બાળકોનું પાનું
દીપાવલી ઊજવીએ
ધર્મપ્રેમી બાલબન્ધુઓ, દીવાળીનું પર્વ આવ્યું...ભારત ભરમાં આપણે
સૌ દીવાળી આનંદથી ઉજવીએ છીએ, એને એક ઘણો જ ઉત્તમ ઉત્સવ ગણીએ
છીએ. પરંતુ, તમને ખબર છે–એ દીવાળીપર્વ આપણે શા માટે ઉજવીએ
છીએ? જો આપણે તે જાણીએ તો જ દીવાળીપર્વ ખરી રીતે ઉજવી શકીએ.
દીવાળી એ કાંઈ ફટાકડા ફોડવાનું પર્વ નથી, એ તો મોક્ષની ભાવનાનું મહાન
પર્વ છે.
આજથી ૨૪૮૭ વર્ષ પહેલાંની વાત છે. ત્યારે આપણા તીર્થંકર
ભગવાન શ્રી મહાવીર સ્વામી આ ભરત ભૂમિમાં વિચરતા હતા. દિવ્ય વાણી
વડે ઘણા ઘણા જીવોને ધર્મ પમાડીને છેવટે તેઓ પાવાપુરી નગરીમાં
પધાર્યા...ધનતેરશથી તેમની વાણી અટકી ગઈ... આસો વદ ૧૪ની પાછલ
રાતે તેઓ તેરમું ગુણસ્થાન છોડીને ૧૪મા ગુણસ્થાને પધાર્યા...પછી જરાક જ
વારમાં તેમનો આત્મા દેહ અને કર્મોથી મુક્ત થઈને મોક્ષ પામ્યો...ભગવાન
સિદ્ધ થઈને સિદ્ધાલયમાં બિરાજ્યા...મુક્તિ પામ્યાં.
તે વખતે ત્યાં ભારતદેશમાંથી ઘણા રાજાઓ આવ્યા હતા, ઈન્દ્રો વગેરે
દેવો પણ આવ્યા હતા; તે બધાએ મળીને ભગવાનની મુક્તિનો મહોત્સવ
ઉજવ્યો. ઉત્સવ તો ઘણા ઉજવાય છે–પણ આ તો મોક્ષનો મહોત્સવ! હજારો–
લાખો દીપકોની હારમાળા પ્રગટાવીને, અમાસના પરોઢીએ ઝગઝગતા પ્રકાશ
વચ્ચે એ ઉત્સવ ઊજવાયો તેથી તેનું નામ પડ્યું–“દીપાવલી મહોત્સવ!”
ભગવાન જ્યાંંથી મોક્ષ પામ્યા તે પાવાપુરી ધામમાં અત્યારે પણ
દરવર્ષે હજારો દીપકોની હારમાળા વચ્ચે એ દીપાવલી મહોત્સવ અદ્ભુત રીતે
ઊજવાય છે. એ દ્રશ્ય બહુ જોવા જેવું હોય છે.
ભગવાનની મુક્તિનો ખરો મહોત્સવ તો, ગુરુદેવે શીખડાવ્યું છે તે
રીતે, રત્નત્રયના દીવડાથી ઊજવાય છે. દીપાવલી પ્રસંગે આપણે રત્નત્રય
દીવડા પ્રગટાવવાની ભાવના કરવી જોઈએ. ગુરુદેવના આશીર્વાદથી આપણે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના દીવડા પ્રગટાવીને રત્નત્રય દીવડાવડે મોક્ષનો
મહોત્સવ ઊજવીએ...એનું નામ દીવાળી.