Atmadharma magazine - Ank 216
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: : આત્મધર્મ : ૨૧૬
અજ્ઞાની તો શરીરાદિને જ આત્મા માનતો હોવાથી બાહ્ય વિષયોને પોતાના ઉપકારી માને છે...એટલે દેહાદિથી
ભિન્ન આત્મસ્વરૂપની ભાવના તે ભાવતો નથી. જ્ઞાની નિરંતર દેહાદિથી ભિન્ન આત્માને ભાવે છે.
અજ્ઞાની તો જડ–ચેતનને એક બીજા સાથે ભેળવી દે છે; આત્માથી વિલક્ષણ એવી જે મૂર્ત–પુદ્ગલોની
રચના–શરીર, વચન વગેરે–તેને તે આત્માના જ માને છે, પણ આત્મા તો પુદ્ગલથી ભિન્ન લક્ષણવાળો
ચૈતન્યસ્વરૂપ છે–તેનો બોધ તે કરતો નથી; એટલે જડમાં જ આત્મપણાની ભ્રાંતિને લીધે તેને ભિન્ન
આત્માની ભાવના હોતી નથી. જ્ઞાની વિલક્ષણદ્વારા જડ–ચેતનને ભિન્નભિન્ન જાણે છે, શરીર–વાણી વગેરે
જડની ક્રિયા સ્વપ્નેય તેને પોતાની ભાસતી નથી, ચૈતન્યસ્વરૂપ આત્માને જ તે પોતાનો સમજે છે.
ચૈતન્યસ્વભાવ સિવાય બીજા કોઈ પદાર્થોમાં સ્વપ્નેય પોતાપણાની ભ્રાંતિ તેને થતી નથી, એટલે પર્યાયે
પર્યાયે–ક્ષણે ક્ષણે ને કાર્યે કાર્યે તેને ભિન્ન આત્માની ભાવના વર્ત્યા જ કરે છે. કાંઈ ગોખી ગોખીને એ
ભાવના થતી નથી પણ અંદર ભેદજ્ઞાન પરિણમી ગયું છે તે ભેદજ્ઞાનના બળે સહજપણે ભિન્નપણાની
ભાવના સદાય વર્ત્યા જ કરે છે, આ ભેદજ્ઞાનના અભ્યાસના બળે વૈરાગ્ય અને ચારિત્રદશા પ્રગટ કરીને તે
જ્ઞાની અલ્પકાળમાં દેહથી અત્યંત ભિન્ન એવી ચારિત્રદશાને સાધે છે.
।। પ૪।।
* * *
આત્મસ્વરૂપને નહિ જાણનારો અને દેહાદિ બાહ્ય પદાર્થોમાં આત્મભ્રાંતિથી વર્તનારો અજ્ઞાની જીવ તે
બાહ્ય પદાર્થોને હિતકર માનીને તેમાં આસક્તચિત્ત રહે છે, પરંતુ જે પદાર્થમાં આસક્ત થઈને તેને તે હિતકર
માને છે તે કોઈ પણ પદાર્થ તેના હિતકર કે ઉપકારક નથી,–એમ હવેની ગાથામાં બતાવે છે:–
न तदस्तीन्द्रियार्थेषु यत् क्षेमंकरमात्मनः ।
तथापि रमते बालस्तत्रैवाज्ञानभावनात् ।। ५५।।
પાંચ ઈન્દ્રિયના વિષયોમાં એવો કોઈપણ પદાર્થ નથી કે જે આત્માને ક્ષેમકર હોય; તોપણ બહિરાત્મા
અજ્ઞાની જીવ અજ્ઞાનભાવનાને લીધે તેમાં જ રમણ કરે છે. જેમ બાળક હિત–અહિતના વિવેક વગર ગમે તે
પદાર્થમાં રમવા લાગે છે તેમ બાળક એવો અજ્ઞાની બહિરાત્મા હિત–અહિતના વિવેક વગર, સ્વપરના ભાન
વગર, બાહ્ય ઈન્દ્રિયવિષયોમાં સુખ માનીને તેમાં રમે છે, પણ જગતમાં એવો કોઈ ઈન્દ્રિયવિષય નથી કે જે
આત્માને સુખ આપે. તત્ત્વદ્રષ્ટિથી જોતાં ઈન્દ્રિયસુખ તે સુખ છે જ નહીંં, દુખ જ છે; કેમકે બંધનું કારણ છે,
આકુળતા ઉપજાવનાર છે, વિષમ છે, ક્ષણભંગુર છે, પરાધીન છે, વિઘ્નસહિત છે, સુખ તો તેને કહેવાય કે જે
આત્માધીન હોય–સ્વાધીન હોય, નિરાકુળ હોય, શાંત હોય, બંધન રહિત હોય, જેમાં અન્ય પદાર્થોની અપેક્ષા
ન હોય.–આવા સુખને અજ્ઞાની જાણતો નથી ને મૃગજળ જેવા બાહ્યવિષયોમાં સુખની આશાથી અનંતકાળથી
ભમે છે. બાપુ! એમાં ક્યાંય તારું સુખ નથી, ને એ કોઈ પદાર્થો તને સુખ દેવા સમર્થ નથી. ક્ષેમ કરનારો ને
સુખ દેનારો એવો તો તારો આત્મા જ છે. માટે પરથી ભિન્ન આત્માને જાણીને ભેદજ્ઞાનવડે દિન–રાત તેની જ
ભાવના કર. અજ્ઞાનભાવનાને લીધે દિનરાત બાહ્ય પદાર્થોની પ્રાપ્તિનું જ રટણ અજ્ઞાની જીવ કરી રહ્યો છે,
પરંતુ પરદ્રવ્ય કદી અંશમાત્ર આત્માનું થતું નથી, તેથી તેને માત્ર આકુળતા અને દુઃખનું જ વેદન થાય છે. જો
સ્વદ્રવ્યને પરથી ભિન્ન જાણીને, સ્વરૂપની પ્રાપ્તિના પ્રયત્નમાં લાગે તો અંતર્મુહૂર્તમાં તેની પ્રાપ્તિ થાય એટલે
કે નિરાકુળ સુખનો અનુભવ થાય. અહીં બહિરાત્માની પ્રવૃત્તિ બતાવીને તે છોડવાનો ઉપદેશ છે. અને
અંતરાત્માની પ્રવૃત્તિ બતાવીને તે પ્રગટ કરવાનો ઉપદેશ છે.
।। પપ।।
[વીર સં. ૨૪૮૨: અષાડ સુદ ૧૧ બુધવાર]
સમાધિશતક ગા. પ૬
અનાદિકાળથી આત્માના સ્વરૂપને જાણ્યા વગર અજ્ઞાની જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, તેમાં એક