: ૧૦ : આત્મધર્મ : અષાડ :
જ અનુભવ છે. સમ્યગ્દર્શન અને સ્વાનુભવ વગર શુભરાગ કરીને પંચમહાવ્રતાદિ
પાળ્યા ત્યારે પણ શુદ્ધચેતનાવસ્તુનો સ્વાદ તેણે ન લીધો, તેણે અશુદ્ધચેતનાવડે માત્ર
વિકારનો સ્વાદ લીધો. ભલે મોટો મહારાજા હો કે ત્યાગી હોય પણ શુદ્ધવસ્તુનો જેને
અનુભવ નથી તે મલિનસ્વાદને જ અનુભવે છે, પવિત્ર આનંદનો અનુભવ તેને નથી.
નિગોદથી માંડીને નવમીગ્રૈવેયક સુધીના મિથ્યાદ્રષ્ટિજીવોને બધાયને સામાન્યપણે
‘અશુદ્ધચેતના’ નો અનુભવ છે, તેમાં શુભઅશુભની કે મંદ–તીવ્રની તારતમ્યતા ભલે
હોય, પણ જાત તો અશુદ્ધચેતનાની જ; શુદ્ધચેતના સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. અજ્ઞાનીને
શુદ્ધચેતના નહિ, ને શુદ્ધચેતના વિના મોક્ષમાર્ગ નહિ. શુભરાગનું વેદન તે પણ
અશુદ્ધચેતના જ છે. અશુદ્ધચેતના તે, મોક્ષમાર્ગ ક્્યાંથી હોય?
અરે, પહેલાં આવી વસ્તુનો મહિમા લક્ષમાં લ્યે, તો તેના પ્રયત્નની ઉગ્રતા જાગે.
મહિમા જ જેને રાગનો હોય તેને તો પ્રયત્ન પણ રાગનો જ ઊપડે, અંતરના લક્ષમાં
શુદ્ધસ્વરૂપનો ખરો મહિમા ભાસે તો તે તરફનો પ્રયત્ન ઊપડ્યા વિના રહે નહિ. જ્ઞાનમાં
જેનો મહિમા ભાસ્યો તે તરફ ચેતના વળે ને તેનો અનુભવ કરે. “શુદ્ધજીવવસ્તુ” કહી
તેમાં શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે આવી જાય છે. સ્વાનુભવ થતાં અનંતગુણો નિર્મળપણે
પરિણમવા માંડે છે. આવા નિર્મળ–ગુણપર્યાય સહિત શુદ્ધજીવવસ્તુ છે. તેનો અનુભવ તે
મોક્ષમાર્ગ છે; તે જ સમ્યગ્દર્શનાદિ છે.
પ્રશ્ન:– આ સમ્યગ્દર્શન અને આત્મા ભેદરૂપ છે કે અભેદરૂપ!
ઉત્તર:– આ સમ્યગ્દર્શન નિર્મળપર્યાય અને આત્મા અભેદ છે. રાગને અને
આત્માને તો સ્વભાવભેદ છે, આ સમ્યગ્દર્શન અને શુદ્ધઆત્મા અભેદ છે, પરિણતિ
સ્વભાવમાં અભેદ થઈને પરિણમી છે, આત્મા પોતે અભેદપણે તે પરિણતિરૂપે પરિણમ્યો
છે, તેમાં ભેદ નથી. વ્યવહારસમ્યગ્દર્શન જે વિકલ્પરૂપ છે તે કાંઈ આત્મા સાથે અભેદ
નથી.