આત્મધર્મઃ૪૩:
(શ્રી જૈન સ્વા. મંદિર ટ્રસ્ટના માનનીય પ્રમુખશ્રી નવનીતલાલભાઈ
સી. ઝવેરી (જે. પી.) તરફની આ જન્મોત્સવ અંક માટે મળેલ ભાવભીનો
અભિનંદન સંદેશ અહીં રજુ કરવામાં આવ્યો છે. ચાલીસ ચાલીસ વર્ષના
તૃષાતૂર એક તત્ત્વજિજ્ઞાસુ જીવના અંતરમાંથી ગુરુદેવ પ્રત્યે ઊઠતી આ
લાગણી સૌને જરૂર પ્રમોદિત કરશે.)
પરમ પૂજ્ય ગુરુદેવના સંપર્કમાં આવ્યાને મને માત્ર ત્રણચાર વર્ષ થયા,
છતાં અત્યાર સુધીની જિંદગીમાં જૈનધર્મનું સત્ય તત્ત્વજ્ઞાન–કે જેને જાણવા માટે
લગભગ ચાલીસ વર્ષની તૃષા હતી, અને જે તૃષા અનેક પ્રયાસો છતાં છીપતી
ન હતી તે આટલા ટૂંક સમયમાં પૂજ્ય ગુરુદેવની વીતરાગી રસઝરતી ને
સ્વસન્મુખતા તરફ પ્રેરતી વાણીથી છીપી. આજે સ્વ અને પરના ભેદવિજ્ઞાન
પર દ્રષ્ટિ આગળ ને આગળ ધપે છે. જૈન ધર્મના આટલા ગૂઢ સિદ્ધાંતો–કે જે
સિદ્ધાંતોનું આલેખન હજારો શાસ્ત્રોમાં થયું છે, અને જે સિદ્ધાંતો માટે એમ
કહેવામાં આવે છે કે જ્યાં બીજા ધર્મના સિદ્ધાંતો પૂરા થાય છે ત્યાં જૈન ધર્મના
સિદ્ધાંતોની શરૂઆત થાય છે–તેવા સિદ્ધાંતોને, અને ગહનમાં ગહન સિદ્ધાંતગ્રંથ
પરમ પૂજ્ય કુંદકુંદાચાર્યરચિત શ્રી સમયસારજી–કે જેમાં “ભાવો બ્રહ્માંડના
ભર્યા” છે તે ગ્રંથને, છેલ્લા ત્રણસો વર્ષ પછી આ કાળમાં સહેલામાં સહેલી શૈલી
અને ભાષામાં વિશ્વસમક્ષ મૂકનાર કોઈ ઉચ્ચ વ્યકિત હોય તો તે પૂજ્ય ગુરુદેવ
છે. તેઓશ્રીના ૭૪ મા મંગળ જન્મોત્સવ પ્રસંગે લાખલાખ ભાવભીના
અભિનંદનપૂર્વક પ્રાર્થના કરું છું કે હે ગુરુદેવ! આપે દર્શાવેલા અંતરના
સ્વસન્મુખમાર્ગમાં ગતિ કરવાની શક્તિ આપની છાયામાં શીઘ્ર પ્રાપ્ત થાઓ.