તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ ૨૧ : અંક ૧૧ : વીર સં. ૨૪૯૦ : ભાદરવો
શ્રા વ ક નું જી વ ન
ભગવાન આદિનાથ મુનિરાજ ચૈતન્યમસ્તીમાં ઝૂલતા
ઝૂલતા હસ્તિનાપુર પધાર્યા. એમને જોતાં જ શ્રેયાંસકુમારને
જાતિસ્મરણ જાગ્યું ને રોમરોમ ભક્તિથી ઉલ્લસી ગયા...અહા.
મોક્ષનું કલ્પવૃક્ષ મારા આંગણે ફળ્યું... સાક્ષાત્ મોક્ષમાર્ગ મારા
આંગણે આવ્યો...એમ હર્ષ–ભક્તિથી શેરડીના રસનું આહારદાન
કર્યું. આ ચોવીસીમાં મુનિરાજને આહારદાનનો એ પહેલો પ્રસંગ
બન્યો. એમાં આહાર લેનાર અને દેનાર બંને ચરમશરીરી હતા.
આ રીતે આહારદાન, જિન–પૂજા વગેરેનો શુભભાવ એ
શ્રાવકની ભૂમિકામાં હોય જ છે. એટલે તેને શ્રાવકનો ધર્મ કહ્યો
છે. આથી એમ ન સમજી લેવું કે એ શુભરાગ જ મોક્ષનું કારણ
થઈ જાય છે. મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
અને તે જ ખરેખર ધર્મ છે. ગૃહસ્થશ્રાવકનેય તે ધર્મની ઉપાસના
અંશે હોય છે. મોક્ષ–માર્ગનું પ્રધાન અંગ સમ્યગ્દર્શન છે અને
તેની આરાધના ગૃહસ્થનેય હોઈ શકે છે. સમ્યગ્દર્શનના ઉપાસક
ગૃહસ્થને પણ ધન્ય અને કૃતાર્થ કહ્યો છે. એવા ધર્મી ગૃહસ્થનું
જીવન કેવું હોય, તેના શુભભાવો કેવા હોય? તેને દેવ–ગુરુ–
શાસ્ત્રની ઉપાસના કેવી હોય–તેનું વર્ણન ‘ઉપાસક–સંસ્કાર’
નામના અધિકારમાં પદ્મનંદીસ્વામીએ કર્યું છે.
(એ અધિકાર ઉપર બે વખત ગુરુદેવના પ્રવચનો થયા છે,
જે હવે પછી ગુજરાતી તેમજ હિંદીમાં પ્રગટ થશે.)
[૨૫૧]