Atmadharma magazine - Ank 242-243
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 37

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
પોન્નૂરનું અભિનન્દનપત્ર
સં. ૨૦૧પ માં દક્ષિણદેશની તીર્થયાત્રા દરમિયાન અનેક શહેરોની જૈન જનતા
તરફથી પૂ. ગુરુદેવને અભિનંદનપત્રો અર્પણ થયા હતા. આ બધા અભિનંદનપત્રો
આત્મધર્મમાં પ્રગટ કરવાનું નક્કી થયેલું, તે અનુસાર ૨૬ જેટલા અભિનંદનપત્રો
અત્યારસુધીમાં પ્રગટ થયા છે; બાકીનાં પણ ક્રમશઃ પ્રગટ થશે. દક્ષિણ–તીર્થધામોની
યાત્રામાં કુંદકુંદપ્રભુની પાવન તપોભૂમિ પોન્નૂરની યાત્રાથી ગુરુદેવને ઘણો જ પ્રમોદ
થયો હતો. આજે પણ અવારનવાર તેઓશ્રી પોન્નૂરને ઘણા જ ભક્તિભાવપૂર્વક યાદ કરે
છે–જાણે કે અત્યારે જ કુંદકુંદાચાર્યદેવ ત્યાં વિચરતા દેખાતા હોય!! ગુરુદેવ જ્યારે
પોન્નૂરયાત્રાનું ભાવભીનું વર્ણન કરે છે ત્યારે મુમુક્ષુ શ્રોતાઓની નજરસમક્ષ
કુંદકુંદાચાર્યદેવનો તાદ્રશ ચિતાર ખડો થઇ જાય છે. જેમ આપણને ગુરુદેવ સાથે એ
પાવનભૂમિની યાત્રાથી મહાન આનંદ થયો, તેમ એ તામિલદેશના જૈનસમુદાયને પણ
કુંદકુંદાચાર્યદેવના મહાન ઉપાસક એવા કાનજીસ્વામીને પોતાના દેશમાં પધારેલા જોઇને
ઘણો જ આનંદ થયો હતો . તામિલ અને ગુજરાતી એકબીજાની ભાષા સમજ્યા વગર
પણ ગુરુદેવ પ્રત્યે કેટલો મહાન પ્રેમ ત્યાંના સમાજે બતાવ્યો છે તે તેઓએ આપેલા
અભિનંદનપત્રમાં દેખાઇ આવે છે–જે વાંચતા આજે પણ આપણને આનંદ થાય છે અને
જાણે કે એ દેશ સાથે આપણો ચિરપરિચિત સંબંધ હોય એવી ઉર્મિઓ ઉદ્ભવે છે.
ગુરુદેવ પોન્નૂર પધાર્યા ત્યારે (તા. ૧૪–૩–પ૯ના રોજ) એક જ દિવસમાં છ
અભિનંદનપત્ર ત્યાંના જૈનસમાજે અર્પણ કર્યા હતા. તેમાંથી પોન્નૂર–જૈનસમાજદ્વારા
તામિલભાષામાં અપાયેલા એક અભિનંદનપત્રનો ગુજરાતી અનુવાદ અહીં (સામા
પાને) પ્રગટ કરવામાં આવ્યો છે. (તામિલભાષાના અભિનંદનપત્રનો નમુનો જોવો
હોય તેમણે આત્મધર્મ અંક ૧૯૯ માં જોઇ લેવો.)