Atmadharma magazine - Ank 256
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 29

background image
: મહા : : ૮ :
રહ્યો એટલે તેણે કેવળજ્ઞાનને પોતાના ઘરે બોલાવ્યું. તે ‘સર્વજ્ઞપુત્ર’ થયો...તે
જિનેશ્વરદેવનો લઘુનંદન થયો.
(૨૩) અદ્ભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર
આત્મા અનંત શક્તિસંપન્ન ચૈતન્ય રત્નાકર છે. જેમ સમુદ્રમાં અનેક રત્નો હોય છે
તેથી તેને ‘રત્નાકર’ કહેવાય છે; તેમ આત્માની એકેક શક્તિ તે અચિંત્ય મહિમાવંત
ગુણરત્ન છે, એવા અનંતા ચૈતન્યરત્નો આ આત્મામાં છે તેથી આત્મા અદ્ભુતનિધિવાળો
ચૈતન્યરત્નાકર છે. પાણીના સમુદ્રમાં રત્નો તો સંખ્યાતા કે બહુ તો અસંખ્યાતા હોય, પણ
આ ચૈતન્યસમુદ્રમાં તો અનંતરત્નો છે. જેનું એકેક રત્ન અપાર મહિમાવાળું છે એવા આ
અદ્ભુત ચૈતન્યરત્નાકરના મહિમાની શી વાત?–એની પ્રભુતાની શી વાત? અહા! મારામાં
જ આવા નિધાન ભરેલા છે પછી પરાશ્રયની પરાધીનતાથી મારે શું પ્રયોજન છે? પોતાના
ચૈતન્યનિધાનની મહત્તા ભાસતાં આખા જગતની મહત્તા ઊડી જાય છે, ને સ્વવીર્યનો વેગ
આત્મા તરફ વળીને આત્માની પ્રભુતાને સાધે છે.
(૨૪) સિદ્ધની પ્રભુતા ને તારી પ્રભુતામાં ફેર નથી
હે જીવ! સિદ્ધભગવંતોને અખંડ પ્રતાપવંતી સ્વતંત્રતાથી શોભીત જેવી પ્રભુતા
પ્રગટી છે તેવી જ પ્રભુતા તારા આત્મામાં છે. તારા આત્માની સ્વતંત્ર પ્રભુતાના
પ્રતાપને કોઈ ખંડિત કરી શકે તેમ નથી. અનાદિથી તેં જ તારી પ્રભુતાને ભૂલીને તેનું
ખંડન કર્યું છે. હવે તારા આત્મસ્વભાવની પ્રભુતાને પ્રતીતમાં લઈને તેનું અવલંબન કર,
તેથી તારી પામરતા ટળી જશે ને અખંડ પ્રતાપવાળી ચૈતન્યપ્રભુતાથી તારો આત્મા
સ્વતંત્રપણે શોભી ઊઠશે...તું પણ અનંતસિદ્ધોની વસ્તીમાં જઈને સાદી–અનંત રહીશ.
(૨પ) સમ્યગ્દર્શનમાં પ્રભુતા
સમ્યગ્દર્શન થતાં જ આત્મામાં પ્રભુતાનો અંશ પ્રગટે છે. સમ્યગ્દર્શન વગરના
જીવો, શક્તિપણે પ્રભુ હોવા છતાં પર્યાયમાં પામર છે. જે જીવ સમ્યગ્દર્શન વડે આત્માની
પ્રભુતાને ઓળખે છે તે જીવ અલ્પકાળમાં ‘પ્રભુ’ થઈ જાય છે. સ્વતંત્રતાથી શોભિત
એવી પ્રભુતાના અખંડ પ્રતાપને કોઈ તોડી શકતું નથી. સમ્યગ્દર્શન થતાં જ આત્માની
પ્રભુતા પ્રગટવા માંડી. રત્નત્રયમાં સમ્યગ્દર્શનને પણ દેવ કહેલ છે.
(૨૬) વીતરાગી વીરની સાચી વીરતા
વીર્યવંત આત્માની સાચી વીરતા તો એમાં છે કે પોતે પોતાના વીતરાગી
શાંતરસની રચના કરે...આવી વીતરાગી વીરતા વડે પોતાની પ્રભુતાને પ્રગટાવે તે જ
સાચો વીર છે. વિકાર વડે સ્વરૂપને હણે એને વીર કેમ કહેવાય? પોતાના નિર્મળ
સ્વરૂપની રચના ન કરી શકે તેને વીર કોણ કહે? રાગને તોડીને પોતાના નિર્મળ
સ્વરૂપને રચે, પોતાની પ્રભુતાને પ્રગટ કરે એ જ ખરો વીર છે. આવી વીરતા એ
આત્માની વીર્યશક્તિનું ખરૂં કાર્ય છે. અને એ જ અદ્ભુત મહિમા છે. વીતરાગી વીરની
એ જ સાચી વીરતા છે કે નિર્મળ વીતરાગભાવની રચના કરે.