શ્રાવણઃ ૨૪૯૦ઃ ૧૩ઃ
એવા સુશોભિત લાગતા કે જાણે પર્વત ગુરુદેવને પુષ્પાંજલિ ચડાવીને આવકારતો
હોય ને ફરીને વેલાવેલા યાત્રા કરવા પધારજો–એવું આમંત્રણ આપતો હોય. ઉન્નત
શિખરો ને ગીચ ઝાડીથી છવાયેલા ધીરગંભીર ઉપશાંત દ્રશ્યો ‘અહીં ભગવાન
વિચર્યા છે’ એમ પ્રતીત કરાવતા હતા. નમતી સાંજનું ઉપશાંત વાતાવરણ,
મુનિઓના ધ્યાનથી પાવન થયેલી ભૂમિ, ચારેકોર પહાડોની વચ્ચે વનની નીરવ
શાંતિ..એ બધું સંતોની ધ્યાનદશાને યાદ કરાવતું હતુંઃ અહો, અમારા ધર્મપિતા અહીં
પરમાત્મધ્યાન કરતા. હે મારા નાથ! હું તારો પુત્ર, તારા પગલે પગલે તારી પાસે
આવું છું. ગુરુદેવને પણ ઘણી પ્રસન્નતાપૂર્વક આવી ભાવનાઓ જાગતી હતી. આમ,
ભગવંતોની પવિત્ર ભૂમિ જોતાં જોતાં, મુનિઓની ધ્યાન–દશાને યાદ કરતા કરતા,
ને આત્મહિતની ભાવનાઓ ભાવતાં ભાવતાં પર્વત પરથી ઉતરતા હતા. લગભગ
ત્રણેક માઈલ પર શ્વેતાંબર તથા દિગંબર બંનેના વિશ્રામસ્થાન આવે છે, ત્યાં
યાત્રિકોને ભાતું પણ અપાય છે...તથા બાજુમાં વહેતું એક ઝરણું પર્વતની પ્રાકૃતિક
શોભામાં વધારો કરે છે. મંગળગીત ગાતાં ગાતાં લગભગ બે વાગે સૌ નીચે આવી
પહોંચ્યા...હર્ષભર્યા જયઘોષથી શિખરજીની તળેટી ગૂંજી ઊઠી...પરોઢિયે બે વાગે
સિદ્ધિધામમાં ગયેલા તે બપોરે બે વાગે નીચે આવ્યા...અહા, ૧૨ કલાક આજનો
દિવસ તો જાણે સિદ્ધભગવંતોના દેશમાં જઈ આવ્યા.
જ્ઞાની મહાત્માની ઓળખાણ...અને...સત્સંગની દુર્લભતા
“આત્મદશાને પામી નિર્દ્વંદ્વપણે યથાપ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માઓનો યોગ
જીવને દુર્લભ છે.
તેવો યોગ બન્યે જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી અને તથારૂપ
ઓળખાણ પડયા વિના તે મહાત્મા પ્રત્યે દ્રઢઆશ્રય થતો નથી.
જ્યાં સુધી દ્રઢઆશ્રય ન થાય ત્યાંસુધી ઉપદેશ પરિણામ પામતો નથી.
ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. ને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ
વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી.
તેવો મહાત્માપુરુષોનો યોગ તો દુર્લભ છે–તેમાં સંશય નથી; પણ
આત્માર્થીજીવોનો યોગ બનવો પણ કઠણ છે.”
શ્રીમદ્રાજચંદ્ (૮૧૭)