માહ: ૨૪૯૦ આત્મધર્મ : ૩:
જે શાંત અનાકુળ ચૈતન્યરસપણે સ્વાદમાં આવે તે જ આત્મા છે. તે જ ધર્મીનું સ્વ છે, તે
જ જ્ઞાનીની અનુભૂતિનો વિષય છે; અને જે આકુળતાપણે વિકારપણે સ્વાદમાં આવે તે આત્મા
નથી, તે ધર્મીનું ‘સ્વ’ નથી, તે જ્ઞાનીની અનુભૂતિથી બહાર રહી જાય છે. જુઓ, આ ભેદજ્ઞાન!
અનુભવ વડે પરભાવોથી આવું ભેદજ્ઞાન થાય ત્યારે ધર્મીની શરૂઆત થાય.
ધર્માત્મા પોતાના અનુભવમાં એમ જાણે છે કે હું સદાય મારા ચૈતન્યરસથી ભરેલો એક
છું, પરદ્રવ્યો કે પરભાવો તે મારા નથી, નથી. હું તો શુદ્ધ ચૈતન્યનો સાગર છું.
कहै विचक्षण पुरुष सदा मैं एक हूं,
अपने रससें भर्यो अनादि टेक हूं।
मोह करम मम नांही, नांही भ्रमरस कूप है।
शुद्धचेतना सिंधु हमारो रूप है।।
અહા, ચૈતન્યસાગર એવો હું, –તેમાં મોહના કુવાનો અભાવ છે, હું તો શુદ્ધ ચૈતન્યરસથી
જ ભરેલો સાગર છું–એમ વિચક્ષણ–ધર્માત્મા અનુભવે છે.
અહા, આ અવસર આ વસ્તુની પ્રાપ્તિનો કાળ છે. બહારના વાદવિવાદ છોડ, ભાઈ!
અંદરમાં આખો ચૈતન્યસાગર–આનંદનો દરિયો હિલોળા મારે છે તેનો અનુભવ કર,
કરુણાઅષ્ટકમાં પ્રભુને પ્રાર્થના કરતાં શ્રી પદ્મનંદીસ્વામી કહે છે કે હે વીતરાગી પરમાત્મા!
આપના સ્વરૂપને ઓળખ્યા વગર, અને આપે કહેલા તત્ત્વસ્વરૂપને ઓળખ્યા વગર, આ
સંસારમાં મેં અનંતકાળ પરિભ્રમણ કર્યું, ને અનંત દુઃખો ભોગવ્યા, હે નાથ! હવે આપના શરણે
હું ફરી ફરીને પોકારી–પોકારીને કહું છું કે હવે મને એક આપનું જ શરણ હો, કેવળજ્ઞાન અને
વીતરાગતામય જે શુદ્ધ ચૈતન્યપિંડ તેનું એકનું જ હવે શરણ હો... જેથી આ સંસારભ્રમણ ટળે.
ભગવાનનું શરણ હો એટલે પરમાર્થે વીતરાગભાવનું જ શરણ હો–એમ તાત્પર્ય છે.
એકવાર આખા સંસારને લક્ષમાંથી છોડીને અંતરમાં ઘણી ધીરજ અને ઘણા પ્રયત્નવડે
અધ્યાત્મની આ વાત અંતરમાં સમજવી જોઈએ. આવા મનુષ્યદેહમાં અત્યારે અનુભવનો
અવસર આવ્યો છે તેમાં જો ચૂક્યો તો ક્ષણમાં આ અવસર ચાલ્યો જશે. અરે, ચૈતન્યના અનુભવ
વગર સંસારની ચાર ગતિમાં કેવા કેવા અવતાર કરી ચુક્યો! તેનાથી છૂટવાનો આ અવસર
છે. ચૈતન્યસાગરનો અંતરમાં અનુભવ કરતાં ક્ષણમાં અનંત સંસાર તૂટી જશે. એકવાર
અંદરમાં દ્રઢરુચિનું એવું ઘર જામી જવું જોઈએ કે કદી ફરે નહિ ચૈતન્યનો પત્તો લીધે જ
છૂટકો કરે.