–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૬) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (ચૈત્ર : ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
* મ.....હા.....વી......ર *
(બ્ર. હરિલાલ જૈન)
ચૈત્ર સુદ તેરસ......અંતિમ તીર્થંકરના જન્મકલ્યાણકનો મંગલ દિવસ. વિશ્વને જેણે સન્દેશ આપ્યો–
આત્મહિતના વીરમાર્ગનો, ને ધર્મની વૃદ્ધિ કરી.....એમનું મૂળ નામ વર્દ્ધમાન. આત્મ–સાધના વૃદ્ધિગત કરતા
કરતા તેઓ મહાવીર થયા.
ન લલચાયા તેઓ સંસારના કોઈ વૈભવથી.....કે ન ડર્યા તેઓ જગતની કોઈ પ્રતિકૂળતાથી; હા તેઓ
લલચાયા ખરા–ચૈતન્યના આનંદના અતીન્દ્રિય સ્વાદમાં, અને તેઓ ડર્યા–આ અસાર સંસારના
ભવભ્રમણથી.–અને છતાં તેઓ ‘વીર’ હતા....સામાન્ય વીર નહિ પણ મહાવીર હતા. વીતરાગી વીરતાવડે
રાગાદિ શત્રુઓને અત્યંતપણે જીતીને તેઓ વિજેતા હતા–જિન થયા.....અને તેઓશ્રીએ જગતને હાકલ કરી
વીરતાના માર્ગની. એ વીરહાક સુણીને અનેક ભવ્યો જાગ્યા....ગૌતમ જેવા ગણધર જાગ્યા.....ને શ્રેણીક જેવા
રાજવી જાગ્યા....ચંદનાસતી જેવી બહેનો જાગ્યા ને અભય જેવા રાજકુમારો પણ જાગ્યા.
એવા વીર પ્રભુના મંગલજન્મનો કલ્યાણકારી દિવસ ચૈત્ર સુદ તેરસે ભારતના ભક્તો આનંદથી
ઊજવશે.
સામાન્ય ભક્તજનતા તો માત્ર ચૈત્ર સુદ તેરસ જેવા દિવસોએ જ વીરપ્રભુનું સ્મરણ અને ગુણગાન
કરશે; પરંતુ ધર્માત્મા સમ્યગ્દ્રષ્ટિ જીવોએ તો આત્માના અસંખ્ય પ્રદેશોમાં વીરત્વ પ્રગટ કરીને–વીરપ્રભુને
અંતરમાં અભેદભાવે પધરાવ્યા છે. એટલે માત્ર ચૈત્ર સુદ તેરસે નહિ પણ સદાય–પ્રત્યેક ક્ષણે ને પ્રત્યેક સમયે
તેમના આત્મામાં વીરનાથનો મહિમા અને ગુણગાન કોતરાયેલા છે. એ રીતે આત્મધામમાં વીરપ્રભુને
બિરાજમાન કરીને વીરમાર્ગે તેઓ પ્રયાણ કરી રહ્યા છે–તેઓ છે ખરા ‘વીરપુત્ર!’
–એવો વીરમાર્ગે પ્રયાણનો એક ધન્ય પ્રસંગ ચૈત્રસુદ તેરસે સં. ૧૯૯૧માં બન્યો.....એ દિવસે
સોનગઢમાં પૂ. શ્રી કહાનગુરુએ સંપ્રદાય પરિવર્તન કરીને મહાવીરના શુદ્ધ દિગંબરમાર્ગે વીરતાપૂર્વક પ્રયાણ
કર્યું. તેમણે દરકાર ન કરી લોકાપવાદની, કે દરકાર ન કરી હજારો લાખો માનનારાઓની. એક જ દરકાર હતી
તેમને કે બસ, મારે તો વીરપ્રભુનો માર્ગ જોઈએ....જે પંથે વીરપ્રભુએ આત્મકલ્યાણ સાધ્યું–તે જ પંથ મારે
જોઈએ. અને તેમણે વીરમાર્ગના સત્યપંથની વીરહાક સુણાવી. એ વીરહાક સુણતાં જ હજારો જિજ્ઞાસુઓ
વીરની વાટે દોડી આવ્યા. સુનો પડેલો વીરમાર્ગ ફરીને આનંદ ભરેલા કોલાહલથી શોભી ઊઠયો....ને
વીરમાર્ગ પ્રકાશક કહાનગુરુના જયજયકારથી ભારત ગાજી ઊઠયું.
( “સુવર્ણ સન્દેશ” માંથી સાભાર)
* * * * * * *