ATMADHARAM Reg. No. G 82
પ્રભુતા ભૂલી પામર થયો, નિજ હત્યામાં રાચી રહ્યો.
શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનું શાસનમાં કહે છે કે,
હે ભોળા પ્રાણી! તેં આ પર્યાય પહેલાં સર્વ કાર્ય “अजाकृपाणोयवत्” કર્યાં. કોઈ મનુષ્ય
બકરીને મારવા માટે છરી ઈચ્છતો હતો–પણ બકરી એજ પોતાની ખરીથી પોતાના નીચે દટાયેલી છરી
કાઢી આપી, જેથી તેજ છરીથી તે મૂર્ખ બકરીનું મરણ થયું, તેમ જે કાર્યોથી તારો ઘાત થાય–બુરું થાય
તેજ કાર્ય તેં કર્યું, ખરેખર તું હેય ઉપાદેયના વિવેકથી રહિત મૂર્ખ છે.
ઘાત શું અને જીવન શું તેના ભાન વિના જીવો પોતાની જ મૂર્ખતા વડે પોતાનો જ ઘાત
કરે છે. જેમ પોતે જ પોતાના નીચે દટાયેલી છરી કાઢીને ધરવી એ જેમ બકરાને માટે સ્વઘાતક
કાર્ય છે, તેમ આ મનુષ્ય પર્યાયમાં તને જે કંઈ વિષયાદિ સેવનથી સુખજેવું ભાસે છે, અને તેથી તું
એમ માની રહ્યો છે કે આ સુખઅવસ્થા મારી આમ સદાય બની રહેશે, એમ સમજી નિશ્ચિંત થઈ
રહ્યો છે, પણ એ ભરોસે નિશ્ચિંત રહેવું તને યોગ્ય નથી. તારો એ વિચાર તને જ ઘાતરૂપ છે, તેનું
તને લેશ ભાન છે? એ વિષયાદિ સેવનમાં સુખ નથી જ, સુખાભાસ માત્ર છે અને તે પણ ક્ષણિક
છે એમ જાણી તેની લુબ્ધતામાં અજ્ઞાન વડે આ અમૂલ્ય માનવ જીવનનો હીન ઉપયોગ ન કર!
એથી તારો જ ઘાત થાય છે તે વિચાર! પોતાના ઉપયોગને પોતે જ મલિન કરી પોતાના જ શુદ્ધ
જ્ઞાન, દર્શન, સુખાદિ ભાવ–પ્રાણનો નાશ કરી આનંદ માણવો એ પેલા બકરા જેવું સ્વઘાતક કાર્ય
નહીં તો બીજું શું? પર દ્રવ્યથી પોતાનું ભલું બૂરૂં થવા માનીને, પરને ઈષ્ટઅનિષ્ટમાનીને, પોતાના
જ્ઞાન દર્શનમય ઉપયોગને બગાડી રહ્યો છે. આવાં નિરંતર ભાવમરણને જીવન માને, તેમાં
આનંદમાને એ ઘેલછા નહિં તો બીજું શું છે?
જૈન ધર્મની વિશેષતા.
વિદેશી અનેક ધર્મોનો અભ્યાસ કરીને, ભારતીય દર્શનોના અધ્યયન–અભ્યાસ કરવાવાળા
જર્મન વિદ્વાને જૈન દર્શનના પ્રકાન્ડ વિદ્વાન પંડિતજી ફુલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી (વારાણસી) પાસે જઈને
પ્રશ્ન પૂછ્યો, શાસ્ત્રીજી! જૈન દર્શનમાં એવી શું વિશેષતા છે કે જેથી આપ તેનું અલગ અસ્તિત્વ રાખવા
માગો છો? અહિંસા આદિ તો અનેક ધર્મોમાં હોય છે, માટે આપ જૈનોએ કોઈ વિશાળકાય ધર્મમાં
ભળી જવું જોઈએ અથવા જૈનધર્મની એવી વિશેષતા બતાવવી જોઈએ કે જે અન્ય દર્શનોમાં ન મળી
શકે!
શાસ્ત્રીજીએ કહ્યું કે “મહોદય! અહિંસા આદિ તો ધર્મનું સામાન્ય શરીર છે, પણ જૈન ધર્મનો
આત્મા (જૈનધર્મનું સ્વરૂપ) તો આ બે વિશેષતાઓમાં છે– (૧) સ્વાવલંબન અને (૨) વ્યકિત
સ્વાતંત્ર્ય, અર્થાત્ ભેદ વિજ્ઞાનમય તત્ત્વજ્ઞાન દ્વારા પોતાના જ બળ ઉપર દરેક આત્મા પરમાત્મા બની
શકે છે.” આમ જર્મન વિદ્વાને જૈનધર્મની વિશેષતા જાણીને બહુ પ્રસન્નતા બતાવી.
(સન્મતિ – સંદેશમાંથી)
____________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર.