Atmadharma magazine - Ank 216
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA Regd. No. B 5669
અખૂટ ભંડાર
અચિંત્ય આત્મવૈભવ દેખાડીને વીતરાગી સંતોએ મહાન ઉપકાર કર્યો છે.
આત્માના ધ્રુવસ્વભાવ જ્ઞાન ને આનંદનો એવો અખૂટ ભંડાર છે કે
તેમાંથી જ્ઞાન–આનંદ નીકળ્‌યા જ કરે; ગમે તેટલા જ્ઞાન–આનંદ તેમાંથી કાઢો
છતાં ખૂટે નહિ કે ઘટે પણ નહિ. આત્માના ધ્રુવસ્વભાવમાંથી આનંદ પ્રગટ કરી
કરીને કરોડો–અબજો–અસંખ્ય વર્ષો સુધી તેનો ભોગવટો કર્યો, તો હવે
આત્મામાંથી આનંદ ખૂટી તો નહિ જાય ને!–એમ ધર્મીને શંકા નથી પડતી.
ધર્મી તો પોતાના ધ્રુવ સ્વભાવને અવલંબીને આનંદના ભોગવટામાં પડ્યા છે,
સ્વભાવની દ્રષ્ટિમાં તે એવા નિઃશંક છે કે સાદિ–અનંતકાળ સુધી સિદ્ધદશામાં
પરિપૂર્ણ આનંદ સમયે સમયે ભોગવ્યા જ કરીશ છતાં મારા સ્વભાવનો
આનંદ ખૂટશે નહિ–એવી મારા ધ્રુવસ્વભાવની અચિંત્ય તાકાત છે. અહો!
મારા દ્રવ્યનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે સમયે સમયે પરિપૂર્ણ જ્ઞાન–આનંદ
આપ્યા જ કરે છતાં અનંતકાળે પણ મારું સામર્થ્ય જરાય ઓછું ન થાય.
જુઓ, આ આનંદનો અખૂટ ભંડાર!!
એવો અખૂટ ભંડાર આત્મામાં ભરેલો છે કે તેમાંથી જ્યારે નિર્મળતા
કાઢવી હોય ત્યારે નીકળે, અને જેટલી કાઢવી હોય તેટલી નીકળે. અનાદિ
કાળથી મલિનતા કરી માટે હવે ચૈતન્ય ખાણમાંથી નિર્મળતા આપવાની શક્તિ
હણાઈ ગઈ–એમ નથી; નિર્મળતા આપવાની આત્મસ્વભાવની શક્તિ તો
એવી ને એવી પરિપૂર્ણ વર્તી જ રહી છે. જ્યારે અંતર્મુખ થઈને તેને પકડે ત્યારે
તેમાંથી નિર્મળતા પ્રગટે છે. પોતામાંથી નિર્મળતા આપી–આપીને દ્રવ્ય કદી
થાકી જાય કે નિર્મળપર્યાય આપતું અટકી જાય અથવા તો નિર્મળતા
આપવાની તેની શક્તિ ખૂટી જાય–એમ કદી બનતું નથી; દ્રવ્યની શક્તિ
રંચમાત્ર ઘટતી નથી. એક પર્યાય પલટીને બીજી, બીજી પલટીને ત્રીજી, ત્રીજી
પલટીને ચોથી, ચોથી પલટીને પાંચમી...એમ અનંતકાળ સુધી જ્ઞાન–આનંદથી
પરિપૂર્ણ પર્યાયો ધ્રુવસ્વભાવમાંથી લીધા જ કરો–લીધા જ કરો છતાં
ધ્રુવશક્તિનો ભંડાર જરાય ઘટતો નથી. અહા! આવી ધ્રુવશક્તિના ભંડાર
પોતાના આત્મસ્વભાવને જે પ્રતીતમાં લ્યે તે સાધક થઈ જાય, ને પોતાના ધ્રુવ
ભંડારમાંથી જ્ઞાન–આનંદમય નિર્મળપર્યાયોનો પ્રવાહ અખૂટપણે તેને ચાલ્યા
કરે. અહા, પોતાનો અખૂટ ભંડાર જેના હાથમાં આવી ગયો તે જીવને
બહારમાંથી–રાગમાંથી કે પરમાંથી–કાંઈ પણ લાભ લેવાની બુદ્ધિ સ્વપ્નેય કેમ
રહે? તે તો પોતાના અખૂટ આત્મ ભંડારમાંથી જ્ઞાન–આનંદ કાઢી કાઢીને તેને
ભોગવ્યા જ કરે.
વીગરાગી સંતોએ આવા અચિંત્ય આત્મવૈભવનો ખજાનો
દેખાડીને જગતના જીવો ઉપર પરમ ઉપકાર કર્યો છે.
દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક–પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગર.