: ૮: આત્મધર્મ માહ: ૨૪૯૦
રૂપ જે પરમ શાંતિ તેનો માર્ગ વીતરાગની વાણી બતાવે છે.
વીતરાગદેવની વાણી સાક્ષાત્ ઝીલીને કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રોમાં ગૂંથી છે. ભરતક્ષેત્રમાં
જન્મ ને વિદેહના ભગવાનના ભેટા... અહા! એની પવિત્રતાની શી વાત? ને એનાં પુણ્યની શી
વાત! જેમ તીર્થંકરની પવિત્રતા અને પુણ્ય બંને મોટા, તેમ આચાર્યદેવને પણ પવિત્રતા અને
પુણ્ય બંનેનો કોઈ અલૌકિક મેળ થઈ ગયો છે. યાત્રામાં શ્રવણબેલ–ગોલમાં બાહુબલી
ભગવાનના દર્શન કર્યાં
ત્યારે જાણે અંદર સાક્ષત્ વીતરાગતા ભરી હોય
ને મુદ્રા ઉપર પુણ્યનો અતિશય તરવરતો હોય
એવો અદ્ભુત દેખાવ છે. પવિત્રતાનો અને
પુણ્યનો જાણે પિંડલો! ચૈતન્યનો મહિમાનો
ચિતાર એના સર્વાંગે તરવરે છે. અદ્ભુત દેખાવ
છે, વિશ્વની એક અજાયબી છે. અહીં કહે છે કે
આવા ચૈતન્યસ્વરૂપને ભગવાનની વાણી દેખાડે
છે. ચૈતન્યની પરમ શાંતિનો અનુભવ કેમ થાય
તે ભગવાનની વાણીએ બતાવ્યું છે. આ
પંચમકાળમાં પણ નિજસ્વરૂપનું પોતાનું કામ
સાધનારા મુનિઓ તો ઘણાય થયા; પણ તેની
સાથે બહારમાં પણ ભગવાનનો ભેટો કરીને
આવો માર્ગ ટકાવી રાખવાનું અલૌકિક કાર્ય
કુંદકુંદાચાર્યદેવે કર્યું. આ ભરતક્ષેત્રના ધર્મી જીવો
ઉપર તેમનો મોટો ઉપકાર છે.
ભગવાનનો આત્મા તો અલૌકિક ને તેમની વાણી પણ કોઈ અલૌકિક! એમની આત્મ
શક્તિની તો શી વાત! પણ તેમના કેવળ જ્ઞાનમાંથી નીકળતી વાણી પણ ચૈતન્યના અલૌકિક
રહસ્યોથી ભરેલી છે. ચૈતન્યભગવાન પોતાના સ્વભાવને ઘોળતો ઊભો થયો ને વચ્ચે
સાધકભાવમાં રાગથી જે અલૌકિક પુણ્ય બંધાયા તેના ફળમાં તીર્થંકરાદિની એવી અલૌકિક વાણી
નીકળે છે કે જે સાંભળતાં મુમુક્ષુને તો અસંખ્યપ્રદેશોના રોમરોમ ઉલ્લસી જાય..... ચૈતન્યના પ્રદેશો
ઉલ્લાસથી ખીલી જાય! અહીં આત્મા કેવળજ્ઞાનપણે પૂરો થયો ત્યાં વાણી પણ અસંખ્યપ્રદેશેથી
એક સાથે પૂર્ણ રહસ્યને લેતી પ્રગટી, તે વાણી ત્રણ જગતના જીવોને શુદ્ધાત્માની પ્રાપ્તિનો
હીતકરમાર્ગ ઉપદેશે છે.