વર્ષ : ૨૩ અંક : ૧
વીર સં. : ૨૪૯૨ કારતક
તંત્રી: જગજીવન બાવચંદ દોશી) (સંપાદક: બ્ર. હરિલાલ જૈન: સોનગઢ
નૂતન વર્ષના પ્રારંભે
આપણું આત્મધર્મ–માસિક પૂ. ગુરુદેવની મંગલ છત્રછાયામાં આજે ૨૩ મા વર્ષમાં
પ્રવેશી રહ્યું છે. ગુરુદેવ આપણને જે આત્મહિતકારી બોધ આપી રહ્યા છે તેની
પ્રભાવનામાં ‘આત્મધર્મ’ નો કેટલો ફાળો છે તે સૌ જાણે છે, એટલે જ સર્વે જિજ્ઞાસુઓએ
‘આત્મધર્મ’ ને પોતાનું જ સમજીને પ્રેમથી–આદરપૂર્વક અપનાવ્યું છે. આત્મધર્મે હંમેશાં
પોતાના ઉચ્ચ આદર્શો ને ઉચ્ચ પ્રણાલી જાળવી રાખી છે ને હજી સંતોની છાયામાં અને
સાધર્મીઓના સહકારથી તેને અનેકવિધ વિકસાવવાની ભાવના છે. અમને જણાવતાં
આનંદ થાય છે કે આ અંકથી બ્ર. ભાઈશ્રી હરિલાલ જૈન આત્મધર્મનું સંપાદનકાર્ય
સંભાળશે. આત્મધર્મના પાઠકો તેમનાથી પરિચિત જ છે; બાવીસ વર્ષ પહેલાંં આત્મધર્મ
શરૂ થયું ત્યારથી જ માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈની દોરવણી અને સલાહ–સૂચના
અનુસાર આત્મધર્મનું લેખન–સંપાદનકાર્ય તેઓ સાંભળી જ રહ્યા છે, હવે સંપાદનશૈલીમાં
આધુનિક સુધારાવધારા કરીને તેઓ આત્મધર્મને વધુ ને વધુ વિકસિત ને આકર્ષક
બનાવવા પ્રયત્ન કરશે. આત્મધર્મના સમસ્ત જિજ્ઞાસુ પાઠકો પણ આત્મધર્મના
વિકાસમાં સહકાર આપશે. એનો અમને વિશ્વાસ છે.
‘આત્મધર્મ’ નો મુખ્ય ઉદ્દેશ–દેવગુરુધર્મની સેવા, આત્માર્થિતાનું પોષણ
અને વાત્સલ્યનો વિસ્તાર; તે ઉદ્દેશને પુષ્ટિકારક પૂ. ગુરુદેવનો ઉપદેશ આત્મધર્મમાં
અપાય છે. દર મહિને લગભગ ૬૦ પ્રવચનો દ્વારા ગુરુદેવ તો અમૃતના ધોધ
વહેવડાવે છે, ને સાક્ષાત્ શ્રોતાઓ આનંદથી તેનું પાન કરે છે. પણ આત્મધર્મમાં તો
તેમાંથી ચૂંટી ચૂંટીને માત્ર ચાર પ્રવચન જેટલું જ આવી શકે, છતાં જેમ બને તેમ
વધુ સાહિત્ય આપવાનો પ્રયત્ન કરીશું. માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈએ
અનેક વર્ષો સુધી આત્મધર્મનું તંત્રીપદ સંભાળીને જે દોરવણી આપી છે તે બદલ
તેમનો તથા હાલના તંત્રીશ્રી જગજીવનભાઈનો આભાર માનું છું.
અંતમાં શ્રી જૈનશાસનની, પૂ. ગુરુદેવની ને પૂ. જિનવાણીમાતાની વધુ ને
વધુ સેવાનું સામર્થ્ય ‘આત્મધર્મ’ ને મળે એવી પ્રાર્થના કરૂં છું.
નવનીતલાલ સી. જવેરી
પ્રમુખ,શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
(સોનગઢ)