શુભપરિણતિને વશ રહેવું–તે પણ મોહનો જ પ્રકાર છે; જ્યાંસુધી મોહ હોય ત્યાંસુધી પૂર્ણ શુદ્ધઆત્માની પ્રાપ્તિ
ક્્યાંથી થાય? આમ સમજીને મુનિવરો શુદ્ધાત્માની પ્રાપ્તિ અર્થે મોહને મૂળમાંથી ઊખેડી નાંખવા માટે સર્વ
ઉદ્યમથી કટિબદ્ધ થાય છે, શુભપરિણતિને પણ છેદીને શુદ્ધાત્મા ઠરે છે.
અને તું તે શુભવડે શુદ્ધની પ્રાપ્તિ કરવાનું માને,–તો તે મુનિઓ કરતા તારી માન્યતા વિરુદ્ધ થઈ. જેના
અભિપ્રાયમાં જ શુભરાગનો આદર છે તે તો મોહને પુષ્ટ કરે છે તેને તો મહાદુઃખનું સંકટ એવું ને એવું છે.
અહીં તો કહે છે કે મોક્ષમાર્ગને આરાધનારા સંતોને પણ વચ્ચે જેટલી શુભપરિણતિ આવે તેટલું દુઃખ–સંકટ છે.
શુદ્ધોપયોગ જ સુખનું ધામ છે–માટે હે ભાઈ! તું શુદ્ધસ્વભાવ તરફ સાવધાન થા. કમ્મર કસીને તું મોહને
જીતવાનો ઉદ્યમ કર શુદ્ધોપયોગ પ્રત્યે જ ઉત્સાહ અને પ્રયત્ન કર. તે શુદ્ધોપયોગ વડે જ પરમઆનંદરૂપ
શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે.
અરહંતદેવનું સ્વરૂપ ઓળખતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ પણ તે જીવ ઓળખી લે છે. સર્વપ્રકારે શુદ્ધ એવા
ભગવાન સર્વજ્ઞદેવને ઓળખે અને શુદ્ધાત્માની પ્રાપ્તિનો પુરુષાર્થ ન ઊપડે એમ બને જ નહીં. અરે જોવો!
આત્માના સ્વરૂપને સાધવામાં ક્યાંય પ્રતિબંધ કરશો નહિ. તમારો પુરુષાર્થ ઉપાડીને ચાલ્યા જાઓ–આત્માના
સ્વભાવમાં! વચ્ચે રાગના પ્રતિબંધમાં અટકશો નહિ, ભવસ્થિતિનું કે કાળનું નામ લઈને પુરુષાર્થમાં પ્રતિબંધ
કરશો નહિ સ્વભાવનો પુરુષાર્થ કરનારને ભવસ્થિતિ પાકી જ ગઈ છે, તેનો મોક્ષનો કાળ નજીક આવી જ
ગયો છે આમાં જે જીવ શંકા કરે તેણે મોક્ષનો પુરુષાર્થ ઉપડ્યો જ નથી, અને સર્વજ્ઞભગવાનને પણ તેને
ઓળખ્યા નથી. ભગવાને પોતે પુરુષાર્થવડે ભવને છેદી નાંખ્યા છે, ને ભગવાનની વાણી પણ ભવછેદક છે,
ભવના છેદનો પુરુષાર્થ કરવાનો ઉપદેશ છે. આત્માના સ્વભાવનો પુરુષાર્થ કરે અને ભવનો છેદ ન થાય એમ
બને જ નહીં.