ચૌદ કુમારી બેનો શ્રી જિનમંદિરમાં પૂજા કરી રહી છે. મૂળનાયક શ્રી સીમંધર ભગવાનની અષ્ટ
દ્રવ્ય વડે પૂજા કરતાં નીચે મુજબ ભાવના ભાવે છે.
(૧) જલ પૂજા:– હે નિર્મળ ભગવાન! આપ જન્મ–જરા–મૃત્યુના મેલનો નાશ કરી નિર્મળ થયા
છો. જેવી રીતે જલ મળનો નાશ કરે છે, તેવી રીતે આપની જલ પૂજા કરીને મારા આત્માની પર્યાયમાં
રહેલો વિકારરૂપી મળ નાશ પામો અને જન્મ જરા અને મૃત્યુ નાશ પામો–એમ ભાવના કરું છું.
(૨) ચંદન પૂજા:– હે શાંતમૂર્તિ ભગવાન! આપ પરમ શાંત દશાને પામ્યા છો, ભવ તાપ નાશ
કરી, જેવી રીતે લોકમાં ચંદન દાહના રોગ ઉપર શીતલતા કરે છે, તેમ ભવ આતાપ રૂપી રોગ
મટાડવા, અને સાચી શાંતિ પ્રગટ કરવા ચંદન વડે આપની પૂજા કરું છું.
(૩) અક્ષત પૂજા:– હે અક્ષય નિધિ ભગવાન! આપ અક્ષય પદને પામ્યા છો. જેમ ચોખાનો
દાણો અખંડિત હોય છે, તેમ અખંડિત અક્ષય (મોક્ષ) પદની પ્રાપ્તિ અર્થે અક્ષતથી આપની પૂજા કરું
છું.
(૪) પુષ્પ પૂજા:– હે વીતરાગી જિનેન્દ્રદેવ! કામબાણનો નાશ કરીને આપ વીતરાગ થયા છો,
તેથી મારામાં રહેલા કામ વિકારને નષ્ટ કરવા માટે પુષ્પથી આપની પૂજા કરું છું.
(પ) નૈવેદ્યપૂજા:– હે અનાહારી પરમાત્મા! આપ અનાહારી પદ પામ્યા છો. જીવનનું સ્વરૂપ
અનાહારી છે, પણ અનાદિથી ક્ષુધારૂપી રોગ લાગુ પડ્યો છે, તે નાશ કરવા માટે ને અનાહારી પદની
પ્રાપ્તિ અર્થે નૈવેદ્યથી આપની પૂજા કરું છું.
(૬) દીપ પૂજા:– હે કેવળજ્ઞાની પરમાત્મા!–આપનું કેવળજ્ઞાન મોહ અન્ધકાર રહિત છે. હું પણ
કેવળજ્ઞાનની ભાવના અર્થે અને મોહ અંધકારનો નાશ કરવા માટે દીપથી પૂજા કરું છું.
(૭) ધુપ પૂજા:– હે પરમાત્મા! જેમ આપે ધ્યાન અગ્નિ વડે કર્મોને ભસ્મ કર્યાં છે, તેમ હું ધ્યાન
અગ્નિ વડે ભાવકર્મ અને નિમિત્તરૂપે અષ્ટ દ્રવ્યકર્મરૂપી મેલ નાશ કરવા માટે ધૂપ વડે આપની પૂજા કરું
છું.
(૮) ફલ પૂજા:– હે મોક્ષ સ્વરૂપ પરમાત્મા! આપ રત્નત્રયના ફલરૂપે મોક્ષને પામ્યા છો. પરમ
પવિત્ર મોક્ષ ફલની પ્રાપ્તિ અર્થે ફળથી આપની પૂજા કરું છું.
અર્ધ પૂજા–હે સીમંધરાદિ જિનેન્દ્ર ભગવંતો! આપના ચરણ કમલની સેવા મન–વચન–કાયાથી
કરું છું. હે કરુણા નિધિ! ભવનાં દુઃખ મટાડવા આપના ચરણ પૂજું છું. અમૂલ્ય પદ (મોક્ષ પદ) પ્રાપ્ત
કરવા માટે અર્ધથી આપની પૂજા કરું છું.
ત્યારપછી ઉત્તમ ક્ષમા ધર્મની અષ્ટ પ્રકારી પૂજા કરી હતી. પર પદાર્થની તથા પુણ્યની રુચિ
છોડી, સ્વભાવની રુચિ કરવાથી અનંતાનુબંધીનો ક્રોધ નાશ પામે છે, ને સમ્યગ્દર્શન રૂપ જઘન્ય
ક્ષમાધર્મની શરૂઆત થાય છે. ને અંતર સ્વભાવમાં વિશેષ ચારિત્ર દશા થતાં, પ્રતિકૂળ સંયોગોમાં
અથવા કોઈ પ્રત્યે વૈરવૃત્તિ અથવા ક્રોધ ઉત્પન્ન થવા ન દેવો, ને ક્ષમા સાગર ભગવાન આત્મામાં
સ્થિરતા કરવી, તે ઉત્તમ ક્ષમા છે. આવા ભાનવાળાને ક્ષમાનો શુભરાગ આવે, તે વ્યવહાર ક્ષમા છે.
આવી ઉત્તમ ક્ષમા આભૂષણમાં સાર રૂપ છે. તે પહેરવાથી ભવ્ય જીવ ભવસાગરથી પાર ઊતરે છે.
એમ ક્ષમાનું સ્વરૂપ સમજીને, ક્ષમા ધર્મની પૂજા કરી હતી, ને પોતામાં એ ધર્મ પ્રગટો એવી ભાવના
ભાવી હતી.