Atmadharma magazine - Ank 217
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 27

background image
કારતક: ૨૪૮૮ : ૧૩ :
આવ્યા છે. ધર્માત્મા શ્રાવકો પોતાના સમ્યગ્દર્શનાદિ ધર્મને જાળવીને, મુનિઓને આહારદાન વગેરે દ્વારા
રત્નત્રયધર્મને ટકાવવાનું સાધન થાય છે તેથી ઉપચારથી તેને મુનિધર્મ ટકવાનો હેતુ પણ કહેવાય છે.
શાસ્ત્રકાર તો એમ પણ કહે કે, જે શરીરમાં રહીને મુનિઓ રત્નત્રયધર્મનું સાધન કરે છે તે શરીરની
સ્થિતિ આહારથી ટકે છે, માટે જેણે મુનિઓને આહારદાન દીધું તેણે રત્નત્રયધર્મને જ ટકાવ્યો. અને
આહારદાન દેનાર શ્રાવકને પણ મોક્ષમાર્ગની અનુમોદનાનો ભાવ છે કે અહા! આ મુનિવરો મોક્ષમાર્ગને
સાધી રહ્યા છે, આવો મોક્ષમાર્ગ જગતમાં સદાય ટકી રહો. આથી તે શ્રાવકે મોક્ષમાર્ગને ટકાવ્યો–એમ
કહ્યું. મોક્ષમાર્ગ તો શુદ્ધ આત્માના આશ્રયે જ ટકે છે, તે કાંઈ દેહ કે આહાર વગેરે નિમિત્તના આશ્રયે નથી
ટકતો. શ્રાવકને પણ તેનું ભાન છે. પણ શ્રાવકના આચાર બતાવવા ઉપચારથી એમ પણ કહેવાય કે જેણે
મુનિને આહાર આપ્યો તેણે મોક્ષમાર્ગ ટકાવી રાખ્યો. બંને પડખા બરાબર લક્ષમાં રાખીને જેમ છે તેમ
સમજવું જોઈએ.
દેવપૂજા અને દાન વગેરેને તો શ્રાવકના રોજેરોજના કર્તવ્યમાં ગણ્યા છે. જમવાના સમયે ધર્માત્માને
રોજ એમ ભાવના થાય કે અરે, કોઈ મોક્ષસાધક મુનિરાજ મારા આંગણે પધારે તો તેમને ભોજન કરાવીને
પછી હું જમું. અરે, આ પેટમાં કોળિયા પડે તેના કરતાં કોઈ મુનિરાજ–ધર્માત્માના પેટમાં કોળિયો જાય તો
મારો અવતાર સફળ છે! હું પોતે જ્યારે મુનિ થઈને કરપાત્રી બનું તે ધન્ય અવસરની તો શી વાત! પરંતુ
મુનિ થયા પહેલાં બીજા મુનિવરોના હાથમાં હું ભક્તિથી આહારદાન કરું તો મારા હાથની સફળતા છે.– આમ
રોજરોજ શ્રાવક મુનિઓને યાદ કરીને ભાવના ભાવે. અહીં મુખ્યપણે મુનિઓને આહારદાનની વાત કરી, એ
રીતે શાસ્ત્રદાન વગેરેનો તેમજ બીજા સાધર્મી–ધર્માત્મા શ્રાવકો પ્રત્યે પણ વાત્સલ્યપૂર્વક આહારદાન વગેરેનો
ભાવ આવે છે. શ્રાવક થયા પહેલાં અને સમ્યગ્દર્શન થયા પહેલાં ધર્મના જિજ્ઞાસુને પણ આવા પ્રકારના ભાવો
આવે છે એમ સમજી લેવું.
વળી કહે છે કે જિનમંદિર વગેરે ધર્મપ્રવૃત્તિનું મૂળ કારણ શ્રાવકો જ છે:–
संप्रत्यत्र कलौकाले जिनगेहे मुनिस्थितिः।
धर्मश्च दानमित्येषां श्रावका मूलकारणम्।।
६।।
આ વર્તમાન કળિકાળમાં ધર્માત્માશ્રાવકો ધર્મનું મૂળકારણ છે; તે ધર્મી ગૃહસ્થો જિનમંદિર બંધાવે
છે. જિનમંદિર હોય ત્યાં મુનિઓ આવીને વસે છે. તેમજ મુનિઓને ભક્તિથી આહારદાન આપીને
શ્રાવકો તેમને ધર્મસાધનમાં સ્થિત કરે છે; એ રીતે વીતરાગી દેવ–ગુરુના ભક્ત શ્રાવકો પણ નિમિત્ત
તરીકે ધર્મનું કારણ છે. પોતામાં પણ તે શ્રાવક સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની આરાધના વડે ધર્મની
સ્થિતિ કરે છે, અને નિમિત્ત તરીકે બહારમાં પણ ધર્મની સ્થિતિનું તે કારણ થાય છે; માટે એવા શ્રાવક
પણ પ્રશંસનીય છે.
દેશવ્રતઉદ્યોતની ૨૦મી ગાથામાં કહે છે કે...गुणवतां स्युः श्रावकाः सम्मताः અર્થાત્ ગુણવાન મનુષ્યો
વડે તે ધર્માત્મા શ્રાવકો સંમત છે–આદરણીય છે–પ્રશંસનીય છે, કેમકે, જ્યાં શ્રાવક લોકો રહે છે ત્યાં
જિનમંદિર હોય છે, જ્યાં જિનમંદિરો હોય છે ત્યાં મુનિવરો નિવાસ કરે છે અને ત્યાં ધર્મની પ્રવૃત્તિ રહે છે;
તેથી પ્રાણીઓના પાપસંચયનો નાશ થાય છે અને સ્વર્ગ–મોક્ષના સુખોની પ્રાપ્તિ થાય છે; માટે ગુણવાન
મનુષ્યો વડે ધર્માત્મા–શ્રાવકો અવશ્ય આદરણીય છે, સંમત છે, સજ્જનોએ અવશ્ય તેમનો આદરસત્કાર
કરવો જોઈએ.
(–ચાલુ)