: અષાડ : આત્મધર્મ : ૧૩ :
નથી. તેથી સંતોએ ભાવશુદ્ધિનો પ્રધાન ઉપદેશ દીધો છે. પ્રથમ સમ્યગ્દર્શન કરવું તે
ભાવશુદ્ધિ છે. સમ્યગ્દર્શન વગર કદી ભાવશુદ્ધિ થાય નહિ, ને અશુદ્ધિ ટળે નહિ; અશુદ્ધિ
ટળ્યા વિના મોક્ષ ક્્યાંથી થાય? ચૈતન્યનો રંગ જેને લાગ્યો નથી ને રાગના રંગમાં જે
રંગાઈ રહ્યો છે તેને ભાવશુદ્ધિ નથી, ભાવશુદ્ધિ વગરનું વ્રત–તપ–ભણતર બધું વ્યર્થ છે,
તે મોક્ષનું જરાપણ સાધન થતું નથી.
સમ્યગ્દ્રષ્ટિને તો પોતાના શુદ્ધ ચૈતન્યનો રંગ લાગ્યો છે, ને રાગનો રંગ છૂટી
ગયો છે, રાગને ભિન્ન જાણીને, શુદ્ધસ્વભાવના અનુભવથી જેટલો સમ્યક્ત્વાદિરૂપ
શુદ્ધભાવ પ્રગટ કર્યો છે તેટલો જ મોક્ષમાર્ગ છે. આવા શુદ્ધભાવ વગર કોઈ પણ ક્ષેત્રમાં
મોક્ષમાર્ગ નથી. ગમે તેવું આચરણ કરે પણ જીવને જ્યાંસુધી શુદ્ધભાવ નથી ત્યાંસુધી
મોક્ષમાર્ગ થતો નથી–એ નિયમ છે, માટે હે જીવ! તું ભાવશુદ્ધિને જાણ ને તેનો ઉદ્યમ
કર.
જીવના પરિણામ ત્રણ પ્રકારના–
* અશુભ
* શુભ.
* શુદ્ધ.
* હિંસા, ચોરી આદિ પાપપરિણામ તે અશુભ છે, તે પાપબંધનું કારણ છે.
* દયા, દાન, પૂજા, વ્રતાદિ પુણ્યપરિણામ તે શુભ છે, તે પુણ્યબંધનું કારણ છે.
* શુભાશુભ બંનેથી રહિત, મિથ્યાત્વાદિથી રહિત જે સમ્યક્ત્વાદિ શુદ્ધ વીતરાગ
પરિણામ તે શુદ્ધભાવ છે, તે જ કર્મક્ષયનું કારણ છે. એ સિવાય શુભ કે અશુભભાવ તે
કર્મક્ષયનું કારણ નથી પણ કર્મબંધનું કારણ છે. એટલે તે ધર્મ નથી. ધર્મ તો શુદ્ધભાવ
જ છે.
રાગાદિ પરભાવોમાં સ્વભાવબુદ્ધિ અથવા લાભબુદ્ધિ તે મિથ્યાત્વ છે. ને
મિથ્યાત્વ તે મોટો અશુદ્ધભાવ છે; સમ્યક્ત્વવડે જ તે અશુદ્ધતા મટે છે. શુભરાગમાં
એવી તાકાત નથી કે મિથ્યાત્વની અશુદ્ધતાને મટાડે. આ રીતે સમ્યક્ત્વ એ પણ
શુદ્ધભાવ છે. સમ્યક્ત્વથી માંડીને સિદ્ધપદ સુધીના બધા પદ શુદ્ધભાવમાં સમાય છે. આ
રીતે શુદ્ધભાવ તે ધર્મ છે, તે જ મુમુક્ષુનો મનોરથ છે. આ આત્મા શુદ્ધોપયોગરૂપે
પરિણમે તે જ મનોરથ છે.