Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૧પઃ
ગિ ર ના ર ના સ ન્તો
સૌરાષ્ટ્રની ધરતીના ભૂષણરૂપ આ ઉન્નત તીર્થધામમાં અનેક સંતોની
આત્મસાધનાના રણકાર ગુંજી રહ્યા છેઃ પહેલી ટૂંકે ગૂફામાંથી અર્જિકામાતા
રાજુલના વૈરાગ્યના રણકાર ઊઠે છે; બીજી ટૂંકે અનિરુદ્ધકુમાર તપસ્યા કરીને
મુક્તિ પામ્યા છે; ત્રીજી ટૂંક શંબુકુમારના મોક્ષગમનથી પાવન થઈ છે; ઊંચી ઊંચી
ચોથી ટૂંક પ્રદ્યુમ્નકુમારની મોક્ષસાધનાનો સન્દેશ આપી રહી છે; અને ભગવાન
નેમિનાથપ્રભુના મોક્ષકલ્યાણકથી પાવન થયેલી પાંચમી ટૂંક ભવ્યજીવોને મોક્ષનો
સન્દેશ આપી રહી છે. આ ઉપરાંત સહેસાવનના શાંત–અધ્યાત્મ વાતાવરણમાં
ભગવાને વૈરાગ્યની અને જ્ઞાનની જે આરાધના કરી તેના રણકાર ગૂંજી રહ્યા
છે... એથી પણ થોડા નજીક આવીએ તો, ભગવાન ધરસેન આચાર્યદેવે
ચંદ્રગૂફામાં પુષ્પદન્ત–ભૂતબલિ મુનિરાજને જે પાવન જ્ઞાન આપ્યું તેનો નજરે
નીહાળેલો સન્દેશો આ ગિરનારપર્વત આજે આપી રહ્યો છે...અને કુંદકુંદાચાર્યદેવે
મહાન સંઘસહિત સૌરાષ્ટ્રમાં પધારીને આ તીર્થની જે પ્રભાવશાળી યાત્રા કરી
તેનો ઇતિહાસ પણ આ ગિરનાર આજે હોંસથી સંભળાવી રહ્યો છે. અને
તાજેતરમાં (સં. ૧૯૯૬, સં. ૨૦૧૦ તથા સં. ૨૦૧૪માં) પૂ. શ્રી કહાનગુરુએ
પણ વિશાળ સંઘસહિત આ પાવનતીર્થધામની યાત્રાઓ કરી, ને હમણાં ચૈત્રમાં
ફરીને પણ તેઓશ્રી આ તીર્થધામમાં દર્શન કરી આવ્યા. સૌરાષ્ટ્રના ભૂષણસ્વરૂપ
આ ગિરનારના સર્વે સંતોને ભક્તિપૂર્વક સ્મરણ કરીને નમસ્કાર કરીએ
છીએ...અને ગુરુદેવ સાથેની આ પવિત્ર સાધનાભૂમિની યાત્રાના વૈરાગ્યભર્યા
મધુર સંસ્મરણો જ્ઞાન–વૈરાગ્યની ને આનંદ–મંગલની વૃદ્ધિનું કારણ હો...એમ
અંતરથી પ્રાર્થના કરીએ છીએ.
“મુદિત ભાવના” નું વર્ણન કરતાં ભગવતી
આરાધનામાં કહે છે કે–સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–
સમ્યક્ચારિત્ર ને સમ્યક્તપ વગેરે ગુણોના ધારક
ધર્માત્માને દેખીને તથા ચિંતવીને, મનથી–વચનથી
ને કાયાથી આનંદરૂપ થવું, તેમના દર્શન–
સ્પર્શનની વાંછા કરવી, તેમના ગુણોમાં અનુરાગ
કરવો, તે મુદિતભાવના છે.