: ૨૦ : આત્મધર્મ : ૨૨૧
પલક્ષમાં શેઠ શ્રી ચુનીલાલ હઠીસંગ તરફથી આખા સંઘનું વાત્સલ્યભોજન રાખવામાં
આવ્યું હતું. બપોરે પ્રવચન પછી અદ્ભુત ભક્તિ થઈ હતી.
ગઈ કાલે (માહ વદ ૧૩ ને રવિવારે) ડો. ચીટનીસ સાહેબે તથા ડો. મનસુખભાઈ
શાહે ગુરુદેવની આંખ તપાસીને સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો, અને ડો. ચીટનીસ સાહેબે
કહ્યું હતું કે જમણી આંખ ડાબી આંખ કરતાં પણ વધુ સારું કામ કરી શકશે. આ રીતે
ગુરુદેવની બંને આંખોએ સંપૂર્ણ આરામ થવાથી સમસ્ત જિજ્ઞાસુ સમાજને હર્ષ થયો હતો.
અને ઘણી જ ચીવટપૂર્વક સફળતાથી આ કાર્ય કરી આપવા બદલ બંને ડોકટર સાહેબો
પ્રત્યે આભાર પ્રદર્શન કરવા માટે બપોરે સભા રાખવામાં આવી હતી. શરૂઆતમાં વિદ્વાન
ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે પોતાની સુમધુર શૈલીથી બંને ડોકટર સાહેબોનો પરિચય
આપીને આભાર માન્યો હતો. ત્યારબાદ પ્રમુખ સાહેબના હસ્તે ડો. ચીટનીસ સાહેબને
ચાંદીના વાસણોના સેટ ભેટ અપાયા હતા અને ડો. મનસુખભાઈએ બીજી કોઈ ચીજ ભેટ
લેવાની ના પાડતાં છેવટે પૂ. ગુરુદેવનો ફોટો (ચાંદીની ફ્રેમમાં) ભેટ આપવામાં આવ્યો
હતો. આભારવિધિના પ્રત્યુત્તરમાં ચીટનીસ સાહેબે કહ્યું કે પહેલાં તો હું અહીં એક પરાયા–
અજાણ્યા માણસ તરીકે આવ્યો હતો પરંતુ હવે હું પણ તમારામાંનો જ એક છું; અને આપ
સૌ મને તમારામાંનો જ એક ગણશો તો મને આનંદ થશે. ડો. મનસુખભાઈ શાહે પણ પૂ.
ગુરુદેવના સત્સમાગમનો લાભ લેવાની પોતાની ભાવના વ્યક્ત કરી હતી.
હાલમાં સોનગઢમાં (માહ વદ ૧૦ થી શરૂ કરીને) “અઢીદ્વીપ મંડલવિધાન” નું
પૂજન ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું છે. આ મંડલવિધાનમાં અઢીદ્વીપના જિનાલયોનું, તેમજ
અઢીદ્વીપની ત્રીસ ચોવીસીના તીર્થંકર ભગવંતોનું (પાંચ ભરત, પાંચ ઐરાવત એ દસ
ક્ષેત્રની ભૂત–વર્તમાન–ભાવિ ચોવીસીના તીર્થંકર ભગવંતોનું) અને વિદેહક્ષેત્રના તીર્થંકરો
વગેરેનું પૂજન છે. આ પૂજનવિધાન પૂ. બેનશ્રી ચંપાબેન તથા પૂ. બેન શાંતાબેન તરફથી
કરાવવામાં આવ્યું છે.
સોનગઢ જિનમંદિરમાં એક સુંદર ચાંદીની ગંધકૂટી રથયાત્રા તેમજ અભિષેક માટે
ભેટ આપવામાં આવેલ છે.
* * * * * *
ફાગણ વદ ૯ ના રોજ ભગવાન શ્રી આદિનાથ ઋષભદેવ તીર્થંકરના
જન્મકલ્યાણકનો દિવસ છે. ભારતભરના જૈનસમાજમાં આ દિવસ ચૈત્રસુદ તેરસની માફક
ઊજવવાનું શરૂ થયું છે.
આવતા ચૈત્ર માસમાં સોનગઢના માનસ્તંભની પ્રતિષ્ઠાને દસમું વર્ષ બેસે છે. આ
પ્રસંગે મોટો મંચ બાંધીને માનસ્તંભનો મહા અભિષેક કરવાનું નક્કી થયું છે. જેમ
બાહુબલી ભગવાનનો દર બાર વર્ષે મહા મસ્તક અભિષેક ઘણા મોટા ઉત્સવપૂર્વક થાય છે
તેમ આ ગગનવિહારી માનસ્તંભ ભગવાનનો દસવર્ષિય મહા અભિષેક પહેલી જ વાર
ઘણા ઉલ્લાસપૂર્વક થશે....ને ઠેઠ ઉપર જઈને માનસ્તંભની યાત્રા કરતાં આનંદ થશે.
* * * * * *
ફાગણ સુદ ૮ થી ૧પ સુધી નંદીશ્વર અષ્ટાહ્નિકા પર્વ છે.
* * * * * *
માહ વદ ૧૪ થી પૂ. ગુરુદેવના બંને વખતના પ્રવચનો તેમજ રાત્રિચર્ચા અને
ભક્તિ વગેરે કાર્યક્રમો નિયમિત ચાલી રહ્યા છે. સવારે પ્રવચનમાં મોક્ષમાર્ગ પ્રકાશક
વંચાય છે. બપોરે સમયસાર–સંવર અધિકાર વંચાય છે.