ATMADHARMA Regd. No. G.82
---------------------------------------------------------------------------------------
મોક્ષસ્વભાવનું ગ્રહણ
અને સંસારનો ત્યાગ
આત્મામાં અનંત અપૂર્વ પુરુષાર્થથી કેવળજ્ઞાન પ્રગટ કરવાની
શરૂઆત સમ્યગ્દર્શનની જ થાય છે. પૂર્ણતાને લક્ષે તે શરૂઆત થાય છે.
પરાશ્રય વિનાનો પૂર્ણજ્ઞાનાનંદસ્વભાવી છું એવો નિશ્ચય હોવા છતાં
ચારિત્રમાં અસ્થિરતાથી પુણ્યપાપની વૃત્તિ ઊઠે પણ તેનો દ્રષ્ટિમાં નકાર
વર્તે છે. પરમાં ઠીક અઠીક માનીને અટકવાનો મારો સ્વભાવ નથી.
એકરૂપ અસંગપણે જાણવું તે મારો સ્વભાવ છે એમ જ્ઞાની માને છે.
જેમ અરિસાની સ્વચ્છતામાં અગ્નિ, બરફ, વિષ્ટા સુવર્ણ પુષ્પાદિ
દેખાય છતાં અરીસાને તેનાથી કાંઈ વિકૃતિ થતી નથી અનેક ચીજો
અનેકપણે દેખાય તે તેની સ્વચ્છતા છે. ઉપાધી નથી; તેમ મારા જ્ઞાન
દર્પણની સ્વચ્છતામાં પર પદાર્થ જણાય પણ તે આત્મામાં ગુણ–દોષ
કરાવવા સમર્થ નથી.
જ્ઞાયક આત્મા કોઈ સંયોગમાં, કોઈ પણ ક્ષેત્ર–કાળમાં પોતાના
સ્વભાવને છોડનાર નથી. ધુ્રવ સ્વભાવમાં ઉણપ, વિભાવ અને સંયોગ
હોતાં નથી. અખંડ સ્વભાવના આશ્રયથી નિર્મળ પર્યાય પ્રગટે છે.
નવતત્ત્વની શ્રદ્ધા આદિના શુભ વિકલ્પ આવે તે મોક્ષમાર્ગમાં મદદગાર
નથી. બાહ્યદ્રષ્ટિ–વ્યવહારદ્રષ્ટિથી જોતાં પર નિમિત્તાદિના ભેદ દેખાય છે.
અંતરદ્રષ્ટિમાં અભેદજ્ઞાયકસ્વરૂપ અસંગ આત્મા દેખાય છે. તેના આશ્રય
વડે જ મોક્ષસ્વભાવનું ગ્રહણ અને બંધનના કારણરૂપ આસ્રવનો ત્યાગ
થાય છે.
જેટલા અંશે સ્વને ચૂકે છે પરાશ્રયનું જોડાણ કરે છે તેટલા અંશે
શુભાશુભ ભાવ થાય છે તેનાથી રહિત ત્રિકાળી એકરૂપ ધુ્રવ જ્ઞાયક
ભાવને આત્મા કહ્યો છે.–મલિન આસ્રવોને આત્મા કહ્યો નથી. પૂર્ણ
સ્વતંત્ર જ્ઞાયકસ્વભાવનું જેને માહાત્મ્ય આવ્યું તેને દુનિયાદારીના મલાવા
અંતરથી છૂટી જાય છે. તું રુચતાં જગતની રુચિ આળસે સૌ દેહાદિ કોઈ
સંયોગમાં તેને મહત્તા દેખાતી નથી. અનિત્ય સ્વાંગ જોઈને મુંઝાતો નથી.
જેણે ત્રિકાળ જ્ઞાયકના લક્ષે અહંકાર–મમકાર અને પરાશ્રયનો સ્વિકાર
કરનારી નિમિત્તાધીનદ્રષ્ટિ છોડી તેણે સંસારભાવ છોડયો અને પૂર્ણ
સ્વતંત્ર મોક્ષસ્વભાવને ગ્રહણ કર્યો.(સમયસાર ગા૦ ઉપરના પ્રવચનોમાંથી)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી પ્રકાશક અને મુદ્રક:– હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ ભાવનગર