: મહા : : પ :
જ્ઞાનનું ઘર છે, જ્ઞાનના ઘરમાં શરીર–રોગ એ કાંઈ પ્રવેશી જતું નથી. જ્ઞાનભાવે પરિણમે
ને રાગાદિભાવે ન પરિણમે તેને જ જ્ઞાન કહીએ છીએ. રાગ એ કાંઈ જ્ઞાનનું કાર્ય નથી.
જ્ઞાનનું કાર્ય જ્ઞાન જ હોય. કમળની કળીમાંથી કાંઈ લીંબોડી ન ખીલે. તેમ ચૈતન્ય–
કમળની કળીમાંથી તો કેવળજ્ઞાનાદિ ચૈતન્યકમળ જ ખીલે, તે ચૈતન્યકળીમાંથી કાંઈ
રાગાદિ કડવા ભાવ ન ખીલે. એકેક શક્તિ નિજસ્વભાવના સામર્થ્યપણે વર્તી રહી છે,
તેની પ્રતીતમાં સમયસારની પ્રસિદ્ધિ છે. સમયસાર એટલે શુદ્ધાત્મા, તેની પ્રતીત કરતાં
તેની શક્તિઓ નિર્મળપણે વ્યક્ત થાય છે–પ્રસિદ્ધ થાય છે.
(૧૨) જ્ઞાનમાં જ સુખ
‘સુખ’ શક્તિથી ભરપૂર આત્મા છે; તેના જ્ઞાન સાથે સુખ પણ ભેગું જ વર્તે છે.
જ્ઞાનમાં આકુળતા નથી, જ્ઞાન જ્યાં જ્ઞાનરૂપ થયું ત્યાં તે નિરાકુળ થયું, એટલે
નિરાકુળતારૂપ સુખ તેમાં સમાઈ ગયું. આવા જ્ઞાન સાથેના સુખને બદલે કયાંય બીજે
બહારના સાધનમાં સુખ ગોતવા જાય તો તે જીવને આત્મગુણોની પ્રતીત નથી; તેને
એકાંતવાદી પશુ કહ્યો છે. જ્ઞાનમાં સુખ ભેગું જ છે; જ્ઞાનથી ભિન્ન કયાંય બીજે સુખ નથી.
(૧૩) શહેનશાહ ભીખ માગે છે તે શરમ છે!
અરે જીવ! તારી શક્તિઓ તને ન ભાસે, ને તું બહારમાં બીજા પાસે તારા
ગુણોની (સુખ વગેરેની) ભીખ માંગ, એ તો જેમ કોઈ શહેનશાહ ભીખ માંગવા નીકળે
એના જેવી શરમ છે. અરે, તું અનંતી અચિંત્ય શક્તિઓનો શહેનશાહ, સુખ ને જ્ઞાનના
નિધાનથી પરિપૂર્ણ, અને ઈન્દ્રિયવિષયો–લક્ષ્મી વગેરે જડ પાસેથી તું તારું સુખ માંગવા
જા–એ તે કાંઈ તને શોભે છે? અને તું બીજા પાસે સુખ માંગ તેથી કાંઈ કોઈ તને સુખ
આપે છે?–ના; એ તો કહે છે કે તારું સુખ કાંઈ અમે લૂંટી નથી ગયા કે તે તને આપીએ.
જેમ તારું સુખ બીજા પાસે નથી, તારામાં જ છે, તેમ તારો સુખમાર્ગ–તારા દર્શન–જ્ઞાન–
ચારિત્ર પણ બીજા પાસે નથી, તારામાં જ છે; ને તારા આશ્રયે જ તે પ્રગટે છે.
(૧૪) સ્વશક્તિનો વિશ્વાસ કર
રે જીવ! મારામાં મારો આનંદ છે એવો વિશ્વાસ તો કર. તને જગતનો વિશ્વાસ
છે પણ તારો પોતાનો વિશ્વાસ નથી! સંતો પોતે અનુભવીને આત્માની શક્તિઓ બતાવે
છે, તેને તું સ્વાનુભવથી જાણીને પ્રતીતમાં લે, તો તારું પરમાં ભટકવાનું મટી જાય, ને
સ્વશક્તિનું સુખ તને અનુભવમાં આવે.
(૧પ) ‘સુખ’–તેમાં દુઃખનો પ્રવેશ નથી
‘સુખ’ તે આત્માનું પ્રયોજન છે. આત્મામાં સુખશક્તિ હોવાથી આત્મા જ સ્વયં
સુખરૂપ થાય છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર એ ત્રણે સુખરૂપ છે. મોક્ષ અને
મોક્ષમાર્ગ સુખરૂપ છે; આત્માનો ધર્મ સુખરૂપ છે, દુઃખરૂપ નથી. હે જીવ! તારી
સુખશક્તિમાંથી જ તને સુખ મળશે, બીજે કયાંયથી તને સુખ નહિ મળે. તારો સ્વભાવ
સુખ છે તેમાં દુઃખ નથી, તારો સ્વભાવ જ્ઞાન છે તેમાં અજ્ઞાન નથી.