ નથી; તેથી વાસ્તવિકપણે એ બંનેમાં
કારણ–કાર્યપણું નથી. (જુઓ, મોક્ષમાર્ગપ્રકાશક પૃષ્ઠ રપ૯–ર૬૦)
આમ, વ્યવહારમૂઢ અજ્ઞાની જીવો મોક્ષના ઉપાય સંબંધી કોઈ ને કોઈ પ્રકારે મિથ્યા માન્યતા સેવતા
હોય છે, તેમાંથી કેટલાક પ્રકારો અહીં વર્ણવ્યા, અને યથાર્થ મોક્ષમાર્ગ સાધવા માટે મુમુક્ષુજીવે શું કરવું તે પણ
સાથે સાથે બતાવ્યું.
વ્યવહારમૂઢજીવ ધર્મબુદ્ધિથી શુભભાવને આચરીને સ્વર્ગમાં તો જશે પરંતુ સાથે મિથ્યા માન્યતાને
લીધે તેને સંસારભ્રમણ તો ઊભું જ રહેશે...અને મિથ્યાત્વની પ્રબળતા થઈ જતાં, અશુભભાવમાં જઈને
અનેકવિધ હલકી ગતિઓમાં પણ પરિભ્રમણ કરશે. માટે જેઓ આવા દુઃખમય સંસારભ્રમણથી છૂટવા ચાહે
છે–એવા આત્માર્થી જીવો યથાર્થ વસ્તુસ્વરૂપ સમજી, વ્યવહારનું અવલંબન છોડી, શુદ્ધાત્મસ્વરૂપનો આશ્રય
કરી મોક્ષમાર્ગને આરાધો.–એમ આચાર્યો– સંતોનો ઉપદેશ છે.