Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 53

background image
આત્મધર્મ : ૩ :
મંગલ જન્મોત્સવ અંક
પૂ. ગુરુદેવની મંગલછાયમાં ‘આત્મધર્મ’ માસીકને આજકાલ કરતાં ૨૦ વર્ષ
થવા આવ્યા. સં. ૧૯૯૯ ના અસાડ સુદ બીજે રાજકોટમાં પૂ. ગુરુદેવના દર્શને આવ્યા
બાદ, એક આકસ્મિક સુયોગ બન્યો ને મને પૂ. ગુરુદેવ જેવા સંતના ચરણસાન્નિધ્યનું
સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. અને સાથે સાથે ‘આત્મધર્મ’ ના લેખનાદિ દ્વારા દેવ–ગુરુની ને
જિનવાણી માતાની ભક્તિનો પણ સુયોગ મળ્‌યો. એ કાર્યદ્વારા ગુરુદેવની ચૈતન્યસ્પર્શી
વાણીના રટણ વડે મારા આત્માર્થને પોષણ મળતું રહ્યું. એ રીતે ગુરુદેવનો મારા
જીવનમાં મોટો ઉપકાર છે. જેમ ૨૦ વર્ષથી મારું જીવન ગુરુદેવના ચરણમાં પોષાયેલું છે
તેમ ‘આત્મધર્મ’ સાથે પણ સંકળાયેલું છે. એટલે આ વૈશાખ માસથી ‘આત્મધર્મ’ ને
પુન: સંભાળતાં આત્મધર્મના વાંચક સાધર્મીઓનો સમૂહ અને તેમની પ્રેમાળ લાગણી
અત્યારે મારા હૃદયમાં વત્સલતાની ઉર્મિનું આંદોલન જગાડે છે. સર્વે સાધર્મીઓના
સ્નેહભર્યા સહકારથી ‘આત્મધર્મ’ દિનપ્રતિદિન વિકાસ પામશે એવી આશા છે.
જિજ્ઞાસુઓમાં આત્માર્થીતા જાગે ને તેની પૃષ્ટિ થાય, સર્વત્ર વાત્સલ્યનું
વાતાવરણ ફેલાય અને દેવગુરુ ધર્મની પ્રભાવના વિસ્તરે એવા ઉદ્વેશપૂર્વક આત્મધર્મનું
સંચાલન થાય છે. આત્માનો અર્થી થઈને આત્માને સાધવા નીકળેલો જીવ આખા
જગતને વેચીને પણ આત્માને સાધશે, એટલે જગતની કોઈ અનુકૂળતામાં તે રોકાશે
નહિ કે જગતની કોઈ પ્રતિકૂળતાથી તે ડરશે નહિ. આત્માને સાધવો એ જ જેનું
પ્રયોજન છે, મુમુક્ષુતા જેના હૃદયમાં જીવંત છે, આત્મકલ્યાણની સાચી બુદ્ધિ જેના
અંતરમાં જાગી છે એવો આત્માર્થી જીવ આત્માને સાધવાના ઉપાયોને જ આદરે છે ને
આત્મહિતમાં વિઘ્ન કરનારા માર્ગોથી પાછો વળે છે. આ છે તેની આત્માર્થી તા. –આવા
આત્મસાધક–આત્મશોધક જીવને બીજા આત્માર્થી જીવો પ્રત્યે–ધર્માત્મા પ્રત્યે–ધર્માત્મા
પ્રત્યે કે સાધર્મીજનો પ્રત્યે સહેજે અંતરગત વાત્સલ્યની ઉર્મિ જાગે છે... અને આત્માને
સાધનારા તથા તેને સાધવાનો પંથ બતાવનારા શ્રી દેવ–ગુરુ–શાસ્ત્રની સેવામાં તેનું
હૃદય અર્પાયેલું હોય છે. આ રીતે આત્મર્થીતા, વાત્સલ્ય અને દેવગુરુધર્મની સેવા એ
મુમુક્ષુજીવનનો સાર છે અને તેનો પ્રસાર કરવો એ ‘આત્મધર્મ’ નો ઉદ્વેશ છે, ગુરુદેવની
મંગલછાયામાં સર્વે સાધર્મીબન્ધુઓના સહકારથી એ ઉદ્દેશ સફળ થાઓ, એ જ
અભ્યર્થના.
––બ્ર. હરિલાલ જૈન