Atmadharma magazine - Ank 242-243
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 37

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૧ઃ
સાચો પુરુષાર્થ કદી નિષ્ફળ જતો નથી
જીવ અંતરના ખરા અભ્યાસવડે પ્રયત્ન કરે તો ઉત્કૃષ્ટ છ મહિનામાં જરૂર
આત્માનો અનુભવ અને સમ્યગ્દર્શન થાય.–એ સાંભળીને એક વ્યક્તિએ પૂછયું કે અમે
પુરુષાર્થ તો ઘણો કરીએ છીએ પણ સમ્યગ્દર્શન થતું નથી?
તેના ઉત્તરમાં ગુરુદેવે કહ્યું કે અરે ભાઈ! સમ્યક્ત્વ માટેનો ખરો પુરુષાર્થ કરે
અને સમ્યક્ત્વ ન થાય એમ બને નહિ. કારણ પ્રમાણે કાર્ય થાય જ–એવી કારણ–
કાર્યની સંધિ છે. કાર્ય નથી પ્રગટતું તો સમજ કે તારા કારણમાં જ ક્યાંક ભૂલ છે.
તારો પુરુષાર્થ કયાંક રાગની રુચિમાં રોકાયેલો છે. જો સ્વભાવ તરફના પુરુષાર્થની
ધારા ઉપડે તો અંતર્મુહૂર્તમાં જરૂર નિર્વિકલ્પ અનુભવ સહિત સમ્યગ્દર્શન થાય.
સ્વભાવનો પ્રયત્ન કરે નહિ, પ્રયત્ન તો રાગનો કરે અને કહે કે અમે ઘણો
પ્રયત્ન કરીએ છીએ છતાં સમ્યક્ત્વ થતું નથી, તેને કારણ–કાર્યના મેળની ખબર
નથી. કારણ આપે રાગનું, અને કાર્ય માંગે વીતરાગનું, પ્રયત્ન કરે વિભાવનો અને
કાર્ય માગે સ્વભાવનું–એ કયાંથી મળે? ભાઈ, સમ્યક્ત્વને યોગ્ય કારણ તું આપ તો
જરૂર સમ્યગ્દર્શનરૂપ કાર્ય પ્રગટે. એ સિવાય બીજા લાખ કારણ ગમે તેટલો કાળ
સેવ્યા કર તોપણ તેમાંથી સમ્યક્ત્વરૂપ કાર્ય આવે નહિ. માટે સમ્યક્ત્વનો ખરો
પુરુષાર્થ શું છે તે સમજ, અને યથાર્થ કારણ–કાર્યનો મેળ સમજીને પુરુષાર્થ કર, તો
તારું કાર્ય પ્રગટે. સાચો પુરુષાર્થ કદી નિષ્ફળ જતો નથી.